Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

દિલીપસિંહ ગોહિલ અને તેના પુત્ર નરેન્દ્રસિંહની પ્ર.નગર પોલીસે વ્યાજખોરીમાં ધરપકડ કરી

અગાઉ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે આપવાનું કામ કરતાં રેલ્વે કર્મચારી : કોઠારીયા સોલવન્ટના સુથાર યુવાન જયંત પંચાસરાએ ૭૦ હજાર સામે ૩૫ હજાર ચુકવ્યા છતાં વધુ ૭૦ માંગી બાઇક પડાવી લીધુ'તું: લોકદરબારમાં આવેલી રજૂઆત બાદ કાર્યવાહી

રાજકોટ તા. ૬: ગઇકાલે યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરીના એક કિસ્સામાં પોલીસે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે આપવાનું કામ કરતાં રેલ્વે કર્મચારી અને તેના પુત્ર સામે ગુનો નોંધી તત્કાલ ધરપકડ કરી લીધી છે. સુથાર યુવાને વ્યાજે લીધેલા નાણા સામે પાંત્રીસ હજાર ચુકવી દીધા છતાં વધુ ૭૦ હજાર માંગી તેનું ટુવ્હીલર પડાવી લેવાનો ગુનો નોંધાયો હતો.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ પાસે બરકતી નગરમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં ગુર્જર સુથાર જયંત ગિરીશભાઇ પંચાસરા (ઉ.૩૩) નામના યુવાનની ફરિયાદ પરથી   કુવાડવા રોડ વલ્લભનગર-૨માં રહેતાં દિલીપસિંહ ભીમભા ગોહિલ (ઉ.૫૭) અને તેના પુત્ર નરેન્દ્રસિંહ દિલીપસિંહ ગોહિલ (ઉ.૩૪) સામે આઇપીસી ૩૨૩, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪,  ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

જયંત પંચાસરા કારખાનામાં કામ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે આપવાનું કામ કરતાં દિલીપસિંહ ગોહિલ કે જે રેલ્વેમાં પણ નોકરી કરે છે તેની સાથે મારો સંપર્ક થયો હતો. મારે પૈસાની જરૂર હોઇ મેં તેને વાત કરતાં તેણે દસ ટકા વ્યાજે પૈસા આપશે તેવું કહ્યું હતું. ત્યારબાદ મેં પહેલીવખત ૧૫૦૦૦ લીધા હતાં. તેનું ત્રણેક વર્ષ દિલીપસિંહને વ્યાજ ભર્યુ હતું. કટકે કટકે તેની પાસેથી ૭૦ હજાર લીધા હતાં. આ વખતે વ્યાજ ચુકવી ન શકતાં હું રાજકોટ છોડી જામનગર જતો રહ્યો હતો. ત્યાંથી વડોદરા નીકળી ગયો હતો. હાલમાં ફરીથી રાજકોટ આવ્યો છે.

દોઢેક મહિના પહેલા હું એસ્ટ્રોન ચોકમાં મોબાઇલની દૂકાન પાસે ઉભો હતો ત્યારે દિલીપસિંહનો દિકરો નરેન્દ્રસિંહ આવ્યો હતો અને મને જોઇ જતાં માર મારી ૭૦ હજાર તાત્કાલીક આપી દે તેમ કહી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હતી. મેં તેને કહેલુ કે વ્યાજની રકમ તો તમને આપી છે. પરંતુ તેણે છેલ્લા બે વર્ષમાં તે કંઇ નથી આપ્યું તેમ કહી મારુ ૧૨ હજારનું મોટરસાઇકલ ધમકી આપીને પડાવી લઇ ગયેલ. મેં સિતેર હજારમાંથી પાંત્રીસ હજાર ચુકવી દીધા છે. છતાં તેણે માર મારી વાહન પડાવી લઇ હજુ સિત્તેર હજાર આપવા પડશે તેવી ધમકી આપી હતી.

લોકદરબારમાં આવેલી આ ફરિયાદ પરથી ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ આર. સાકરીયાએ ગુનો નોંધ્યા બાદ પીએસઆઇ કે. સી. રાણા, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, જનકભાઇ કુગશીયા, વિમલેશભાઇ રાજપૂત, વિરભદ્રસિંહ જાડેજા, કોન્સ. હરેશ કુકડીયા, હિરેન ચાવડા તથા રાજ સાંકળીયાએ બંને આરોપીની ધરપકડ કરી છે.

(12:59 pm IST)