Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સદ્ગત નાનાલાલ કારીયાની પ.પૂ. રણછોડદાસજી બાપુના કૃપાપાત્ર શિષ્યમાં ગણના થતી હતી

દેશના વિવિધ રાજ્યોમાં પૂ. રણછોડદાસજી બાપુ પ્રેરીત રાહત કેમ્પો-નેત્રયજ્ઞોમાં વર્ષો સુધી નિઃસ્વાર્થ સેવા આપનાર

રાજકોટઃ પારડી નિવાસી હાલ રાજકોટ સ્વ. વાલજીભાઈ શામજીભાઈ કારીયાના પુત્ર નાનાલાલ (ઉ.વ. ૮૬)નું તા. ૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદ્ગત નાનાલાલ કારીયા બાળપણથી જ પ્રભુ ભકિતના રંગે રંગાયેલ, સેવા એ જ પરમોધર્મ સમજીને તેમના ગુરૂ સદ્ગુરૂ દેવ પૂજય રણછોડદાસજી બાપુના પરમ શિષ્ય બની પૂજ્ય રણછોડદાસજી બાપુ પ્રેરિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાતા નેત્રયજ્ઞોમાં પૂજ્ય રણછોડદાસજી બાપુ સાથે સતત સેવામાં જોડાયેલા રહ્યા હતા.

નેત્રયજ્ઞની સેવા ઉપરાંત ૧૯૬૬-૬૭ના વર્ષમાં ઓરિસ્સા, ૧૯૬૮માં બિહાર તેમજ મહારાષ્ટ્ર રાજ્યના લાતુરમાં ભૂકંપ સમયે રાહત કેમ્પોમાં અનેક દિવસો સુધી પૂ. રણછોડદાસજી બાપુ સાથે સેવા આપી હતી.

નેત્રયજ્ઞમાં નેત્રયજ્ઞના સ્થળે દર્દીના નામ નોંધણીથી લઈને ભોજન તેમજ રજા આપવામાં આવે ત્યાં સુધી દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા હતા. તેઓ પૂજ્ય રણછોડદાસજી બાપુના જન્મ દિવસ કારતક સુદ ચોથના રોજ નિયમિત વર્ષો સુધી પુષ્કર સેવા આપવા જતા હતા. આ ઉપરાંત ગોરા આશ્રમ, ચિત્રકુટ, પાંડુ કેશર વિગેરે પૂજ્ય બાપુની જગ્યાએ દરેક ઉત્સવમાં તથા સેવા કેમ્પોમાં જતા હતા.

સને ૧૯૫૨માં જામનગર ખાતે જમનાદાસ પટેલની વાડીમાં પૂજ્ય રણછોડદાસજી બાપુ બે વર્ષ માટે કાસ્ટ મૌન પર બેસવાના હતા ત્યારે રાજકોટથી નાનાલાલ કારીયા સાથે ગુરૂભકતો સાયકલ પર જામનગર ગયા હતા.

ગુરૂભકતો નાનાલાલ વાલજીભાઈ કારીયા, ધરમશી ભગત, અમુભાઈ પોપટ, અમૃતલાલ ભુરાભાઈ કક્કડ, લખુભાઈ બોદાણી, પ્રાગજીભાઈ, ધારશી જાદવજી બેડલાવાળા, પેઢીના વિગેરે ગુરૂભકતોએ વર્ષો સુધી પૂજ્ય ગુરૂદેવની જગ્યાઓ પુષ્કર, ચિત્રકુટ, ગોરા આશ્રમ, ઋષિકેશ, ન્યારા, ગોંડલ રામજી મંદિર, પોપટપરાનું રણછોદાસજી મંદિર વિગેરે મંદિરે ગુરૂપૂર્ણિમાએ તેમજ અન્ય ધાર્મિક પ્રસંગોએ નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધી સેવા કરી હતી. કુવાડવા રોડ સ્થિત મંદિરે દર રવિવારે જવાનો નિત્યક્રમ રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ રામજી મંદિરના પૂજ્ય હરિચરણદાસ બાપુના પણ કૃપાપાત્ર શિષ્ય નાનાલાલ કારીયા રહ્યા હતા. નાનાલાલ કારિયાએ તેમના નવા નિવાસ સ્થાન 'સદ્ગુરૂ તીર્થધામ' પારેવડી ચોક ખાતે પૂ. હરિચરણદાસજી બાપુના પાવન પગલા પડાવી વાસ્તુ કરેલ.

આજે સાંજે ૪ થી ૬ ટેલીફોનિક બેસણુ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

(12:58 pm IST)