Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

બહુમાળી-એજી ચોક, ન્યારી ડેમ બગીચા સહિત ૪ સ્થળે હાઇમાસ્ટ લાઇટ નંખાશે

મ.ન.પા.ના ૩.૫૩ કરોડના વિકાસકામોને લીલીઝંડી આપતા ઉદિત અગ્રવાલ : વોર્ડ નં. ૧૭માં નવી ઓફિસ : વોર્ડ નં. ૫માં પેડક રોડ પર પેવીંગ બ્લોક નંખાશે : મંજુર દરખાસ્તોની વિસ્તૃત વિગતો જાહેર કરતા સેક્રેટરી હરીશ રૂપારેલિયા

રાજકોટ તા. ૬ : મ.ન.પા.માં નવા કોર્પોરેટરો શાસન સંભાળે તે પૂર્વે કેટલાક ૩.૫૩ કરોડના ઇમરજન્સી વિકાસકામોને વહીવટદાર અને મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે સ્ટેન્ડીંગ કમિટિ યોજી અને લીલીઝંડી આપી હતી. જેમાં શહેરના ન્યારી ડેમ બગીચા સહિત કુલ ૪ સ્થળે હાઇમાસ્ટ લાઇટીંગ સુવિધા સહિતના કામોનો સમાવેશ થાય છે.

આ તકે મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલિયાએ મંજુર થયેલા વિકાસકામોની વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને રાજ્ય સરકારે આપેલી ખાસ સત્તાની રૂએ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટિ યોજી અને ઇમરજન્સીવાળા ૧૨ જેટલા નિતી વિષયક નિર્ણયો લઇ અને મહત્વના વિકાસ કામો મંજુર કર્યા હતા.

જેમાં ન્યારી ડેમ બગીચા ખાતે ૪૯.૨૭ લાખના ખર્ચે હાઇમાસ્ટ લાઇટ નાંખવાનો કોન્ટ્રાકટ ઉપરાંત શહેરમાં ત્રણ ઝોનમાં ત્રણ મુખ્ય ચોકમાં ૧૦.૭૩ લાખના ખર્ચે ત્રણ હાઇમાસ્ટ લાઇટ નાંખવાનો કોન્ટ્રાકટ મંજુર કરાયેલ.

આ ત્રણ હાઇમાસ્ટ લાઇટોમાં વેસ્ટ ઝોનમાં એ.જી. ચોક આસપાસ તથા સેન્ટ્રલ ઝોનમાં બહુમાળી ભવન ચોક અને સામાકાંઠે ચુનારાવાડ ચોકમાં નંખાશે.

આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર સર્વિસીઝ કોર્પોરેટના પ્રોજેકટ માટે ૯.૭૦ લાખના ખર્ચે કન્સલ્ટન્સી કોન્ટ્રાકટ, પ્રદ્યુમન પાર્ક ઝુના પ્રાણીઓ માટે મટન ખરીદવાનો બે વર્ષીય કોન્ટ્રાકટ રૂ. ૧૭.૨૦ લાખના ખર્ચે આપવા, વોર્ડ નં. ૫માં પૂર્વ કોર્પોરેટર પ્રીતીબેન પનારાની ગ્રાન્ટમાંથી જનભાગીદારી યોજના હેઠળ કુવાડવા રોડ, નાગબાઇ પાનથી પેડક રોડ પર સીતારામ ગેઇટ સુધીના રસ્તા પર ૧.૬૭ કરોડના ખર્ચે બંને બાજુએ પેવીંગ બ્લોકનો કોન્ટ્રાકટ મ.ન.પા.ની કચેરીના વોટર કુલર એરકન્ડીશનર પ્લાન્ટ રીપેરીંગ - ઇન્સ્ટોલેશન વગેરેનો વાર્ષીક કોન્ટ્રાકટને મંજુરી, કાલાવડ રોડ પ્રેમ મંદિર સામે આવેલ બગીચામાં ફૂડ કોર્ટના કોન્ટ્રાકટની મુદત વધારવા અને વોર્ડ નં. ૧૭માં સહકાર મેઇન રોડ પર ૪૩ લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવા જિલ્લા ગાર્ડન પમ્પીંગ સ્ટેશનમાં ફલોમીટર લગાડવા માટે ૧૯ લાખનો કોન્ટ્રાકટ તેમજ ન્યારી-૧ ડેમના ગેઇટ, આંતરીક બ્રીજ વગેરે એસેસરીઝને ૧૨.૨૭ લાખના ખર્ચે કલર કામ કરાવવાનો કોન્ટ્રાકટ આપવા સહિત કુલ ૧૨ દરખાસ્તો મંજુર કરી કુલ ૩.૫૩ કરોડના વિકાસકામોને મંજુરી અપાયેલ.

(3:30 pm IST)