Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

છાત્ર મયંકને હરિદ્વારથી લઇ પોલીસ અને સ્વજનો સવારે રાજકોટ આવવા રવાનાઃ ફરવા ગયાનું રટણ

મુળ કાલાવડનો મયંક સોઢા રાજકોટ રજપૂતપરાની છાત્રાલયમાં રહી આત્મીય કોલેજમાં ભણે છેઃ તા. ૧ના સવારે દૂધ પીવા જવાનું કહી નીકળ્યા બાદ ગૂમ હતોઃ મોબાઇલ ટ્રેસ થતાં એ-ડિવીઝન પોલીસને માહિતી મળી

એ-ડિવીઝનના રામગરભાઇ ગોસાઇ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, ગૂમ થયેલા છાત્ર મયંકના સ્વજનો અને હરિદ્વારથી મળેલો મયંક જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: મુળ કાલાવડનો અને હાલ રાજપૂતપરામાં આવેલી લોહાણા બોર્ડિંગમાં રહી આત્મીય કોલેજમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરતો મયંક ધર્મેશભાઇ સોઢા (ઉ.૧૯) નામનો લોહાણા છાત્ર તા. ૧ના સવારે બોર્ડિંગથી દૂધ પીવા જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની જતાં વાલીઓમાં દોડધામ મચી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસમાં જાણ થતાં અને પોલીસ કમિશ્નરશ્રીને રજૂઆત થતાં મયંકના મોબાઇલ ફોનનું લોકેશન શોધવા મથામણ શરૂ થઇ હતી. દરમિયાન તેનો ફોન એક વાર ચાલુ થતાં તે હરિદ્વારમાં હોવાનું લોકેશન મળતાં એ-ડિવીઝન પોલીસની ટીમ અને પરિવારજનોએ ત્યાં પહોંચી ત્યાંના રેલ્વે સ્ટેશનમાંથી તેને હેમખેમ શોધી લીધો છે. આ લોકો ત્યાંથી રાજકોટ આવવા સવારે રવાના થયા હોઇ રાત સુધીમાં પહોંચી જશે. મયંકે પોતે ફરવાની અને હરિદ્વાર જોવાની ઇચ્છા થતાં જતો રહ્યાનું રટણ કર્યુ છે.

મયંક ગૂમ થતાં રાજકોટ પોલીસે દેશભરની પોલીસને ગૂમ થયાના ફોટો સાથેની વિગતો મોકલી હતી. પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશ્નર તથા ડીસીપી ઝોન-૧ની રાહબરી હેઠળ પી.આઇ. વી.એન. યાદવ અને ટીમે મયંકને શોધવા તપાસ આરંભી હતી. દરમિયાન મયંકે વિરમગામ સ્ટેશને પોતે હરિદ્વાર જતો હોવાની એક વ્યકિતને વાત કરતાં લોકેશન મળતાં હરિદ્વાર પોલીસને મયંકના ફોટો સાથેના પોસ્ટર મોકલાયા હતાં. જે ત્યાંના રેલ્વે સ્ટેશનમાં લગાવાયા હતાં. બીજી તરફ ડી. સ્ટાફના એએસઆઇ રામગરભાઇ ગોસાઇ, ઇન્દ્રજીતસિંહ જાડેજા અને મયંકના સ્વજનો ગઇકાલે હરિદ્વાર જવા નીકળ્યા હતાં. ત્યાંના રેલ્વે સ્ટેશનમાંથી મયંક હેમખેમ મળતાં સોૈએ રાહત અનુભવી હતી. મયંકને લઇને આજે સવારે ખાનગી કાર ારફત પોલીસ અને પરિવારજનો રાજકોટ આવવા નીકળ્યા હતાં. મોડી રાતે તેઓ અહિ પહોંચવાની શકયતા છે. મયંકે પોતાને કોઇ તકલીફ નહિ હોવાનું અને માત્ર ફરવા-હરિદ્વાર જોવા માટે જ નીકળી ગયાનું કહ્યું હતું. તે થોડો ગભરાયેલો પણ હોઇ વધુ પુછતાછ કરવામાં આવી નથી.

૪ તારીખે હરિદ્વારનું લોકેશન મળ્યું: ટીસીએ ટ્રેનમાં જોયો'તો

. પી.આઇ. વી.એન. યાદવે જણાવ્યું હતું કે મયંક ગૂમ થયાની જાણ થતાં અમે સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા હતાં. ૪ તારીખે ફોન ચાલુ થતાં હરિદ્વાર તરફ લોકેશન આવ્યું હતું. મયંકનો ફોટો રેલ્વેના તમામ ટી.સી.ના એક સોશિયલ મિડીયા ગ્રુપમાં મુકાયો હતો. જેના આધારે ટ્રેનમાં એક ટી.સી.એ મયંકને બીકાનેર-હરિદ્વાર ટ્રેનમાં એસ-૪ કોચમાં જોયો હતો. જેથી તે ટીસીએ તેને હરિદ્વાર સુધી કયાંય ઉતરે નહિ તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. ટીસી મારફત માહિતી મળતાં પોલીસ હરિદ્વાર પહોંચી હતી. મયંક હરિદ્વારથી રૂડકી અને ત્યાંથી પાછો હરિદ્વાર આવ્યો હતો અને ગઇકાલે ત્યાંથી હેમખેમ મળ્યો હતો.

(4:04 pm IST)