Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

'અવાચ્ય' સહી નહિ ચાલે, પત્રો-હુકમોમાં અધિકારીઓના નામ-નંબર દર્શાવવા આદેશ

નાયબ મહેસુલ સચિવ દિલીપ ઠાકરની સહીથી સરકારનો પરિપત્ર

રાજકોટ તા.૭ : મહેસુલ વિભાગ હેઠળની કલેકટર કચેરીઓ તેમજ તાબાની કચેરીઓ દ્વારા તરફથી સચિવાલયના વિવિધ વિભાગો, લોક પ્રતિનિધિઓ અને પ્રજાજનો સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે છે તેમાં જે તે કચેરીનુ નામ, સરનામુ અને તારીખ વિગેરે દર્શાવવામાં આવે છે પરંતુ જે તે શાખા કે સંબંધિત અધિકારીનો ફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ વિગેરે દર્શાવવામાં આવતા નથી. પરિણામે સચિવાલયના વહીવટી વિભાગો, લોક પ્રતિનિધિઓ અને પ્રજાજનોને તેમનો સંપર્ક કરવામાં મુશ્કેલી અનુભવાય છે. ઘણી વખત કલેકટર વતી કે તાબાના અધિકારીઓ વતી અવાચ્ય સહી કરી પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે. આવા પત્ર વ્યવહારમાં વતી (ફોર) કરી સહી કરવાની પદ્ધતિ ઇચ્છનીય નથી. આમ થવાથી જરૂર જણાયે સહી કરનારની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ મુશ્કેલી અનુભવાય છે તેથી સબંધિત અધિકારીઓના નામ, ફોન નંબર દર્શાવવા માટે મહેસુલ વિભાગના નાયબ સચિવ દિલીપ ઠાકરની સહીથી ગઇકાલે પરિપત્ર પ્રસિધ્ધ થયો છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો લાભ જાહેર જનતાને મળી રહે તે માટે તેનો મહત્તમ ઉપયોગ થાય અને વહીવટમાં પારદર્શકતા આવે તે જરૂરી છે ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમના પ્રોએકટીવ ડીસકલોઝરમાં પણ સંબંધિત અધિકારીના નામ, કચેરીનો ફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ વિગેરે દર્શાવવાના રહે છે.

પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયુ છે કે, કલેકટર કચેરીઓ તેમજ તાબાની કચેરીઓ દ્વારા તરફથી સચિવાલયના વિભાગો તેમજ લોક પ્રતિનિધિઓ અને પ્રજાજનો સાથેના પત્રવ્યવહાર-હુકમો વિગેરેમાં સહી કરનાર અધિકારીનું નામ, કચેરી-શાખાનું પુરૂ સરનામુ કચેરીનો લેન્ડલાઇન ટેલીફોન નંબર, ઇ-મેઇલ એડ્રે વિગેરે અચુક દર્શાવવાના રહેશે. કોઇપણ સંજોગોમાં કોઇ અધિકારી વતી અવાચ્ય સહી કરી પત્ર વ્યવહાર કરવાનું વલણ ટાળવાનું રહેશે.

જે કાર્યવાહીમાં કલેકટરની મંજુરીની આવશ્યકતા હોય ત્યાં કલેકટરની સહી છે તેવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે નિવાસી અધિક કલેકટર કે અન્ય અધિકૃત અધિકારીની સહીથી ઉપરોકત સુચનાનું ચુસ્તપણે પાલન કરીને પત્ર વ્યવહાર કરવાનો રહેશે.

(3:35 pm IST)