Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સુરેન્‍દ્રનગરમાં પંજાબના સાધુને ઘેની ફ્રુટી પાઇ ગઠીયો રોકડ ચોરી ગયો

સાધુ જયરામગીરી અખાડામાં આવ્‍યા બાદ જલંધર જવા ટ્રેનની રાહ જોઇને બેઠા'તાઃ ભાનમાં આવ્‍યા ત્‍યારે રાજકોટની હોસ્‍પિટલમાં હતાં : ગઠીયો ભગવા કપડા સાથેની ઝોલી પણ લેતો ગયો

રાજકોટ તા. ૬: ટ્રેન, બસ સહિતના વાહનોમાં મુસાફરી કરતી વખતે ઘણીવાર ગઠીયાઓ બીજા મુસાફરોને ઘેની પદાર્થ ખવડાવી કે પીવડાવી બેભાન કરી રોકડ, મોબાઇલ, દાગીના સહિતની ચીજવસ્‍તુ લઇ રફુચક્કર થઇ જતાં હોય છે. આવી એક ઘટના સુરેન્‍દ્રનગર રેલ્‍વે સ્‍ટેશન પાસે મુળ પંજાબના સાધુ સાથે બની છે. તેઓ જલંધર જવા તેઓ ટ્રેનની રાહ જોઇને બેઠા હતાં ત્‍યારે એક શખ્‍સે આવી વાતચીત કરી બાદમાં સાધુને ઘેની ફ્રુટી પીવડાવી બેભાન કરી તેની પાસેથી રોકડ તથા ભગવા કપડા સાથેની ઝોલી લઇ ભાગી ગયો હતો. સાધુ ભાનમાં આવ્‍યા ત્‍યારે રાજકોટ હોસ્‍પિટલમાં હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગઇકાલે સુરેન્‍દ્રનગર રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી એક સાધુને ત્‍યાંની હોસ્‍પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતાં. વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલમાં રીફર કરાયા હતાં. આજે સવારે તેઓ ભાનમાં આવ્‍યા હતાં. તેમણે પોતાનું નામ જયરામગીરી ગુરૂ અવધેશગીરી (ઉ.વ.૪૮) હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે પોતે મુળ મથુરાના છે. પણ વર્ષોથી પંજાબમાં રહે છે. થોડા દિવસ પહેલા તેઓ અખાડામાં આવ્‍યા હતાં. ગઇકાલે સુરેન્‍દ્રનગરથી જલંધર જવા ટ્રેનની રાહ જોઇને બેઠા હતાં ત્‍યારે એક યુવાને આવી વાતો કરી હતી અને બાદમાં ફ્રુટી પીવડાવી હતી એ પછી પોતે બેભાન થઇ ગયા હતાં. પોતાના ખિસ્‍સામાંથી ૧૯૦૦ની રોકડ તથા ભગવા કપડા સાથેની ઝોલી ગાયબ હોવાનું તેમણે કહ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. 

(12:04 pm IST)