Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં પ્‍યુને બાળાને ચાળા કર્યાની વાતે ધોલધપાટ

મહિલા દર્દીને ઇમર્જન્‍સી વિભાગમાંથી બીજા વોર્ડમાં મુક્‍યા બાદ તેની સાથેની બાળાને ચા-બિસ્‍કીટ અપાવવાના બહાને લઇ ગયા મોડે મોડે પાછો આવ્‍યોઃ બાળાએ ફરિયાદ કરતાં જામી પડીઃ પોલીસ તપાસ

રાજકોટ તા. ૬: સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં ગત રાતે એક પ્‍યુનની લોકોએ ધોલધપાટ કરી હતી. ઇમર્જન્‍સી વોર્ડમાંથી મહિલા દર્દીને અન્‍ય વોર્ડમાં શિફટ કર્યા બાદ આ દર્દી સાથેની બાળાને તે ચા-બિસ્‍કીટ અપાવવાના બહાને લઇ ગયા બાદ મોડે મોડે પાછો આવતાં અને બાળાએ પોતાની સાથે ચાળા થયાની ફરિયાદ કરતાં આ પ્‍યુનની ધોલધપાટ થઇ હતી.

ચર્ચાતી વિગત મુજબ રાતે એક મહિલા દર્દીને ઇમર્જન્‍સી વિભાગમાં લાવવામાં આવ્‍યા હતાં. પેટને લગતી તકલીફ હોઇ અહિ તપાસ બાદ અન્‍ય લાગુ પડતાં વોર્ડમાં તેમને રિફર કરવામાં આવ્‍યા હતાં. મહિલા દર્દી સાથે ઇમર્જન્‍સી વિભાગનો પ્‍યુન તેમને વોર્ડમાં મુકવા ગયો હતો. ત્‍યાં દર્દીને પહોંચાડયા બાદ તેમની સાથેની બાળાને આ પ્‍યુન ચા-બિસ્‍કીટ અપાવવાના બહાને લઇ ગયો હતો. પણ મોડે સુધી બાળા પાછી ન આવતાં તપાસ શરૂ થઇ હતી. ત્‍યાં જ એ  પ્‍યુન બાળાને લઇને આવ્‍યો હતો.

આ વખતે બાળાએ પોતાની સાથે ચાળા થયાની ફરિયાદ કરતાં વાત વણસી હતી અને પ્‍યુનની ધોલધપાટ શરૂ થઇ હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પહોંચી હતી અને સંજય નામના પ્‍યુનને પુછતાછ માટે સાથે લઇ ગઇ હતી. આ મામલે આજે મોડી બપોર સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નહોતી. આ બનાવે સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં ચકચાર મચી ગઇ છે. (૧૪.૧૧)

સિવિલના ઇમર્જન્‍સી વિભાગમાં ડોક્‍ટરને તમાચો મારી દેવાયો!

ઞ્જ સિવિલ હોસ્‍પિટલમાં ઘણીવાર દર્દીઓ અને તેમના સગા ડોક્‍ટર તથા નર્સિંગ સ્‍ટાફ અને બીજા સ્‍ટાફ સાથે માથાકુટ કરી લેતાં હોય છે. રવિવારે સવારે વધુ એક આવી ઘટના બની હતી. જેમાં ઇમર્જન્‍સી વિભાગમાં સારવાર માટે આવેલા એક દર્દીના સગા યોગ્‍ય સારવાર નહિ થઇ હોવાની ફરિયાદ સાથે દેકારો મચાવતાં હતાં. આ વોર્ડના ડોક્‍ટર જરૂરી ટ્રીટમેન્‍ટ કરી ટ્રોમામાં બીજા દર્દીને જોવા ગયા હોઇ ત્‍યારે દેકારો સાંભળી ઇમર્જન્‍સી વિભાગના ડો. શર્મા ત્‍યાં જોવા ગયા હતાં અને દર્દીના સગાને માથાકુટ ન કરવા તથા જે પ્રશ્ન હોય તેની શાંતિથી રજૂઆત કરવા સમજાવતાં કોઇએ આ ડોક્‍ટર સાથે માથાકુટ કરી લીધી હતી અને તેમને લાફો મારી દીધો હતો. સ્‍વભાવે સરળ એવા આ ડોક્‍ટરે માફામાફી બાદ ફરિયાદ નોંધાવવાનું ટાળ્‍યું હતું.

(3:58 pm IST)