Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પ્રપોઝ ફોર્મમાં વ્‍યવસાય અંગેની વિગત દર્શાવેલ ન હોવા માત્રથી કલેઇમ નામંજુર થઇ શકે નહી

ડોકટર જયાં સારવાર મેળવી ત્‍યા ફરજ બજાવતા હોય, તે માત્ર કારણથી કોરોના અંગેના રીપોર્ટ તથા લીધેલ સારવાર ખોટી હોય તેવું માની શકાય નહીC

રાજકોટઃ કોરોના મહામારી પૂર્વે વિમા કંપનીઓએ ગ્રાહકો પાસેથી કોરોના કવચ અને કોરોના રક્ષકના નામની પોલીસી ગ્રાહકોની પાસેથી ઉતરાવી કરોડોનું પ્રીમિયમ એકત્ર કરેલ હતુ પરંતુ જયારે કોરોનાની બીજી લહેરમાં મહામારી સર્જાઇ અને વિમા કંપની સમક્ષ જયારે ગ્રાહકોએ કલેઇમ મુકયા ત્‍યારે નત-નવા બહાના બતાવી વિમા કંપનીએ ગ્રાહકોને કલેઇમની રકમ ચૂકવેલ નથી. તેવો જ એક કિસ્‍સો રાજકોટના સીનર્જી હોસ્‍પિટલમાં ફરજ બજાવતા ડો.અતુલભાઇ ભાખીભાઇ શીરોયામાં થયેલ હતો તેમને ઓરીએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની લીમાંથી રૂ.૧,૫૦,૦૦૦/- ની કોરોના રક્ષક પોલીસી લીધેલ હતી. ડો.અતુલભાઇ ભીખાભાઇ શીરોયાને શ્વાસ સંબંધેની અને ઓકિસજન ઘટી જવા સંબંધી તકલીફ જણાતા તુરંત તેઓ જયા ફરજ બજાવતા હતા ત્‍યા સ્‍ટાર સીનર્જી હોસ્‍પિટલમાં નિદાન માટે ગયા હતા. જયા કોરોના (કોવીડ-૧૯)નું પ્રાથમિક નિદાન કરી તબીબી અભિપ્રાય મુજબ હોસ્‍પિટલમાં ઇન્‍ડોર પેશન્‍ટ તરીકે દાખલ કરવામાં આવેલ હતા જયા કોવીડ-૧૯ (કોરોના)ની સારવાર કરવામાં આવેલ હતી અને સારવારમાં કુલ રૂ.૧,૬૩,૩૦૨/- નો ખર્ચ થયેલ હતો. ત્‍યારબાદ કલેઇમની રકમ મેળવવા તેમને વિમા કંપનીમાં કાગળો રજુ કરેલ ત્‍યારબાદ ટીપીએ એ સ્‍વયંપ્રેરીત અને મનસ્‍વી રીતે કલોઝ નંબર ૮-૧ એટલેકે મીસરીપ્રેશન્‍ટેશન, મીસ-ડીસ્‍ક્રિપશન ઓર નોન-ડીસ્‍કલોઝર ઓફ એની મટીરીયલ ફેકટની તર્કહીન અને પાયાવિહોણી હકીકત જણાવી રીજેકશન લેટર મોકલેલ હતો. જે રીજેકશન લેટરમાં એવું જણાવવામાં આવેલ છે કે તેમને પોલીસી લીધા પૂર્વેના પ્રપોઝલ ફોર્મમાં તેમના ડોકટર તરીકે પ્રેકટીસ કરતા હોય તે હકીકત પ્રપોઝલ ફોર્મમાં જણાવેલ નથી તેથી કલેઇમ રીજેકટ કરવામાં આવે છે. ત્‍યારબાદ વિમા કંપનીએ એવું જણાવેલ કે વિમાધારકે હોસ્‍પિટલમાં દાખલ થવાની જરૂરીયાત ન હતી તેમ છતા તેઓ હોસ્‍પિટલમાં દાખલ થયેલ છે તેથી પણ કલેઇમ મળવાપાત્ર નથી તેમ જણાવી કલેઇમ નામંજુર કરેલ હતો.

 ફરિયાદી પોતે ડોકટર હોય કોવિડ-૧૯(કોરોના) ની ગંભીર બિમારી અંગે અવગત હોય સારવાર કરનાર ડોકટરની સૂચના આર.ટી.પી.સી.આર કરવામાં આવેલ તેમજ સીટી સ્‍કેન કરવામાં આવેલ છે તેના કલીનીકલ ડીટેઇલમાં કોવીડ હોવાનું જણાવેલ કોવિડ-૧૯(કોરોના) જેવી વૈશ્વિક મહામારી કે જેમા દર્દીએ સત્‍વરે તબીબી અભિપ્રાય મુજબ સારવાર લેવી અનિવાર્ય-આવશ્‍યક અને ફરજીયાત જ હતી જે હકીકત ડોકટર દરજજે ફરીયાદી સારી રીતે જાણતા હતા. ત્‍યારે કપરા સંજોગોમાં તબીબોએ દર્દીની વાસ્‍તવિક સ્‍થિતિએ ધ્‍યાને રાખીને જ હોસ્‍પિટલમાં સારવારો કરેલ છે. આવી સમગ્ર હકીકતો વિમા કંપનીમાં જણાવવા છતા તેમના કલેઇમની રકમ વિમા કંપની ચુકવતી ન હોય ડો.અતુલભાઇ ભીખાભાઇ શીરોયાએ એડવોકેટ શૈલેન્‍દ્રસિંહ આર.જાડેજા મારફત રાજકોટના મહે. ગ્રાહક નિવારણ કમીશન સમક્ષ, વિમા કંપની વિરુધ્‍ધ ફરીયાદ દાખલ કરેલ હતી.

એડવોકેટ શૈલેન્‍દ્રસિંહ આર.જાડેજા દ્વારા મહે.ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં તર્ક બધ્‍ધ દલીલ કરવામાં આવેલ અને નામદાર નેશનલ કન્‍સ્‍યુમર ડીપોઝીટ રીડ્રેસલ કમીશન તથા હાઇકોર્ટના ચુકાદા ધ્‍યાને લઇ રાજકોટના મહે.ગ્રાહક તકરાર નિવારણ કમીશન દ્વારા નોંધવામાં આવ્‍યુ કે પ્રપોઝલ ફોર્મમાં વ્‍યવસાય અંગેની વિગત દર્શાવેલ ન હોવા માત્રથી કલેઇમ નામંજુર થઇ શકે નહી, વધુમાં નોંધ્‍યુ કે વિમા કંપનીએ પ્રપોઝલ ફોર્મ સાથે એવુ ફોર્મ રજુ કરતા હોય કે પોલીસી લેનાર જે તે હોસ્‍પિટલમાં દાખલ થઇ સારવાર કરાવે, તે હોસ્‍પિટલ સાથે તેઓને કયો સંબંધ અને તે હોસ્‍પિટલ સાથે કઇ રીતે સંકળાયેલા છે, તેવુ પણ નથી. આથી વિમા કંપની રકમ ચુકવવા માટે જવાબદાર છે. જે હકીકતો ધ્‍યાને લઇ ડો.અતુલભાઇ ભીખાભાઇ શીરોયા ને સમઇન્‍સ્‍યોર્ડની રકમ રૂ.૧,૫૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર પુરાનો કલેઇમ ૯% વ્‍યાજ રૂા.૪,૦૦૦/- ચાર હજાર ખર્ચ સાથે ગ્રાહક તકરાર નિવારણ કમીશન-એડીશનલ દ્વારા ફરીયાદ મંજુર કરેલ હતી.

ફરીયાદી ડો.અતુલભાઇ ભીખાભાઇ શીરોયા વતી રાજકોટના એડવોકેટ શૈલેન્‍દ્રસિંહ આર.જાડેજા, કેતન વી.જેઠવા, સંદિપ આર.જોષી તથા શુભમ આર.જોષી રોકાયેલ હતા.

(3:55 pm IST)