Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજકોટના કોમી એકતાના પ્રતિક ગેબનશાહ પીરનો બે દિ'નો ઉર્ષ

જયાં સવાર પડતાં જ સર્વધર્મના લોકો એક સાથે જોવા મળે છે સોમવારે રાત્રે સર્વધર્મ સમારોહ અને કવ્‍વાલીનો કાર્યક્રમ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ શહેરના હિન્‍દુ-મુસ્‍લિમ એકતાના પ્રતિક સમા, કુતુબે શહેર હઝરત ગેબનશાહ પીરની દરગાહનો ઉર્ષ સોમ અને મંગળવારે બે દિવસ ઉજવવામાં આવનાર છે.

આ પ્રસંગે પ્રથમ દિવસે તા. ૬ ના રાત્રે ૯.૧પ વાગ્‍યે રાષ્‍ટ્રીય કોમી એકતા સમારોહ, સર્વધર્મ સમભાવ સમારોહ  અને ખિરાજે અકીદતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

જેમાં પ્રમુખ સ્‍થાને જી. પી. સી. સી. ના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદા, હાજી સૈયદ બરકતશાહબાપુ કાદરી, માજી ધારાસભ્‍ય જાવીદ પીરઝાદા હાજરી આપશે આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરના વિવિધસ્‍તર અને ક્ષેત્રના મુસ્‍લિમ અગ્રણીઓ, ધર્મગુરૂઓ, અધિકારીઓ હાજરી આપનાર છે.

આ કાર્યક્રમ પૂરો થયા બાદ રાત્રે અનિષ નવાબની કવ્‍વાલીનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયો છે. આ માટે હઝરત ગેબનશાહપીર દરગાહ શરીફનું ટ્રસ્‍ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે.

રાજકોટ શહેરનું આ એક એકમાત્ર ધર્મસ્‍થાન છે કે, જયાં સવાર પડતાં જ તમામ ધર્મના લોકો એક સાથે પ્રાર્થના કરતા જોવા મળે છે અને દુર દુરથી હમેંશા લોકો આવી પોતાની મનોકામનાઓ પૂરી કરે છે.

વર્ષો પૂરાણી આ દરગાહનું હમેંશા નવીનિકરણ થતું રહ્યું છે તેમ હાલમાં પણ દરગાહ શરીફરના જૂના બીલ્‍ડીંગમાં રીનોવેશન કરી ને નવું બાંધકામ કરવામાં આવી રહયું છે. જેમાં કલાત્‍મક મસ્‍જીદ, હોસ્‍પિટલ, બોયઝ હોસ્‍ટેલ, લેબોરેટરી, એક્ષરે મશીન, ઓ. ટી. ત્‍થા મેડીકલ સ્‍ટોર સ્‍થાપિત કરવાનું આયોજન કરાયું છે.

આ માટે હાલમાં પૂરજોશ બાંધકામ ચાલી રહ્યું છે તેમ વહીવટકર્તા યુસુફભાઇ એ એકયાદીમાં જણાવી આ ઉર્ષનો સર્વધર્મ પ્રેમીઓને લાભ લેવા અનુરોધ કર્યો છે.

(12:26 pm IST)