Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વી.ડી.બાલાએ વસુંધરાની કૂખ ઊજાળી છેઃ અપૂર્વ મુનિ

રાજકોટ,તા.૬: પર્યાવરણની પ્રવૃત્તિઓ થકી સમાજને નવી રાહ ચિંધનારા અને નિવૃત વન અધિકારી વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) પર તૈયાર થયેલા પુસ્તક 'વસુંધરાના વ્હાલા-વી.ડી.બાલા' નું વિમોચન તાજેતરમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલના મધ્યસ્થ ખંડ ખાતે થયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંત અપૂર્વ મુનિ સ્વામીએ આશિર્વચન પાઠવતા જણાવ્યું કે, વી.ડી.બાલા ઉપર પુસ્તક લખી શકાય એવું એ વ્યકિતત્વ છે. પુસ્તક બુદ્ધિશાળી લોકોના લખાય, બિઝનેસ મેનેજમેન્ટના પુસ્તકો પણ લખાય પણ આ પુસ્તક સેવા પ્રવૃત્તિ  પર લખાયેલું  છે. વીરજીભાઈ બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ સમજે છે. તેમણે વસુંધરાની કુખ ઊજાળી છે. પર્યાવરણની વર્તમાન પરિસ્થિતિ વિકટ છે અને એવા સમયમાં તેમની પ્રવૃત્તિ અતિ મહત્વની બની રહે છે.

પોતાના જન્મદિવસે જ પુસ્તકનું વિમોચન થતાં ભાવુક થઈ ગયેલા વી.ડી.બાલાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, એક સમય એવો હતો કે, વિદ્યાર્થીઓમાં બાવળની સમજ ન હોતી. મને થયું કે, વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. ત્યારથી પ્રત્યેક વ્યકિત સુધી પર્યાવરણની વાત પહોંચે તેવું અભિયાન મેં ઉપાડયું. તેમણે કહ્યું કે, પર્યાવરણ ક્ષેત્રે પણ એવી તકો છે જેમાં રોજગારીનું સર્જન થાય. ગુનાખોરી રોકવી હશે તો રોજગારીનું સર્જન કરવું પડશે. ફૂલછાબના તંત્રી અને આ પુસ્તકના સંપાદક કૌશિક મહેતાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે, વી.ડી.બાલા નોખી માટીના માણસ છે. એમનું એક વ્યકિતત્વ છે. એમનું  ઘડતર અલગ રીતે થયું છે. પર્યાવરણ માટે આટલું કામ કરવું એ નાની વાત નથી. જેમની આંખમાં ભીનાશ હોય તે લીલાશ સર્જી શકે. વી.ડી.બાલા એમાનું ઉપર પુસ્તક થવું જ જોઈએ જેથી પર્યાવરણની પ્રવૃત્તિ કરવાની બીજાને પ્રેરણા મળી શકે.આ પુસ્તક વિમોચન સમારોહમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલના ટ્રસ્ટીઓ મુકેશ દોશી, નિદત બારોટ, સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટના અજય જોશી, વિવિધ સ્કૂલના આચાર્ય અને પર્યાવરણપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

(4:08 pm IST)