Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજકોટ તાલુકાના બેડલા ગામની ખેતીની જમીન અંગેની અપીલને કાઢી નાખવા હુકમ

મહેસુલ ટ્રીબ્યુનલ અમદાવાદ દ્વારા અપાયેલ ચુકાદો

રાજકોટ તા.૬: રાજકોટ તાલુકાના બેડલા ગામની ખેતીની જમીન અંગેની અપીલ-રિવિજનને મહેસુલ ટ્રીબ્યુનલ અમદાવાદે કાઢી નાખી હતી.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટ તાલુકાના બેડલા ગામના રહીશ પોપટભાઇ મીઠાભાઇ ડોબરીયાએ તેમની હયાતિમાં જ તેમની સ્વપાર્જીત ખેતીની જમીનો કૌટુંબિક વહેંચણીના આધારે તેમના મોટા પુત્ર લાલજીભાઇ પોપટભાઇ ડોબરીયાને તેમની મિલ્કતો પૈકી ખેતીની જમીન એકર ૪-૦૦ ગુંઠા સોંપી આપેલ. તે અંગેની રેવન્યુ રેકર્ડમાં નોંધ નં.૨૨૮૧ થી પ્રમાણિત થયેલ. તેમજ નાના પુત્ર-હંસરાજભાઇ પોપટભાઇ ડોબરીયાને રોકડ રકમમાંથી ખેતીની જમીનના પ્લોટ-૨ ખરીદ કરી આપેલા. આમ છતાં પણ નાના પુત્ર-હંસરાજભાઇ ડોબરીયાએ પાછળથી, ઘણા લાંબા સમય બાદ વાંધો ઉઠાવેલ અને નોંધ નં.૨૨૮૧ રદ કરવા મામલતદાર  રાજકોટ સમક્ષ અપીલ કરેલ.

આ અપીલ બન્ને પક્ષકારોને સાંભળીને કાઢી નાંખવામાં આવેલ છે. આ હુકમથી નારાજ થઇ હંસરાજભાઇ ડોબરીયોએ રાજકોટના ડેપ્યુટી કલેકટર સમક્ષ રેવન્યુ અપીલ દાખલ કરેલ. જે અપીલ પણ બન્ને પક્ષકારોને સાંભળીને કાઢી નાખવામાં આવેલ. આ હુકમથી નારાજ થઇ હંસરાજભાઇ ડોબરીયાએ રાજકોટ જીલ્લા કલેકટર સાહેબ સમક્ષ રેવન્યુ અપીલ દાખલ કરેલ.

આ અપીલ પણ બન્ને પક્ષકારોને સાંભળીને તથા રીસ્પોન્ડન્ટસ વતી રાજકોટના વકીલ હર્ષદકુમાર એસ.માણેકની દલીલો ધ્યાને લઇ, અપીલ કાઢી નાંખવામાં આવેલ. છેવટે હંસરાજભાઇ ડોબરીયાએ અમદાવાદ રેવન્યુ મહેસુલ ટ્રીબ્યુનલ પંચ સમક્ષ રેવન્યુ અપીલ/રીવીઝન દાખલ કરેલ. જેમાં પણ બન્ને પક્ષકારોને સાંભળીને અધિક સચિવશ્રી જે.બી.વોરાએ અપીલ કાઢી નાંખેલ છે અને છેવટનો રાજકોટ જીલ્લા કલેકટરનો હુકમ કાયમ રાખેલ છે. એટલે કે રેવન્યુ નોંધ નં.૨૨૮૧ પ્રમાણિત થયેલ છે તે બરાબર છે, યોગ્ય છે. આને લગતા હુકમમાં કોઇ હસ્તક્ષેપ કરવો ઉચિત જણાતો ન હોય, જેથી અપીલ નામંજુર કરેલ છે. આમ, નીચેની કોર્ટથી ઉપરની કોર્ટ સુધી, કુલ ચારેય કોર્ટમાં વયોવૃધ્ધ વડીલ પોપટભાઇ મીઠાભાઇ ડોબરીયાની તરફેણમાં ચુકાદાઓ આવેલા છે.

આ કામમાં રીસ્પોન્ડન્ટસ પોપટભાઇ મીઠાભાઇ ડોબરીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રીઓ હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન બી.ગોંડલીયા તથા જાગૃતિબેન કેલૈયા રોકાયેલા છે.

(4:05 pm IST)