Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કોંગી અગ્રણી બાલેન્દ્રભાઈ વાઘેલાના પિતાશ્રી અને

જૂની પેઢીના પ્રેસજગત સાથે સંકળાયેલા કાન્તીભાઈ વાઘેલાનું અવસાનઃ ગુરૂવારે પ્રાર્થનાસભા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા શ્રી કાન્તિલાલ જુઠાભાઇ વાઘેલા તે કોંગ્રેસ અગ્રણી શ્રી બાલેન્દ્રભાઇ તથા ભાવનાબેન વાઘેલા (જનાના હોસ્પિટલ)ના પિતાશ્રી તેમજ હર્ષાબેન બાલેન્દ્રભાઇ વાઘેલા (એલઆઇસી)ના સસરા તથા વશિષ્ઠ અને જશરાજના દાદા તા.૫ના રોજ શ્રીજી ચરણ  પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૮ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ વાગ્યે રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૯૯૮૨ ૩૦૩૦૩)

આજની નવી પેઢીને ભાગ્યે જ ખ્યાલ હોય પરંતુ એ જમાનામાં જયારે આજના જેવી ડીજીટલ ફોટોગ્રાફી કે કોમ્પ્યુટરાઈઝ સવલતો નહોતી ત્યારે અખબારોમાં ફોટા પ્રસિદ્ધ કરવા એ લોખંડના ચણા ચાવવા જેવું કામ હતું. ત્યારે ફોટા છાપવા માટે ખાસ ધાતુના પતરા ઉપર કેમીકલ પ્રોસેસ કરી ''બ્લોક'' બનાવાતા. જેના દ્વારા અખબારો - મેગેઝીનોમાં તસ્વીરો છાપી શકાતી - દાયકાઓ પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વ. કાન્તિભાઈ વાઘેલાએ ફુલછાબ પછી બ્લોકસ બનાવવાનું બીજુ યુનિટ સ્થાપ્યુ હતું. તેઓ  જય હિન્દ સહિતના અખબારો- સામાયિકોને બ્લોકસ પુરા પાડતા રહેલ. શહેર કોંગ્રેસના મોટા ગજાના અગ્રણી શ્રી બાલેન્દ્ર વાઘેલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કાંતિભાઇ ૮૯ વર્ષે પણ બિલ્કુલ સ્વસ્થ હતા. કોઇ જ રોગ સ્પર્શેલ નહિ. ત્રણેક મહિનાથી માત્ર એઇજીંગ ઇફેકટને લીધે ચાલવાનું બંધ કરેલ. એ પછી ક્રમશઃ ખોરાક બંધ કરી લીકવીડ પર રહેલ. તેમણે ગઇ કાલે ૧૨ વાગે ચા પીધી અને દોઢ વાગે શાંતિપૂર્ણ અંતિમ શ્વાસ લઇ જીવનયાત્રા પૂર્ણ કરેલ. તેમને મેથીના ગોટા અને ગાંઠીયા અત્યંત પ્રિય હતા. આગલા દિવસે મેથીનું ૧ ભજીયુ ખુબ જ  આનંદથી તેમણે લીધુ હતું શ્રી કાન્તીભાઇ સંપૂર્ણ લીલીવાડી જોઇ ઇશ્વરના ધામ સીધાવ્યા હતા. તેમની પ્રાર્થનાસભા  ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ રાખવામાં આવેલ છે.(મો.૯૯૯૮૨ ૩૦૩૦૩)

(3:57 pm IST)