Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રૈયા ચોકડી પાસે રોડ ડીવાઇડર પર એઠવાડ નાખી જનારને કોર્પોરેશન ટપારશે ?

અહિ નાખેલો એઠવાડ ગંદકી સાથે અકસ્માત પણ નોતરે છે

રાજકોટ તા.૬: દેશભરમાં વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાનમાં રાજકોટના રહીશો અને મ્યુ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ રાજકોટ માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.

કોર્પોરેશન દ્વારા ગંદકી દૂર કરી નિયમીત વ્યવસ્થિત સફાઇ માટેના પણ પુરતો પ્રયત્નો કરાઇ રહ્યા  છે જે આવકારદાયક છે.

પરંતુ કેટલાક અબુધ અણસમજુ લોકો જાણે ઇરાદાપૂર્વક રાજકોટને ગંદકી યુકત રાખવું હોય તેવું વર્તન કરી રહ્યા છે જયાં ત્યાં કચરો અને એઠવાડ ફેકી જાય છે અને તે તેની નિયમીતતા બની ગયેલ છે.

રૈયા રોડ પર રૈયા ચોકડીથી કનૈયા ચોક તરફ આવતા બે ફુટ પહોળા રોડ ડીવાઇડર પર પુજારા ટેલીકોમથી આગળ રહેતા લોકો જે શેરીમાં નજીક રહે છે તે ઘણા લોકો નિયમીત રીતે બપોરે ૧-૦૦ વાગ્યા આસપાસ અને રાત્રે ૯-૦૦ વાગ્યા પછી એઠવાડ રોડ ડીવાઇડર પર નાખી જાય છે. ૩ થી ૪ શેરીમાં રહેતા લોકો નિયમીત રીતે અહિં એઠવાડ નાખે છે.

રોડ ડીવાઇડર પર એઠવાડ નાખે છે એટલે આ એઠવાડ ખાવા માટે ગાય-બકરી અને કયારેક કુતરા પણ આવે છે. હવે નવાઇ એ છે કે અહિં એઠવાડ ખાતી ગાય આડી ઉભી રહે છે એટલે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.  અથવા થોડે દૂરથી આવતા વાહન ચાલકો હોર્ન વગાડે એટલે ગાય ભડકીને ભાગે છે એટલે ગાય સાથે વાહન ચાલકને ભટકાઇને અકસ્માતનો ખતરો પણ સર્જાય છે અને એઠવાડને કારણે ગંદકી થવા પામી છે તે પણ એક સમસ્યા છે.  સુકાઇ ગયેલા એઠવાડ પર માખી મચ્છર પણ બેસતા હોય છે આથી રોગચાળાનો પણ ખતરો રહે છે.

આવી જ રીતે રામાપીર ચોકડીથી લાખના બંગલાવાળા રોડ પર રોડ ડીવાઇડરમાં સરસ મજાના કરણના છોડ ઉભા છે છતા ત્યાં રોડ પર રહેતા અસંખ્ય રહીશો આ રોડ ડીવાઇડરમાં એઠવાડ નાખી જાય છે.

મ્યુ કમિશ્નર આ બાબતે આરોગ્ય શાખા મારફત કડક કાર્યવાહી દંડનીય કાર્યવાહી કરવી જોઇએ તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. તસ્વીરમાં રૈયા રોડ પર એઠવાડ ખાઇ રહેલી બકરીઓ નજરે પડે છે. મ્યુ. કમિશ્નર આ કાયમી સમસ્યા નિવારશે. (૧૧.૬)

(3:49 pm IST)