Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શિવાજીનગર,લાખાજીરાજ ઉદ્યોગનગરમાં કૂટણખાના પર પોલીસ ત્રાટકીઃએક પુરૂષ, બે મહિલાની ધરપકડ

રમેશ સલાટ, માયા સલાટ અને કાજલ સલાટ લલનાઓ પાસે દેહવિક્રય કરાવતી'તીઃ થોરાળા પોલીસનો દરોડો

રાજકોટ તા. ૬: ચુનારાવાડ શિવાજીનગર-૧૨ના ખુણે તથા લાખાજીરાજ ઉદ્યોગનગર-૭/૮ના ખુણે કૂટણખાના પર થોરાળા પોલીસે દરોડો પાડી એક પુરૂષ તથા બે મહિલાને પોલીસે ઝડપી લીધા છે. આ ત્રણેય બહારની છોકરીઓને બોલાવી વધુ પૈસા કમાવવાની લાલચ આપી તેની પાસે વેશ્યાવૃતિ કરાવી કમાણીમાંથી પોતે વધુ પૈસા રાખી લઇ છોકરીઓને ખુબ જ ઓછા પૈસા આપી કૂટણખાના ચલાવતાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

થોરાળાના પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પી.એસ.આઇ. જે. જી. ચોૈધરી, અશ્વિનભાઇ સહિતના સ્ટાફે ચુનારાવાડ શિવાજીનગર-૧૨ના ખુણે તથા લાખાજીરાજ ઉદ્યોગનગર-૭/૮ના ખુણે મકાનમાં દરોડા પાડી રમેશ દેવજીભાઇ સલાટ (ઉ.૪૫), માયા રમેશ પઢીયાર (સલાટ) (ઉ.૩૫) તથા કાજલ રમેશ સલાટ (ઉ.૪૦)ની સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૬ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આ ત્રણેય જણા પોતાના મકાનમાં બહારથી છોકરીઓને બોલાવી વધુ પૈસા કમાવવાની લાલચ આપી તેને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી વેશ્યાવૃતિ કરાવી ખુબ ઓછા પૈસા આપતાં હતાં. કૂટણખાનુ ચલાવી કમાયેલા રૂ. ૧૫૫૦ પણ કબ્જે લેવાયા છે. છોકરીઓને આ કેસમાં સાહેદ બનાવાઇ હતી. પી.એસ.આઇ. ચોૈધરી વધુ તપાસ કરે છે.

(12:58 pm IST)