Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાકવિમાં ફોર્મમાં ખોટી વિગત દર્શાવેલ હોય વિમો મળી શકે નહિ

દેના બેંકની તરફેણમાં રાજકોટ ગ્રાહક ફોરમનો ચુકાદો

રાજકોટ તા.૬: પાક ધિરાણ મેળવવા વિમેદારે બેંકમાં ઓનલાઇન ભરેલ ફોર્મ (અરજી)માં ખોટી વિગતો દર્શાવેલ હોય વિમાની રકમ મળી શકે નહિ તેમ ઠરાવી રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે અરજદારની  અરજી રદ કરી છે.

કેસની વિગત મુજબ ફરિયાદી લલીત બચુભાઇ રામાણીએ દેના બેંક બેડલા શાખામાં પાક ધિરાણ મેળવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી જણાવેલ હતુ કે પાક વિમાં માટે ઓનલાઇન ફોર્મ ભર્યું હતુ પરંતુ બેંકની બેદરકારીને કારણે ફરિયાદીને પાકવિમો મળી શકેલ નથી.

આ સામે બેંક વતી એવી રજુઆત કરી હતી કે ફરિયાદીએ ઓનલાઇન ફોર્મમાં ખોટી વિગતો દર્શાવી હતી જેની જાણ બેંકે ફરિયાદીને કરી હતી છતા અજાણ બની આ ખોટી ફરિયાદ દાખલ કરેલ છે.

આ કામમાં બંને પક્ષકારોની રજુઆત-દલીલો સાંભળી બેંકે સાચી વિગતો લખેલ ન હોય તેનું ફોર્મ રદ કર્યાની રજુઆત માન્ય રાખી ફોરમે નોંધ્યુ હતું કે બેંકની સેવામાં કોઇ ખામી નહતી ફરિયાદીની ભુલને કારણે તેને વિમો મળવાપાત્ર નથી તેમ ઠરાવી ફરિયાદ રદ કરી હતી.

આ કામમાં દેનાબેંક બેડલા શાખા વતી એડવોકેટ બી. બી. ગોગીયા, રવિ બી. ગોગીયા, આનંદ બી. ગોગીયા, હીરેન રૈયાણી તથા દક્ષાબેન મનાતર રોકાયા હતા.

(11:35 am IST)