Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજકોટની બે બેઠક ભાજપને નિશ્ચિત : ૨ બેઠક પર રસાકસી

દર્શિતાબેન માટે પ્રધાનપદાના ઉજળા સંજોગો : સમીકરણો મંડાતા જાય છે

રાજકોટ : જેમ જેમ ૮ તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ દેશ આખાની નજર ગુજરાતના પરિણામો ઉપર મંડાયેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સહિતના નેતાઓએ જે રીતે આ વખતે અપાર જહેમત ઉઠાવી છે, તે જોતા ચૂંટણી વાસ્‍તવમાં રોમાંચક બની છે. શ્રી અરવિંદ કેજરીવાલ અને ઈશુદાન ગઢવી પણ પ્રચારમાં છવાયેલા રહ્યા છે. સહુના મનમાં એક જ સવાલ, ભાજપને કેટલી બેઠકો મળે છે.

સ્‍વાભાવિક આપ પાર્ટી ભાજપ માટે તારણહાર બની રહેશે તે માન્‍યતા હવે મક્કમ બનતી જાય છે. ટોચના ભરોસાપાત્ર વર્તુળોનું માનીએ તો ભાજપ ૧૨૦ થી ૧૩૦ વચ્‍ચે બેઠકો મેળવી રહ્યુ છે. જયારે બુકી બજાર ભાજપને ગઈરાત્રે ૧૪૦ બેઠકો આપતી હતી. ભાજપનું ચોક્કસ વર્તુળ તો ૧૫૦ પ્‍લસ સુધીની અતિશયોકિતભરી વાતો મક્કમતાથી કહે છે.

દરમિયાન રાજકોટ - સુરત ઉપર સહુની નજર છે. રાજકોટની ૪ બેઠકોમાંથી રાજકોટ પૂર્વ ૧૫ થી ૧૮ હજાર મતે અને પમિની બેઠક ૧૨ થી ૧૫ હજાર મતે ભાજપ અચૂક જીતે તેવો વર્તારો ભરોસાપાત્ર વર્તુળો કરી રહ્યા છે. તેમાં પણ ડો.દર્શિતા શાહના વિજય સાથે જ તેમના માટે મંત્રીપદ લગભગ નિતિ મનાય છે. રાજકોટ ગ્રામ્‍ય અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અરવિંદ રૈયાણીના વર્ચસ્‍વવાળી મનાતી રાજકોટ - ૬૮ની બેઠક ઉપર ભારે રસાકસી હોવાનું અને ૩ હજાર મતની આસપાસ નજીવા માર્જીનથી હાર જીત થાય તો નવાઈ નહિં તેવુ ટોચના વર્તુળો માની રહ્યા છે. રાજકોટ - ૬૮ બેઠક ઉપરની રસાકસી ચરમસીમાએ છે. અહિં ભાજપના દિગ્‍ગજ શ્રી ઉદય કાનગડ અને કોંગ્રેસના ધુરંધર શ્રી ઈન્‍દ્રનીલ રાજયગુરૂ વચ્‍ચે નેક ટુ નેક ફાઈટ છે. ખુદ ભાજપના વર્તુળો રાજયગુરૂનું પલ્લુ ભારે બતાવે છે. જયારે ઉદય કાનગડની નજીક અને તેમને જાણતા વર્તુળો કંઈક અલગ કહી રહ્યા છે. જો કે રાજકોટ પંથકમાં જે ભાંગફોડ થઈ છે અને જે લોકો નિષ્‍ક્રિય રહ્યા છે તેમના ઉપર, બાજ નજર રખાયાની પણ ચર્ચા છે.

પ્રથમ તબક્કાની લગભગ ૯૦ બેઠકમાંથી ભાજપ ૬૦ આસપાસ બેઠકો મેળવી જાય તો નવાઈ નહિં તેવુ ભાજપના ટોચના વર્તુળો માની રહ્યા છે. દરમિયાન ભાવનગર - જામનગર પંથક ભાજપ માટે લગભગ અકબંધ ગણાવાઈ રહ્યા છે. મોરબી, અમરેલી, સોમનાથ ગીર અને કચ્‍છમાં કંઈક નવા જૂની સર્જાશે તેવો વર્તારો છે. બસ સહુની મીટ હવે ૮ મીની સવાર ઉપર મંડાયેલ છે.

(3:35 pm IST)