Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજકોટના ફિચડીયા પરિવારના બે સુપુત્રોએ અમેરિકાની ટોચની મેડિકલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી વગાડયો ડંકો

હાલ UAEમાં સ્‍થાયી થયેલા સીએ અશ્વિનભાઇ ફિચડીયાના બંને પુત્રોએ મેળવી રાજકોટને ગૌરવ અપાવે તેવી સિધ્‍ધી : ભવિષ્‍યમાં રાજકોટને - દેશને - વિશ્વને મળશે બે વિશ્વકક્ષાના ડોકટરો : બંને ડો. હાર્દિક અને ડો. હર્ષિલ ફિચડીયા ઉપર શુભેચ્‍છાઓની વર્ષા

રાજકોટ તા. ૫ : રાજકોટના પ્રતિષ્‍ઠિત ફિચડીયા પરિવારના બે સુપુત્રોએ અમેરિકાની મેડીકલના અભ્‍યાસક્રમ માટેની ટોચની બે યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રાજકોટનો ડંકો વગાડી દીધો છે. આ પરિવારના બે કુળદીપકોએ અશક્‍ય બાબતને શકય બનાવતા પરિવારની છાતી ગજગજફુલી રહી છે એટલું જ નહિ દેશને અમેરિકાને ભવિષ્‍યમાં બે ટોચના ડોકટરોની ભેટ મળશે. આ બંને પુત્રો મૂળ રાજકોટના હાલ દુબઇ - શારજાહમાં વસવાટ કરતા અશ્વિનભાઇ ફિચડીયા (સીએ)ના સંતાનો છે જેમણે સાત સમંદર પાર પોતાની આગવી નિપૂણતા, આવડત અને કૌશલ્‍યનો પરિચય આપ્‍યો છે.

આ વિષે વધુ વાત કરતા ફિચડીયા પરિવારના સભ્‍યો જણાવે છે કે, રાજકોટના સોની સમાજ ના ખૂબ ઉચ્‍ચકક્ષાના સુવર્ણકાર ગો.વા. શ્રી કાંતિભાઈ ફિચડિયા વર્ષો થી દુબઈ/શારજાહમાં વસેલા છે.

તેમના ત્રણ પુત્રો CA અશ્વિનભાઈ, અજયભાઈ અને અતુલભાઈ પોતાનો અભ્‍યાસ રાજકોટમાં પૂર્ણ કરીને તેમની સાથે સેટલ થયા છે. વૈષ્‍ણવ કુટુંબ અને શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીમાં અપાર શ્રધ્‍ધા.

અશ્વિનભાઈ અને અવનીબેન ના ત્રણ સંતાનો છે. મોટી દીકરી ચિ.સ્‍મૃતિના લગ્ન દુબઈમાં જ થયેલ છે. સ્‍મૃતિથી નાના બે જોડીયા દીકરાઓ ચિ.હાર્દિક અને ચિ.હર્ષિલ. જયારે ટિવન્‍સ વખતે અવનીબહેન પ્રેગનન્‍ટ હતા ત્‍યારે વ્રજ ૮૪ યાત્રામાં અશ્વિનભાઈ અને અવનીબેન સહિત સમગ્ર પરિવાર ગયેલો. શ્રી વ્રજરાજ અને વ્રજરજના પ્રતાપથી બાળકોમાં વૈષ્‍ણવી સંસ્‍કારોનું નાનપણથી જ સિંચન થયું.

બધા બાળકો એ શારજાહ ની દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલમાંમાં અભ્‍યાસ કર્યો. અને હાર્દિક અને હર્ષિલે MBBS કરવા અમદાવાદની NHL Medical Collegeમાં એડમિશન લીધું. ત્‍યાર બાદ થોડા મહિનાઓમાં જ એમના દાદા શ્રી કાંતિભાઈનો હાર્ટ અને કિડનીના પ્રોબ્‍લેમથી ગોલોકવાસ થયો. બન્ને ભાઈઓ દાદાની ખુબ નજીક હતા અને ત્‍યારે તેમણે નક્કી કર્યું કે આપણામાંથી એક હાર્ટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ અને બીજો કિડની સ્‍પેશ્‍યાલીસ્‍ટ એમ ડોક્‍ટર બનશું.

MBBS ખૂબ સરસ રીતે પાસ કર્યું. ત્‍યારબાદ આગળ અભ્‍યાસ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું. બન્ને એ ખૂબ મહેનત કરી અને ખૂબ જ સારા માર્કસથી USMLEના બધા સ્‍ટેપ્‍સ પાસ કર્યા.

સાથે સાથે NEET PG અને AIIMS ની એન્‍ટ્રન્‍સ પરીક્ષા પણ આપી. બન્નેને AIIMS દિલ્‍હીમાં એડમિશન મળતું હતું જે કોઈ પણ ડોક્‍ટર માટે ડ્રીમ હોય છે તે છોડીને ઉચ્‍ચ અભ્‍યાસ માટે અમેરિકા જ જવાનો પોતાનો નિર્ણય મક્કમ રાખ્‍યો.

૨૦૨૦ ના જૂનમાં New Jersey માં બે અલગ અલગ હોસ્‍પિટલ માં તેમને Internal Medicine માં રેસીડેન્‍સી મળી (જે આપણા MD Medicine ની સમકક્ષ કહેવાય). ત્‍યાં પણ પોત પોતાની હોસ્‍પિટલમાં ચીફ રેસીડેન્‍ટસ તરીકે તેમને નિયુક્‍ત કરવામાં આવ્‍યા.

અત્‍યારે તેઓ ત્રીજા વર્ષ માં છે. અને સાથે સાથે ફેલોશીપ (આપણે ત્‍યાં તેને સુપર સ્‍પેશ્‍યાલાઇઝેશન કહે છે) ની તૈયારી કરી અને ૩૦ નવેમ્‍બરના result આવ્‍યું. અમેરિકામાં એડમિશન માટે ખૂબ જ અઘરી ગણાતી કાર્ડીયોલોજીની બ્રાન્‍ચમાં Dr. Hardik ને Campbell University, North Carolinaની ૩ સીટમાંથી ૧ સીટ મળી અને Dr. Harshil ને સમગ્ર વિશ્વમાં નંબર ૧ ગણાતી વિશ્વ પ્રસિઘ્‍ધ Mayo Clinic, Rochester, Minnesota State માં Nephrology ની ૪ સીટમાંથી એક સીટ મળી. Mayo clinic કેવડી મોટી છે તેનો અંદાજ એ વાત પર થી જ આવી જાય કે તેની સ્‍ટાફ સંખ્‍યા ૫૦,૦૦૦ થી વધુ છે.

બન્ને ભાઈઓ અમેરિકા માં રહેવા છતાં આપણા સંસ્‍કારો બરાબર જાળવી રાખ્‍યા છે. બન્ને ચુસ્‍ત વેજીટેરીયન છે. કોઈ પણ પ્રકારના વ્‍યસનથી સંપૂર્ણ દૂર રહે છે, કોઈ સિગારેટ તમાકુથી પણ દૂર રહે છે અને નિયમિત ભગવદ્‌ નામ લેતા રહે છે.

પ્રભુ તેમને બન્નેને ખૂબ આગળ વધારે અને બન્ને રાજકોટના હોવાથી આપણને તેનો ગર્વ છે.

(5:24 pm IST)