Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હાથરસના પડઘા રાજકોટમાં : કોંગ્રેસનું મૌન સત્યાગ્રહ : ૬૩ની અટકાયત

યુ.પી.માં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતીના વિરોધમાં શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર અને પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં ત્રિકોણ બાગ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો

ઉતરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અતિ કથળી હોય તેમજ બહેનો અને દિકરીઓ સલામત ન હોય તેના વિરોધમાં આજે સવારે ૧૦:૩૦ કલાકે શહેર કોંગ્રેસ દ્વારા મોૈન સત્યાગ્રહ શરૂ કરી ધરણા પર બેસી જતા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ મૌન સત્યાગ્રહ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપુત, પ્રદીપભાઇ ત્રીવેદી, નીલેશમારૂ તથા રણજીત મુંધવા સહિતનાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસ્વીર.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૫ : ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષીય યુવતી પર ચાર શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. બાદમાં પીડિત યુવતીનું મોત નિપજ્યું હતું. પરિવારની પરવાનગી વિના જ પોલીસે યુવતીના અંતિમ સંસ્કાર પણ કરી નાખતા અને ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સુચના અન્વયે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં આજે સવારે ત્રિકોણબાગ ખાતે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસ દ્વારા ધરણાની મંજુરી માંગવામાં આવી હતી પરંતુ પોલીસે મંજુરી આપી ન હતી. આજે સવારે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ધરણા પર બેસે તે પહેલા જ ત્રિકોણબાગ ખાતે પોલીસનો કાફલો ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવતા પોલીસે કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ શહેર પ્રમુખ અશોક ડાંગર અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત ૪૭ પુરૃષ અને ૧૬ મહિલા સહિત ૬૩ આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે કોંગ્રેસની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ઉતરપ્રદેશમાં હાથરસમાં વાલ્મીકી સમાજની દલિત યુવતીના બળાત્કાર અને હત્યાની તાજેતરમાં બનેલી ઘટનાએ દેશના આત્માને હચમચાવી નાખ્યો છે. યોગી આદિત્યનાથની સરકારના બેશરમ કૃત્યોથી દેશભરની પ્રજા દ્રવી ઉઠી છે. વધુમાં ઉતરપ્રદેશ પોલીસની રાહુલજી ગાંધી અને પ્રિયંકાજી સાથે ગેરવર્તુણક - ધરપકડ ધરપકડ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર બેરહમીથી લાઠી ચાર્જના તદન ગેરકાયદેસર પગલા સામે દેશભરમાં આક્રોશ સર્જાયો છે. આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે મૌન સત્યાગ્રહ કરવામાં આવ્યો તેમાં પ્રદેશના આગેવાનો, શહેરના આગેવાનો, તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો અને હોદેદારો, કાર્યકરો ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં મૌન સત્યાગ્રહમાં જોડાયા હતા.

(3:12 pm IST)