Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજય સરકારની અપીલનો સાદ ઝીલતા ખાનગી શાળા સંચાલકો : ૧ લાખ ઘરમાં આરોગ્યના સર્વેની કામગીરી શરૂ

૧૮ વોર્ડમાં ૫૦-૫૦ શિક્ષકો - કારકૂન - સંચાલકો જોડાયા : કોરોનાની અસરકારક કામગીરી

રાજકોટ, તા. ૫ : રાજકોટમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત થનારની સંખ્યામાં પણ ચોંકાવનારો વધારો થયો છે તો મૃત્યુઆંક પણ ચિંતાજનક છે. ત્યારે રાજય સરકારે રાજકોટની સ્થિતિની સમીક્ષા કરવા આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિને ખાસ રાજકોટ મોકલ્યા છે.

રાજય સરકારે કોરોના સામેની કામગીરી અને જનજાગૃતિ માટે સ્વૈચ્છિક સંસ્થા - સામાજીક સંસ્થાઅ તેમજ અન્ય સંગઠનો પાસે સહયોગની અપીલ કરી હતી. આ અપીલનો સાદ રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઝીલ્યો છે.

આજે શિક્ષક દિનથી રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં ૫૦-૫૦ શિક્ષકો કારકૂન તેમજ સંચાલકો દ્વારા ઘરે - ઘરે ફરીને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી છે. ૧૫ દિવસમાં ૧ લાખ ઘરમાં સર્વેની કામગીરી હાથ ધરવાનો સંકલ્પ રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલકોએ કર્યો છે.

આજે મંડળના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ સહિતના શાળા સંચાલકો કપરી પરિસ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે.  રાજકોટ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં પ્રમુખ અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાનગડ, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, મેડલભાઈ પરડવા, પરેશભાઈ રોલા, નરેશભાઈ પાડલીયા, ગોબરભાઈ ગમઢા સહિતના વિવિધ જવાબદારી સંકલન કરી રહ્યા છે.

(3:19 pm IST)