Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રિક્ષાગેંગ પકડાઇઃ વિપુલ રિક્ષા હંકારતો અને ભાવેશ તથા ભરત ઉલ્ટીનું નાટક કરી મુસાફરના રોકડ-પર્સ ચોરી લેતાં

બી-ડિવીઝન પોલીસે સાત હનુમાન પાસેથી સણોસરાના ભાવેશ, મેટોડાના ભરત અને અમરસરના વિપુલને દબોચ્યાઃ ૭૦ હજારનો મુદ્દામાલ કબ્જેઃ ભાવેશ અગાઉ પણ આવા ગુનામાં પકડાયો'તો

રાજકોટ તા. ૫ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં રીક્ષામાં 'ઉલ્ટી થાય છે' તેવો ઢોંગ કરી વૃધ્ધ મુસાફરોની રોકડ સહિતની મત્તા સેરવી લેનાર રીક્ષા ગેંગને ઝડપી લેવા પોલીસને સફળતા સાંપડી છે. પ્ર.નગર પોલીસે કુવાડવા રોડ સાત હનુમાન પાસેથી સણોસરા, મેટોડા અને અમરસરના ત્રણ શખ્સોને પકડી લઇ રોકડ અને રીક્ષા કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના જુદા - જુદા વિસ્તારમાં રીક્ષામાં વૃધ્ધ પેસેન્જરને બેસાડી 'ઉલ્ટી થાય છે' તેવો ઢોંગ કરી મોબાઇલ, પર્સ, રોકડ રકમ સેરવી લેનારા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ તથા જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદની સૂચનાથી પ્ર.નગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.જે.ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.સી.રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે રીક્ષામાં મુસાફરોની રોકડ રકમ સેરવી લેતી ટોળકી કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે હોવાની હેડ કોન્સ. ધર્મેશભાઇ ડાંગર, કોન્સ. યુવરાજસિંહ જાડેજા તથા મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતા સાત હનુમાન મંદિર પાસેથી સણોસરા ગામના ભાવેશ દિપકભાઇ મકવાણા (ઉ.૨૪), મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૨ની સામે રહેતો ભરત મુળજીભાઇ ચંદ્રપાલ (ઉ.૨૪) અને વાંકાનેરના અમરસર ગામ રેલવે ફાટકની સામે રહેતો વિપુલ નાનજીભાઇ સિતાપરા (ઉ.૨૧)ને પકડી લઇ જીજે૩એઝેડ-૫૧૬૩ નંબરની રીક્ષા રૃા. ૩૦,૦૦૦ રોકડા સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ત્રણેય શખ્સો રીક્ષા ચલાવે છે. ત્રણેય રીક્ષા લઇને રાજકોટ આવીને વૃધ્ધ મુસાફરોને નિશાન બનાવતા હતા. વિપુલ સીતાપરા રીક્ષા ચલાવતો અને ભાવેશ મકવાણા અને ભરત ચંદ્રપાછળ પાછળ પેસેન્જર તરીકે બેસતા હતા. વિપુલ જાહેર રોડ પર ઉભેલા પેસેન્જરોને રીક્ષામાં બેસાડતો હતો. ભાવેશ અને વિપુલ 'ઉલ્ટી થાય છે' તેવો ઢોંગ કરી પેસેન્જરની નજર ચુકવી તેનું પર્સ, મોબાઇલ અથવા રોકડ રકમ સેરવી લેતા હતા. બાદ પેસેન્જરને રસ્તામાં ઉતારી નાશી જતા હતા. થોડા દિવસ પહેલા એક વૃધ્ધને બજરંગવાડી જવાનું હોઇ, તેને સિવિલ હોસ્પિટલ ચોકમાંથી રીક્ષામાં બેસાડી રૃા. ૩૦ હજાર રોકડા સેરવી લીધા બાદ તેને નવી કલેકટર ઓફિસ પાસે ઉતારી નાશી ગયા હતા.

આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ વી.જે.ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.સી.રાણા, હેડ કોન્સ. ધર્મેશભાઇ ડાંગર, કરણભાઇ મારૃ, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, જયેન્દ્રભાઇ પરમાર અને અનોપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(4:03 pm IST)