Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ફલાવર માર્કેટની ‘સુગંધ' ઉડી ગઇ

૮૫ થડા છે, ૩૫ જ ફોર્મ આવ્‍યાઃ વ્‍યાપારીને રસ ન પડયો : પાંચ દિમાં બાકી રહેલ વેન્‍ડર્સ ફોર્મ ભરવા તંત્રનો અનુરોધ : ટૂંક સમયમાં ડ્રો થશે : ડ્રો બાદ કોઇ પણ ફલાવર વેન્‍ડર્સને રોડ પર બેસી વેંચાણ કરવા નહીં દેવાય

રાજકોટ,તા. ૫ :  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રામનાથપરા વિસ્‍તારમાં નવી ફલાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ છે. આ માર્કેટમાં કુલ ૮૩ થડાઓ બનાવવામાં આવેલ છે. આ થડાઓ હાલ રસ્‍તા પર બેસી ફુલનો ધંધો કરતા વેન્‍ડર્સને ફાળવવામાં આવનાર છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સમયે રામનાથપરા, બેડીપરા તથા પારેવડી ચોક વિસ્‍તારમાં વેન્‍ડર્સનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવેલ છે. આ કામે ત્રણ સર્વે પૈકી કોઈ પણ એક સર્વેમાં જે વેન્‍ડર નોંધાયેલ હશે તેઓને જાહેર ડ્રોથી થડાની ફાળવણી કરવામાં આવશે. સર્વેની યાદી એસ્‍ટેટ વિભાગ ખાતે જાહેર કરવામાં આવેલ છે. આજ દિન સુધીમાં ૩૫ જેટલા ફોર્મ્‍સ ભરાઈ ચુક્‍યા છે અને આગામી પાંચ દિવસમાં બાકી રહેતા વેન્‍ડર્સે ફોર્મ ભરી આપવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.

જે ફલાવર વેન્‍ડરના સર્વેમાં નામ આવેલ છે તેઓએ દિન-૫માં એસ્‍ટેટ વિભાગમાં નિયત નમુનાનું બાહેંધરી પત્ર જમા કરાવી આપવાનું રહેશે. જે વેન્‍ડર દ્વારા બાહેંધરીપત્ર આપવામાં આવેલ હશે તેઓને ડ્રો થી થડાની ફાળવણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. થડાની ફાળવણી થયા બાદ કોઈપણ ફલાવર વેન્‍ડરને રોડ પર બેસી ધંધો કરવાની મંજુરી નહી આપવામાં આવે.

ફલાવર માર્કેટમાં કુલ થડાની સંખ્‍યા ૮૩ છે. જેમાં એ-કેટેગરીમાં ૭૬ થી ૯૪ ચો.ફુટના ૨ થયા  છે, બી-કેટેગરીમાં ૬૧ થી ૭૫ ચો.ફુટના ૨૦ થડા છે. તથા સી-કેટેગરીમાં ૪૩ થી ૬૦ ચો.ફુટના ૬૧ થયા છે. ત્રણેય કેટેગરીમાં સુખડીની કિંમત રૂા. ૧૦૫૯ પ્રતિ ચો.ફુટ નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત વેન્‍ડરને થડાની કેટેગરી પસંદ કરવાની છુટ આપવામાં આવશે. સ્‍થાયિ સમિતિમાં નિયત થયા મુજબ થડા હોલ્‍ડર પાસેથી એક વાર સુખડીની રકમ પેટે રૂ.૧૦૫૯ પ્રતિ ચો.ફુટ મુજબ વસુલવામાં આવશે.  ત્‍યારબાદ થડા હોલ્‍ડર્સે દર મહિને થડાનું ભાડુ રૂ.૫૦૦/-+ જીએસટી ભરપાઈ કરવાનું રહેશે. વેન્‍ડર્સ દ્વારા બાહેંધરીપત્ર રજુ કર્યા બાદ ટુંક સમયમાં થડાનો જાહેર ડ્રો યોજવામાં આવશે.

(3:11 pm IST)