Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બોગસ માર્કશીટ કોૈભાંડમાં પાંચ વર્ષથી ફરાર ભરૂચના મિતેશ પટેલને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

૨૦૧૪ થી ૨૦૧૮ સુધી અલગ અલગ રાજ્‍યોની શાળા કોલેજની નકલી માર્કશીટ બનાવી વેંચી હતી : પટેલ શખ્‍સ હાલ ટ્રાન્‍સપોર્ટનું કામ કરે છેઃ અગાઉ રાજકોટ-વડોદરાના બે શખ્‍સોને પકડવામાં આવ્‍યા'તા : પ્રતાપસિંહ ઝાલા, એભલભાઈ બરાલીયા અને અશોકભાઈ કલાલની બાતમી પરથી પકડાયો

રાજકોટ તા. ૫: પાંચ વર્ષ પહેલા અલગ અલગ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ બનાવી વેંચાણ કરી કોૈભાંડ આચરવાના ગુનામાં ફરાર મુ ભરૂચના પટેલ શખ્‍સને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે સદર બજારમાંથી પકડી લીધો છે.

વિગત એવી છે કે વર્ષ ૨૦૧૮માં ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં કાવત્રુ ઘડી અલગ અલગ રાજ્‍યોની યુનિવર્સિટીઓની ડુપ્‍લીકેટ માર્કશીટ બનાવી તેનું ઉંચી રકમથી વેંચાણ કરી સરકાર સાથે ઠગાઇ કરવાનો ગુનો એએસઆઇ ચેતનસિંહ વનરાજસિંહ ચુડાસમાની ફરિયાદ પરથી દાખલ થયો હતો. જે તે વખતે રાજકોટનો એક શખ્‍સ પકડાયો હતો. એ પછી આજથી દોઢેક મહિના પહેલા પણ વડોદરાના પંકજ નામના શખ્‍સની ધરપકડ કરવામાં આવી હતી.

સતત પાંચ વર્ષથી આ ગુનામાં ફરાર ત્રીજો આરોપી મનિષ ઘનશ્‍યામભાઇ પટેલ (ઉ.૩૧-રહે. ૨૭, સરગમ રેસિડેન્‍સી, કુમકુમ બંગલોઝની પાસે, વાલીયા રોડ, કોસમડી અંકલેશ્વર ભરૂચ)ને ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા, અશોકભાઇ કલાલ અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી સદર બજારમાંથી પકડી લઇ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, પીએસઆઇ એ. બી. વોરા તથા ટીમના પ્રતાપસિંહ ઝાલા, અશોકભાઇ કલાલ, દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ બરાલીયા અને સહદેવસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. પકડાયેલો મિતેશ હાલમાં ટ્રાન્‍સપોર્ટનો ધંધો કરે છે. જે તે વખતે આરોપીઓએ કાવત્રુ રચી ૨૦૧૪થી ૨૦૧૮ સુધીના ગાળામાં અલગ અલગ રાજ્‍યોની શાળા કોલેજની ડુપ્‍લીકેટ માર્કશીટ બનાવી વેંચાણ કરી કોૈભાંડ આચર્યુ હતું. ઝડપાયેલા મિતેષ પટેલે કેટલી અને કોને કોને માર્કશીટો વેંચી હતી? તેની તપાસ પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એ. બી. વોરા અને ટીમે હાથ ધરી છે.

(1:43 pm IST)