Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સખી વન સ્ટોપ સેન્ટરમાં એક વર્ષમાં ઘરેલુ હિંસાના ૩૧૦ કેસો નોંધાયા : ૪ વર્ષમાં ૧૫૧૪ કેસો નીકળી પડયા

ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને આશ્રય આપતી : કલેકટરના આદેશ બાદ સ્થળાંતર - પોલીસ પ્રોટેકશન : ૭ બહેનોને જમ્મુ-યુપી-હરિયાણા વતન - ઘરે મોકલાઇ : રાજકોટનું 'સખી' વન સ્ટોપ સેન્ટર રાજ્યમાં પ્રથમ ISO સર્ટીફીકેટ લેનાર કેન્દ્ર બન્યું

રાજકોટ તા. ૫ :  ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઘરેલુ હિંસાથી પિડીત મહિલાઓને આશ્રય સહિતની તમામ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર  અમલમાં છે. રાજયમાં સૌ પ્રથમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તા. ૦૧/૦૯/૨૦૧૭ થી આ સેન્ટર કાર્યરત બન્યુ છે. આ સેન્ટરમાં જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં કુલ-૧૫૧૪ કેસો નોંધાયેલા છે. જયારે ૨૦૨૦માં ઘરેલુ હિંસાના ૩૧૦ કેસ છે. જાતિય હિંસાના ત્રણ, રેપના આઠ, બાળકો ઉપર જાતિય હિંસાના ૧૪, દહેજનો એક તથા અન્ય ૯૦ મળી કુલ ૪૨૬ કેસો નોંઘાયા છે.

લોકડાઉનના સમયમાં કાઉન્સેલીંગ સેન્ટર દ્વારા ત્રણ માનસિક અસ્વસ્થ મહિલાઓ આત્મહત્યાના પ્રયાસ કર્યો હતો તેવી આ મહિલાઓનો ૧૮૧ સાથે સંપર્ક-સંકલન કરી મનોચિકિત્સક પાસે કાઉન્સેલીંગ કરી આશ્રય અપાયો હતો. જેથી આ મહિલાઓ સ્વસ્થ બની હતી.

લોકડાઉનમાં કલેકટરશ્રી રેમ્યા મોહનની સુચનાથી રાજકોટ જિલ્લા ઉપરાંત જુદા જુદા જિલ્લામાં ફસાયેલ હિંસાથી પીડિત બહેનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા, પોલીસ પ્રોટેકશન આપવા સહિતની કામગીરી કરાઇ હતી. આવી સાત બહેનોને તેમના વતન-ઘર જમ્મુ કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળે તથા રાજયમાં વેરાવળ સહિતના નારી સરંક્ષણ ગૃહ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સંસ્થામાં પણ આશ્રય અપાયો હતો.  

 લોકડાઉનમાં અગાઉની ઘરેલુ હિંસાથી પિડિત બહેનોને સ્થિતી કેવી છે તે જાણવા તેનું ફોલોઅપ લેવાયુ હતું. જેમાં ૧૧૭૭ બહેનોનું ટેલીફોનિક કાઉન્સેલીંગ કરી તેની સમસ્યાના સમાધાનમાં સખી વન  સ્ટોપ સેન્ટર ઉપયોગી બન્યું હતું.

ગુજરાતમાં સૌ પ્રથમ 'સખી' વન સ્ટોપ સેન્ટર- રાજકોટને ISO સર્ટીફીકેટ મળ્યુ છે.  આ સેન્ટર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને કાયદાકીય સહાય, તબીબી સારવાર, સામાજિક તથા ઘરેલુ સમસ્યામાં પરામર્શન, પોલીસ સહાય અને હંગામી ઘોરણે આશ્રય આપવામાં આવે છે. આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત-ખુલ્લુ રહે છે અને કોઇ પણ નાત-જાત, જ્ઞાતિ, ધર્મ, ઉંમરના ભેદભાવ વિના એક છત્ર હેઠળ પીડિત મહિલાઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે ઉમેર્યું હતું.

(3:53 pm IST)