Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઢેબર રોડ પર અકસ્‍માતમાં મહિલા ઘાયલ થઇ...પોલીસ તરીકે ઓળખ આપી, નિવેદન લખાવ્‍યા વગર રવાના

પોતાનું નામ વંદના ખાંભલા લખાવ્‍યું: નંબર વગરનું એક્‍ટીવા હતું: પુરૂ નામ-સરનામુ ન આપ્‍યું: તે પોલીસમાં છે કે કેમ? તે જાણવા પોલીસ ધંધે લાગીઃ નર્સિંગ સ્‍ટાફને પણ પુરૂ એડ્રેસ લખાવ્‍યું નહિ

રાજકોટ તા. ૫: ઢેબર રોડ પર બોમ્‍બે પેટ્રોલ પંપ નજીક રાત્રીના એક નંબર વગરના એક્‍ટીવાને અકસ્‍માત નડતાં તેની ચાલક મહિલાને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. રસ્‍તામાં તેની ૧૦૮ના સ્‍ટાફે પુછતાછ કરતાં પોતાનું નામ વંદનાબેન ખાંભલા હોવાનું અને પોલીસમાં હોવાનું રટણ કર્યુ હતું.

સિવિલ હોસ્‍પિટલમાં તેણીને ઇમર્જન્‍સી વોર્ડમાં પહોંચાડવામાં આવતાં અહિ પણ પોતાનું ટુંકુ નામ  વંદનાબેન ખાંભલા જ લખાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીમાં પણ આટલા નામથી એન્‍ટ્રી નોંધાવાઇ હતી. ભક્‍તિનગર પોલીસને જાણ થતાં એએસઆઇ નરેન્‍દ્રભાઇ ભદ્રેચા નિવેદન નોંધવા પહોંચ્‍યા હતાં. પરંતુ એ પહેલા તેણી વોર્ડ નં. ૧માં પ્રાથમિક સારવાર લઇ નીકળી ગઇ હતી. નર્સિંગ સ્‍ટાફને પણ પોતાનું પુરૂ નામ એડ્રેસ કે ફોન નંબર જણાવ્‍યા નહોતાં. નવેનવા નંબર વગરના તેનું વાહન સ્‍લીપ થઇ ગયું હતું.

યુવતિ પોલીસમાં ફરજ બજાવતી હોવાના મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં પોલીસ તેણીની ઓળખ મેળવવા રાતે ધંધે લાગી હતી. પરંતુ આ નામની કોઇ મહિલા પોલીસમાં નહિ હોવાનું બહાર આવ્‍યું હતું. મહિલાએ પોતે પોલીસમાં હોવાનું રટણ શા માટે કર્યુ હતું? ખરેખર  એ કોણ હતી? સાચુ નામ શું? તે અંગે ચર્ચા જાગી હતી. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:56 pm IST)