Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

૩૧ ડિસેમ્બર આવી રહી છે એ પહેલા પોલીસ સતર્ક

અયોધ્યા ચોકમાંથી ૧.૨૦ લાખનો દારૂ ભરેલી કાર સાથે ક્રાઇમ બ્રાંચે બે શખ્સને દબોચ્યા

તળાજા નેસીયાના હિતેન્દ્રસિંહ ગોહિલ અને ધ્રોલ ખાખરાના શકિતસિંહ જાડેજાને પકડી લેવાયા ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત અને જયદિપસિંહની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જાડેજાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૪: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રહી છે ત્યારે પ્યાસીઓ, પીવાના શોખીનો અત્યારથી જ બોટલોની વ્યવસ્થામાં લાગી ગયાનું કહેવાય છે. બીજી તરફ પોલીસ પણ આગોતરી તૈયારી રૂપે દારૂનો જથ્થો ન ઠલવાય તે માટે તૈયાર છે. તે અંતર્ગત ક્રાઇમ બ્રાંચે એક દરોડામાં ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક સિનર્જી હોસ્પિટલ પાસે સિતારા હાઇટ્સની બાજુમાં બંધ શેરીમાંથી રૂ. ૧,૨૦,૦૦૦નો ૨૦ પેટી દારૂ ભરેલી કાર સાથે તળાજા-ધ્રોલ પંથકના બે શખ્સને પકડી લઇ કુલ રૂ. ૨,૮૮,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત અને કોન્સ. જયદિપસિંહ બોરાણાને મળેલી બાતમી પરથી જીજે૦૧કેએમ-૭૮૩૪ નંબરની ટાટા મેન્ઝા કારને સિનર્જી હોસ્પિટલ પાસેની બંધ શેરીમાં આંતરી તલાશી લેતાં અંદર દારૂનો જથ્થો હોઇ કારમાં બેઠેલા બે શખ્સો હિતેન્દ્રસિંહ કરણસિંહ ઉર્ફ કાળુભા ગોહિલ (ઉ.૩૩-રહે. નેસીયા તા. તળાજા-ભાવનગર) અને શકિતસિંહ હકુભા જાડેજા (ઉ.૨૯-રહે. ખાખરા તા. ધ્રોલ)ને પકડી લઇ રૂ. ૧,૨,૦૦૦નો દારૂ અને ૧ાા લાખની કાર તથા ૧૪૫૦૦ના મોબાઇલ ફોન તેમજ ૪ હજાર રોકડા મળી કુલ રૂ. ૨,૮૮,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પકડાયેલા પૈકીનો શકિતસિંહ દોઢેક વર્ષ પહેલા ધ્રોલ પોલીસમાં પણ દારૂના ગુનામાં પકડાયો હતો. વધુ તપાસમાં ખુલ્યા મુજબ હિતેન્દ્રસિંહ આ દારૂનો જથ્થો ભાવનગર તરફથી ભરી આવ્યો હતો. દારૂ કોને આપવાનો હતો, કોની પાસેથી લાવ્યા? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે. દારૂ સાથે પકડાયેલી ઇન્ડિગો કારના માલિક કાંતિભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે. ગામ બોરીસાણા તા. કડી) છે. આ અંગે પણ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ, શકિતસિંહ ગોહિલ અને કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. 

(3:37 pm IST)