Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મુસ્લિમ અગ્રણી આરીફ ચાવડાના ચકચારી ખુન કેસમાં આરોપી રમીઝ ઉર્ફે બાબાની જામીન અરજી સુપ્રીમે ફગાવી દીધી

બિનજરૂરી મુદ્દત ન માંગવા અને કેસ ઝડપી ચલાવવા કોર્ટની ટકોર

રાજકોટ તા. ૪ : રાજકોટના દુધસાગર રોડ પર રહેતા મુસ્લીમ અગ્રણી આરીફ ગુલામ હુશેન ચાવડાની નજીવી બાબતની તકરારમાં તેના પાડોશી દ્વારા કરાયેલ હત્યાના કામે જેલમાં રહેલ આરોપી રમીઝ ઉર્ફે બાબો ખૈબરની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના દુધસાગર મેઈન રોડ પર આવેલ ફારૂકી મસ્જિદ પાસે રહેતા મુસ્તાક હાજીગુલામ ચાવડાએ પોતાની પોલીસ રૂબરૂની ફરીયાદમાં જણાવેલ કે તેના ઘર નજીક રહેતા (૧) વસીમ ઉર્ફે ચકો અબ્દુલ ખૈબર (ર) રમીઝ ઉર્ફેબાબો ઈકબાલ ખૈબર (૩) અબ્દુલ ઓસમાણ ખૈબર (૪) ઈકબાલ ઓસમાણ ખૈબર નાઓએ તેમના ઘર આગળ ડેરીમાં છાશ તથા બગડેલ પનીરનું ઉતપાદન કરી વેંચતા હોય જે બાબતે ફરીયાદી મરણજનાર તથા સોસાયટીના સભ્યોએ વાંધો ઉઠાવતા તેનુુું મનદુઃખ રાખી ચારેય આરોપીઓ તા. ૦ર/૦૮/ર૦ર૦ ના રાત્રીના ફરીયાદીના ઘર પાસે જોરજોરથી ગાળો બોલતા હોય તેમ કરવાની ના પાડતા આરોપીઓએ પોતાના પૂર્વઆયોજીત કાવત્રા મુજબ ફરીયાદી તથા ગુજરનાર પર હુમલો કરી બે આરોપીઓએ ગુજરનાર આરીફને પકડી રાખેલ અને અન્ય આરોપીઓએ મરણજનાર આરીફને છરીનો ઘા ડાબા પડખાના ભાગે મારી દીધેલ અને બીજો ઘા ડાબી બાજુ વાંસાના ભાગે મારી દઈ આજે આને પુરી કરી નાખવાનો છે તેમ કહી મરણજનાર, ફરીયાદી તથા છોડાવા વચ્ચે પડેલ સાહેદોને પણ માર મારી મરણજનારનું મૃત્યુ નીપજાવ્યા બાદ ક્રુરતાપુર્વક રોડ પર ઉંધા ઢસળી હાજર લોકોને ધમકી આપેલ કે હવે જો અમારી દુકાન બાબતે આડો પગ કરશો કે વાંધો લેશો તો તમને પણ આ રીતે જાનથી મારી નાખીશું તે મતલબની ફરીયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.

ઉપરોકત ગુન્હો દાખલ થતા કેસમાં આવનાર કાનુની દાવપેચને પહોંચી વળવા સરકાર દ્વારા સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે રાજકોટના અગ્રગણ્ય ધારાશાસ્ત્રી તુષારભાઈ ગોકાણીની નિમણૂંક કરવામાં આવેલ.

રાજકોટ સેશન્સ અદાલત દ્વારા જામીન અરજી રદ કરાતા આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીનની માંગણી કરવામાં આવલ હતી જે માંગણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગ્રાહય ન રખાતા આરોપી રમીઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરેલ હતી. હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પણ સેશન્સ અદાલતમાં થયેલ દલીલોનો પુનરોચ્ચાર કરી જામીન મેળવવા પ્રયત્ન કરેલ હતા પરંતુ હાઈકોર્ટ અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલત દ્વારા સેશન્સ અદાલતના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનું કોઈ જ વ્યાજબી કારણ આરોપી બતાવી ન શકતા સર્વોચ્ચ અદાલત દ્વારા કેસ તાત્કાલીક ચલાવવા અને આરોપીને કેસ ચલાવવામાં મુદતો ન માંગી સહયોગ આપવાનો આદેશ કરી આરોપીની જામીન અરજી ફગાવી દેતા આરોપીનો જેલવાસ લંબાવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટ દ્વારા આરોપીને કેસ ઝડપી ચલાવવા અને બિનજરૂરી મુદતો ન માંગવા આરોપીને ડાયરેકશન આપતા આવનારા દીવસોમાં સેશન્સ અદાલતમાં કાનુની જંગ જામશે તેવું ચર્ર્ચાય રહયું છે.

આ કેસમાં સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે રાજકોટના અગ્રગણ્ય ધારાશાસ્ત્રી શ્રી તુષાર ગોકાણી તેમજ ફરીયાદ પક્ષે વરિષ્ઠ ધારાશાસ્ત્રી યોગેશભાઈ લાખાણી, પ્રતિક જસાણી, રૂપરાજિંસહ પરમાર, અજીત પરમાર, હુસેન હેરંજા રોકાયેલ હતા.

(3:33 pm IST)