Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રીક્ષા શીખવા મેં અમદાવાદનું જીએમડીસી મેદાન ખુબ ધમરોળ્યુ : પ્રિયલ ભટ્ટ ફેઇમ 'રાશી રીક્ષાવાળી'

શુભનો રોલ અદા કરતા મોઇન કુરેશી કહે છે આ સફળતા માટે ખુબ સંઘર્ષ ખેડયો : કલર્સ ગુજરાતી પર ૬૦૦ એપીસોડ પૂર્ણ કરનાર સીરીયલ 'રાશી રીક્ષાવાળી'ની ટીમ 'અકિલા'ની મુલાકાતે

રાજકોટ તા. ૪ : 'રીક્ષા ચલાવવી મારા માટે પડકારરૃપ હતુ. પણ મારા અભિનયનો એક ભાગ હોવાથી મારે રીક્ષા શીખવી અનિવાર્ય હતી. એટલે અમદાવાદના જીએમડીસી મેદાનની પસંદગી મેં પ્રેકટીસ માટે કરી હતી. આ મેદાનમાં હું રીક્ષા ચલાવતી ત્યારે ભારે મેદની જોવા માટે ઉમટી પડતી' તેમ કલર્સ ગુજરાતી પર રજુ થતી 'રાશી રીક્ષાવાળી' સીરીયલની પ્રિયલ ભટ્ટે 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

તેણીએ જણાવેલ કે પુરૃષ રીક્ષા ચલાવે તો લોકો સામાન્ય નજરે જુએ. પરંતુ સ્ત્રી રીક્ષા ચલાવે તો થોડુ નવુ લાગે. બસ આ જે વિચારધારા છે તે બદલવા રાશીના પાત્રથી મેં ખુબ પ્રયાસ કર્યો છે. આ સીરીયલમાં રીક્ષા ચલાવતી રાશી ગરીબ અને અમીરની ખાઇ વચ્ચે કશ્મકશનો અનુભવ કરે છે. તેના જીવનમાં શુભમના પ્રવેશ બાદ સાથે મળીને તાલમેલ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આવી કથા આ સીરીયલની છે.

મુળ ભાવનગરની વતની પ્રિયલ આ પહેલા ભકત ગોરાકુંભારમાં કામ કરી ચુકી છે અને આગામી દિવસોમાં બે ફિલ્મો 'સ્વામીનારાયણ' અને 'ભમ્મ' આવી રહી છે.

તે કહે છે કે મને અભિનય ઉપરાંત ડાન્સ અને મોડેલીંગનો પણ શોખ છે. મારા મમ્મી સોનલબેન ભટ્ટની ઇચ્છા હતી કે હું અભિનય ક્ષેત્રે આગળ વધુ. એટલે મારા મમ્મીના સ્વપ્ન પુરા કરવા મે ફિલ્મો અને સીરીયલોમાં કામ શરૃ કર્યુ છે.   મારા પપ્પા મેહુલ ભટ્ટ (હાઇકોર્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ) ના આશીર્વાદ પણ હંમેશા મારી સાથે જ રહ્યા છે.

આ સીરીયલમાં રાશીના પતિ શુભમ તરીકેનો રોલ મોઇન કુરેશીએ નિભાવ્યો છે. તેઓએ જણાવેલ કે આ સીરયલનું કામ મારા માટે ખુબ યાદગાર બની રહ્યુ છે. સતત બે વર્ષથી સેટપર મારો મુકામ રહેતો હતો. જો કે આ સીરીયલ ઉપરાં ડીડી ગીરનાર પર રજુ થયેલ 'ચગડોળ' અને 'કેમ છો' માં પણ હું કામ કરી ચુકયો છુ. અભિનય ઉપરાંત મ્યુઝિક અને કવિતા લખવાનો પણ મને શોખ છે.

આ તકે સીરીયલનું ડીઝીટલ માર્કેટીંગ સંભાળતા કવિતા પરમારે જણાવ્યુ હતુ કે ધીમે ધીમે આ સીરીયલે સારી લોકપ્રિયતા મેળવી લીધી છે. કલર્સ ગુજરાતી પર દર  સોમથી મંગળ રાત્રે ૮ વાગ્યે રજુ થતી 'રાશી રીક્ષાવાળી' નિહાળવા લોકો ઉત્સુક હોય છે. જોત જોતામાં ૬૦૦ એપીસોડ આ સીરીયલે પાર કરી લીધા છે. જેની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ 'રાશી રીક્ષાવાળી'ના કલાકારો પ્રિયલ ભટ્ટ અને મોઇન કુરેશી નજરે પડે છે.

(4:29 pm IST)