Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કલબ યુવીમાં આઠમાં નોરતે સર્જાયુ અદ્‌ભુત ભકિતસભર વાતાવરણ ૧૦ હજારથી વધુ મોબાઇલ ફલેશ લાઇટથી મા ઉમિયાની મહાઆરતી

હજારો કડવા પાટીદાર ભાઇ-બહેનો દ્વારા ભવ્‍યાતિ ભવ્‍ય મહાઆરતી આતશબાજી સાથે મા ઉમિયાને ફુલડે વધાવ્‍યા : મહાઆરતીનો લાભ લેતા પાટીદાર સમાજ શ્રેષ્‍ઠીઓ, અગ્રણીઓઃ આજે મેગા ફાઇનલ

રાજકોટઃ શહેરના સેકન્‍ડ રીંગરોડ પર ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં ગઇકાલે આઠમા નોરતા નિમિતે યોજાયેલ મહાઆરતીની ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી. અનેક પાટીદાર શ્રેષ્‍ઠીઓ, ખેલૈયાઓ દર્શકો અને આયોજકોએ આતશબાજી સાથે માતાજીની આરતી કરી હતી. ભવ્‍યાતિ ભવ્‍ય મહાઆરતીમાં અનોખું ધાર્મિક વાતાવરણ સજાર્યુ હતું.

ગઇકાલે આઠમાં નોરતે મહાઆરતીમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ જગદિશભાઇ કોટડીયા, ચિમનભાઇ શાપરીયા, સંગઠન સમિતિના કૌશિકભાઇ રાબડીયા, ગાંઠીલા મંદિરના નીલેશભાઇ ધુલેશીયા, સંજયભાઇ કોરડીયા, ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, તથા પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ મહાઆરતીમાં જોડાયા હતો.

કલબ યુવીના ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓ દર્શકો સહિત ૧૦ હજારથી વધુ માનવમેદની એ મોબાઇલની ફલેશ લાઇટ દ્વારા માતાજીની આરતી કરી હતી. મહાઆરતી દરમ્‍યાન સમગ્ર ગ્રાઉન્‍ડની લાઇટો બંધ કરી ભવ્‍ય આતશબાજી કરવામાં આવી હતી. મહાઆરતી સમયે આતશબાજીથી આકાશમાં રંગબેરંગી વાતાવરણ છવાયુ હતું. તેમજ એર ગન મારફત માતાજીના મંદિર તથા જનમેદની પર પુષ્‍પવર્ષા કરવામાં આવી હતી. આયોજકો દ્વારા કોઇ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળવા માટે તકેદારીના ભાગરૂપે પ્રજવલીત દિવડાની બદલે પોતા પોતાના મોબાઇલની ફલેશ લાઇટ દ્વારા માતાજીની આરતી કરાઇ હતી.

કલબ યુવીના આંગણે માઉમિયા માતાજીના મહાઆરતીમાં કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્‍મિતભાઇ કનેરીયા, કન્‍વીનર કાંતીભાઇ ઘેટીયા, ડાયરેકટરો એમ.એમ.પટેલ, જવાહરભાઇ મોરી, જીવનભાઇ વડાલીયા,  મનસુખભાઇ ટીલવા, પાટીદાર શ્રેષ્‍ઠીઓ તથા ઉદ્યોગપતિઓ નાથાભાઇ કાલરીયા, વલ્લભભાઇ વડાલીયા, મનસુખભાઇ પાણ, દિપકભાઇ ગોવાણી, દિલીપભાઇ ઘરસંડીયા, રાજનભાઇ વડાલીયા, રાજુભાઇ કાલરીયા, શ્‍યામલ શિલ્‍પન ગ્રુપના ભરતભાઇ ડઢાણીયા, અમીતભાઇ ત્રાંબડીયા, રમણીકભાઇ ભાલોડીયા, કલાસીક ગ્રુપના સીતેષભાઇ ત્રાંબડીયા, કેતનભાઇ ધુલેશીયા, દિનેશભાઇ અમૃતીયા, કાંતીભાઇ માકડીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

અર્વાચીન રાસોત્‍સવ ક્ષેત્રે નવી પરંપરાના સર્જક કલબ યુવીમાં  સુરેશભાઇ જાવીયાના માર્ગદર્શન હેઠળ સિંગર મયુર બુધ્‍ધદેવ સહીતના કલાકારોએ કલબ યુવીના ગરબા તેમજ માતાજીની અલાયદી આરતીનું કમ્‍પોઝ કરીને સુર તાલના સથવારે મહાઆરતીમાં અનોખુ વાતાવરણ સર્જયુ હતું. હાઇટેક સાઉન્‍ડ સિસ્‍ટમના પરિણામો ખેલૈયાઓની સાથેસાથ કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી અને વા.ચેરમેન સ્‍મિતભાઇ કનેરીયા એ ગાયકવૃંદ સાથે રાસની રમઝટ બોલાવી હતી. કલબ યુવી નવરાત્રીમાં મહોત્‍સવમાં આઠમાં નોરતે માતાજીની મહાઆરતી બાદ આજે મેગા ફાઇનલ યોજાશે. નવ નોરતાના સિલેકટ થયેલ ખેલૈયાઓ વચ્‍ચે મેગા ફાઇનલ યોજી વિવિધ કેટેગરીના વિજેતા જાહેર કરવામાં આવશે તેમ કલબ યુવીના મિડીયા કોર્ડીનેટર રજની ગોલે જણાવ્‍યુ છે.

(3:43 pm IST)