Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સ્‍વ. ધીરૂભાઇ અને શ્રી નરેન્‍દ્રભાઇની માફક મનસુખભાઇ દુરંદ્રષ્‍ટા હતા

સાદગી જેનું આભૂષણ હતું તેવા ‘અદા'ના નામથી જાણીતા સ્‍વ. મનસુખભાઇ બારાઇ સામાન્‍ય માનવીથી રાષ્‍ટ્રપતિ સુધી એક સરખો વ્‍યવહાર રાખનાર વિવિધ ક્ષેત્રમાં નંબર ૧ હતા : રાજકીય અને ધંધામાં હરણફાળ ભરનાર આ વ્‍યકિતએ : સામાજિક કાર્યો જે રીતે કર્યા તેની યાદ આજે બે વર્ષ બાદ પણ લોકોની આંખના ખૂણા ભીના કરી નાખે છે : અનોખી કથા : વ્‍યાપાર કુશળ આ મૂઠી ઉંચેરા માનવી સંબંધોમાં ખૂબ પ્રમાણિક હોવાથી નરેન્‍દ્રભાઇ મોદી, વજુભાઇ વાળા દ્વારા ૨૦૦૨માં ધારાસભાની ટિકિટની ઓફર થયેલ, જે વિનમ્રતાથી નકારી હતી

રાજકોટ : અદાના હુલામણા નામથી લોકોના દિલમાં સ્‍થાન પામનાર સ્‍વ. મનસુખભાઇ બારાઇની આજે દ્વિતીય પુણ્‍યતિથિ છે. બે વર્ષ અગાઉ જયારે લોકો દશેરાનો પર્વ મનાવી રહ્યા હતા ત્‍યારે મનસુખભાઇએ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.

સ્‍વ. મનસુખભાઇ બારાઇનો જન્‍મ ૧૯૪૧ની સાલમાં એક સામાન્‍ય ગરીબ વેપારી પરિવારમાં થયો હતો. તેઓના દાદા સ્‍વ. શેઠ શ્રી ગોકલદાસ નારણ બારાઇ દ્વારકા નજીક આવેલ વરવાળા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ૧૯૨૨માં ઓખા પોર્ટનો પાયો નખાતા તેઓ ઓખા ખાતે સ્‍થાયી થયા હતા અને આગળ જતા નાને પાયે વેપારની શરૂઆત તેમના સંતાનોએ કરેલ.

૧૯૪૧માં મનસુખભાઇના જન્‍મ સમયે પરિવાર સાવ સામાન્‍ય સ્‍થિતિમાં હતો. જેથી ખૂબ જ નાની ઉંમરે મનસુખભાઇ પોતાના વડીલોને ગુજરાન ચલાવવામાં ધંધામાં મદદ કરતા. સવારે દુકાન ખોલી અને ત્‍યાંથી નિશાળે ભણવા જતા અને ફરી સાંજે દુકાન પર પહોંચી જતા. આમ નાનપણથી જ તેઓ સખત પરિશ્રમ કરવા ટેવાયેલા હતા અને જીવનભર પરિવાર અને સમાજ માટે પરિશ્રમ કરતા રહ્યા.

સાદગી જ તેમનું આભૂષણ અને ઓળખ હતી. કોઇ પણ જાતની દેખાદેખી વગર જીવનભર સફેદ લેંઘો અને ખમીશ (શર્ટ) અને બાદમાં ઉંમર થતા ઝભ્‍ભો પહેર્યો હતો. તેઓ દીર્ધદ્રષ્‍ટા હતા અને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને સ્‍વ. ધીરૂભાઇ અંબાણીની જેમ હંમેશા મોટુ અને ૧૦ વર્ષ આગળનું વિચારતા હતા. કોઇપણ ક્ષેત્ર, પછી તે વ્‍યાપાર હોય કે સામાજિક કાર્ય હોય કે રાજકીય તેઓ હંમેશા જમાનાથી આગળ અને અલગ જ રહ્યા.

અવાર-નવાર ધંધાના કામ માટે તેઓને ઓખાથી રાજકોટ આવવાનું થતું ત્‍યારે તેને વિચાર આવ્‍યો કે સૌરાષ્‍ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં પણ આપણો વ્‍યવસાય કેમ ન હોય ? અને વડીલોને મનાવી ખૂબ જ નાને પાયે ૧૯૬૮માં રાજકોટમાં ભાડાની દુકાનમાં ઓટો પાર્ટસનો વ્‍યવસાય શરૂ કર્યો અને સખત મહેનત કરી પરિવારજનોના સહકારથી તે ધંધો ખૂબ મોટા પાયે વિકસાવ્‍યો અને ખૂબ નામના મેળવી. તેઓની સફળતા જોઇ સૌરાષ્‍ટ્રભરના અનેક લોકોએ રાજકોટમાં ઓટોપાર્ટસનો વ્‍યવસાય શરૂ કર્યો હતો.

ખૂબ જ ઓછું અને જરૂર પૂરતું બોલવું એ તેમની ખાસિયત હતી. પણ જરૂર પડયે ગમે તેવા ચરમબંધીને પણ આડે હાથ લેતા તેઓ અચકાતા નહિ. ધંધામાં તેઓની પ્રમાણિકતા અને ચોકસાઇને લોકો આજે પણ માનપૂર્વક યાદ કરે છે. દૃઢ મનોબળ, કોઇપણ વિપરીત પરિસ્‍થિતિમાં જરાપણ વિચલિત ન થવું એ તેમની ખાસિયત હતી, જે તેમને સફળતાના શિખરો પર લઇ ગઇ.

૧૯૮૬માં ફરીથી ઓખાના ધંધાની કમાન સંભાળી અને ત્‍યારથી ધંધાની સાથે સમાજ સેવા, રાજકીય ક્ષેત્રે સક્રિય થયા. સૌ પ્રથમ બારાઇ પરિવારના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી. ત્‍યારબાદ ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સનું પ્રમુખ પદ સંભાળ્‍યું અને વેપાર જગતના પ્રશ્નો માટે સક્રિય રહ્યા. ૧૯૯૫માં ઓખાના લોક-લાડીલા ધારાસભ્‍ય શ્રી પબુભા માણેક અને ગામ લોકોના આગ્રહને લઇ ઓખા ગ્રામ પંચાયતના સરપંચ થઇ અને ઓખાને અનોખા વિકાસ કાર્યોની ભેટ આપી ઓખાનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું. ઓખા ગામના વિકાસ માટે અથાગ પ્રયત્‍નો કર્યા અને ઓખાને દરેક ક્ષેત્રે એક નવી જ ઊંચાઇએ લઇ ગયા. એ સમયે જ્‍યારે વેબસાઇટ શું કહેવાય તે લોકોને ખબર પણ ન હતી ત્‍યારે તેઓએ ઓખાના વિકાસ માટે વેબસાઇટ બનાવી સૌને ચોંકાવી દીધા હતા. આ સાથે જ ઓખાના વિકાસ કાર્યોની નોંધ દેશભરના પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મીડિયાએ પણ લીધી હતી.

ઓખા ગ્રામ પંચાયત અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડ વચ્‍ચેનો વર્ષો જૂનો વિવાદ પણ તેમની કુનેહ અને આગવી સુઝબુઝથી ઉકેલાયો હતો અને ઓખાના વિકાસ માટે તથા ઓખાની ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ માટે લાખો રૂપિયાનું દાન તેઓશ્રી લઇ આવેલ.

ઓખા ગ્રામ પંચાયતના સરપંચની ટર્મ પુરી થયા બાદ દ્વારકા તાલુકા ભાજપનું પ્રમુખ પદ સંભાળ્‍યું અને વર્ષો સુધી જે તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી તે પોતાની ચાણક્‍ય નીતિથી ભાજપાને અપાવી. તાલુકા ભાજપની ટર્મ દરમિયાન પણ અનેક વિકાસકાર્યો હાથ ધર્યા હતા, જેની નોંધ ગાંધીનગર સુધી લેવાઇ હતી. સ્‍વ. મનસુખભાઇને દ્વારકા વિધાનસભાના ધારાસભ્‍યની ટિકિટની પણ ઓફર ગુજરાતના તે સમયના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ જેની તેઓએ વિનમ્રતાપૂર્વક ના પાડી હતી.

આ સમયે દરમિયાન દ્વારકા ખાતે દેશભરના મહાનુભાવોની અવરજવર રહેતી અને સ્‍વ. મનસુખભાઇ દરેકે દરેક વ્‍યકિતની ખૂબ જ ભાવથી મહેમાન ગતિ કરતા હતા. આ સમય દરમિયાન જ દેશના પૂર્વરાષ્‍ટ્રપતિ માનનીય શ્રી રામનાથ કોવિંદજીના સંપર્કમાં આવ્‍યા હતા અને તેઓનો આ પરિચય ગાઢ દોસ્‍તીમાં પરિણમ્‍યો હતો. કોવિંદજી બિહારના રાજ્‍યપાલ હતા ત્‍યારે પણ તેઓએ દ્વારકાની મુલાકાત લીધી હતી અને પ્રોટોકોલ બાજુએ મૂકી સ્‍વ. મનસુખભાઇની મહેમાનગતિ માણી હતી. ત્‍યારબાદ તેઓ દેશના રાષ્‍ટ્રપતિ પદે બિરાજમાન થયા પછી પણ તેઓ સાથે ઘનિષ્‍ઠ સંબંધ રહ્યો હતો. એટલું જ નહિ મનસુખભાઇના સ્‍વર્ગવાસ બાદ પણ તેમના પરિવાર સાથે સંબંધ યથાવત રાખી ચાર વાર તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને રાષ્‍ટ્રપતિ ભવનના મહેમાન પણ બનાવ્‍યા હતા. જે દર્શાવે છે કે સંબંધોનું કેટલું અદ્‌ભૂત વ્‍યકિતત્‍વ હતું સ્‍વ. મનસુખભાઇનું.

સેવાકીય ક્ષેત્રે પણ હરહંમેશ મનસુખભાઇ અગ્રેસર રહ્યા હતા. મીઠાપુર નજીક ગરીબ લોકો માટે આવાસ યોજના, જલારામ મંદિર, વિશાળ જલારામ હોલ, બટુક ભોજન માટે ખાસ અલગ યુનિટ પણ આરંભડામાં બનાવેલ. તેઓ અનેકવિધ રાજકીય, સામાજિક અને વ્‍યાપારીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા હતા અને દરેક જગ્‍યાએ માનભર્યુ સ્‍થાન ધરાવતા હતા.

જરૂરીયાતમંદ વ્‍યકિતને હરહંમેશ મદદ કરવા તત્‍પર રહેતા, અસંખ્‍ય લોકોને તન, મન અને ધનથી મદદ કરેલ અને કોઇપણ કામ લઇને જાય ત્‍યારે હંમેશા હસતા મોઢે કરી આપતા જેને લઇ લોકો આજે પણ તેમને યાદ કરે છે. તેમની યાદ આવતા આજે બે વર્ષ બાદ પણ લોકોની આંખના ખૂણા ભીના થઇ જાય છે. તેમની વિદાયથી સમગ્ર સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

(ભરત બારાઇ - મો. ૯૮૨૪૦ ૪૧૮૪૯)

(3:42 pm IST)