Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સિટી - BRTS બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૩.૩૨ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૧૪ કંડકટર સસ્‍પેન્‍ડ : ૯ મુસાફરો ટીકીટ વિના ઝડપાયા

રાજકોટ તા. ૪ : મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા તા. ૨૬ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓકટોબર સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૩.૩૨ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૨ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૯ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓકટોબર સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસ સેવા

સિટી બસ સેવા (RMTS)માં કુલ અંદાજીત ૧,૧૭,૯૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૯૪,૯૯૬ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૯ હજાર કિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૩,૧૫,૦૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૧૭,૫૦૦ ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે.

સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી - અનિયમિતતા સબબ કુલ ૧૪ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ. ચેકીંગ દરમિયાન કુલ ૦૯ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૯૯૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ.

બસની કામગીરી

બી.આર.ટી.એસ. બસ સેવામાં તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓકટોબર  દરમિયાન કુલ અંદાજીત ૩૦,૬૧૨ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૪,૧૮૭ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૪૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:42 pm IST)