Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજલ અને નિયતિએ મેટ્રો ટ્રેનમાં મોદીજી સાથે મુસાફરીનો લ્‍હાવો લઈ કર્યો વાર્તાલાપ

કાલુપુરથી થલતેજ સુધીની યાત્રામાં વુમન સ્‍ટાર્ટઅપ- ઈનોવેટીવ રમકડા અંગે કરી ચર્ચા

રાજકોટ,તા.૪: રાજગોર બ્રાહ્મણ સમાચારના પૂર્વ તંત્રી, સફળ શિક્ષક અને આકાશવાણીના પ્રોગ્રામ ડાયરેકટર તરીકે અદ્વિતીય કામગીરી કરનાર શ્રી ભાનુકુમાર ભગવાનજીભાઈ મહેતાની બે દીકરીઓ રાજલ અને નિયતિ એ અમદાવાદના મેટ્રો ટ્રેનના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે મેટ્રોમાં મુસાફરી કરી અને મોદીજી સાથે વાર્તાલાપ કરવાનો લ્‍હાવો લીધો હતો. આ બંને બહેનોને ગુજરાત સરકાર દ્વારા આ પ્રસંગ માટે આમંત્રણ મળ્‍યું હતું. કાલુપુરથી થલતેજ સુધીની મેટ્રોજર્ની દરમિયાન વુમન સ્‍ટાર્ટ અપ સક્ષમ આંગણવાડી, ઈનોવેટીવ રમકડાના મુદ્દે ચર્ચા કરી હતી.

આ બંને દીકરીઓની તસ્‍વીર મોદીજી અને શ્રી અમિત શાહે પોતાના ટ્‍વીટર એકાઉન્‍ટ પર મૂકાઈ છે.

વુમન સ્‍ટાર્ટ અપ માં આ બંને બહેનોએ સાથે મળીને દેશમાં ચાલતી આંગણવાડીઓમાં નવતર અભિગમ દાખવી અને તેમાં જતાં ભૂલકાં ને મળતાં પાયાના શિક્ષણમાં ગુણવત્તા યુકત મૂલ્‍યવાન સુધારા કરી તેને આધુનિક સમયમાં શ્રેષ્‍ઠત્તમ રીતે સમાજ ઉપયોગી બનાવવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્‍યું છે.

ચી. નિયતિ ૨૦૦૫ થી ૨૦૧૨ દરમ્‍યાન યુ. કે. હતી તે વખતે થયેલા સ્‍વાનુભવ ને આધાર બનાવી અત્‍યારે આપણા દેશના ત્રણ રાજ્‍યોમાં આ કાર્ય કરી રહ્યા છે.

તેઓની સફળતાની કામના કરીયે અને ભવિષ્‍યમાં ખુબ ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવું છું. (ભાનુપ્રસાદ પંડ્‍યા રાજકોટ, મો.૯૩૨૦૩ ૧૬૭૮૯)

(1:43 pm IST)