Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશનના પ્રમુખપદેથી અસીમ પંડયાનું રાજીનામું : હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાના ઉપયોગની વિરૂધ્‍ધમાં મતદાન થતા આત્‍માના અવાજને અનુસર્યા

માન્‍યતા પ્રાપ્ત ગુજરાતના ર૭ર બાર એસોસીએશન ગુજરાતી ભાષાના ઉપયોગ માટે રાજયપાલ, ચીફ જસ્‍ટીસ અને કાયદા વિભાગને ઠરાવ કરી મોકલે : બાર કાઉન્‍સીલ ગુજરાતના સંજય વ્‍યાસની અપીલ

રાજકોટ, તા., ૩:  ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશનના પ્રમુખપદેથી અસીમ પંડયાએ રાજીનામુ આપ્‍યુ છે. મળતી માહીતી મુજબ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગની તરફેણ કરતા આવેલા અસીમ પંડયાએ એસોસીએશને ગુજરાતી ભાષાના ઉપયોગની વિરૂધ્‍ધમાં મતદાન કરતા પોતાના આત્‍માના અવાજને અનુસરી રાજીનામુ આપી દીધું છે.

આ બારામાં રાજકોટ બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ અને બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના સભ્‍ય સંજય વ્‍યાસે અકિલાને જણાવ્‍યું હતુ કે, બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની માન્‍યતા પ્રાપ્ત ૨૭૨ એસોસીએશન અસ્‍તિત્‍વમાં છે. આ તમામ એસોસીએશનોએ અસીમ પંડયાએ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટે ચલાવેલી મુહીમના ટેકામાં ઠરાવ કરી રાજયપાલ, ચીફ જસ્‍ટીસ અને કાયદા વિભાગને મોકલવા મારી અપીલ છે.

સંજય વ્‍યાસે વધુમાં જણાવ્‍યું હતું કે, લોઅર કોર્ટસમાં અનેક સિનીયર-જુનીયર એડવોકેટ કાયદાના વિદ્વાન તજજ્ઞો છે. તેઓની માતૃભાષામાં મુદાસરની દલીલો અનેક નિર્દોષ લોકોને સજામાંથી બચાવતી આવી છે અને અનેક કાયદાકીય પ્રશ્નો ઉકેલતી આવી છે. આવા વકીલો હાઇકોર્ટમાં અંગ્રેજીમાં દલીલ કરી શકતા ન હોવાથી ન્‍યાયની દેવડીમાં ન્‍યાય મેળવવાની પ્રક્રિયામાં કયાંકને કયાંક કચાશ રહી જતી હોવાથી હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થવો જરૂરી છે. પરંતુ આ મુદ્દે ચાલી રહેલી લડતમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશન સામેલ થતું નથી જે વકીલોના બહોળા હિતને નુકશાનકર્તા હોવાથી આ મુદ્દે લોઅર કોર્ટના રાજયભરના એડવોકેટ એસોસીએશન આગળ આવે તે જરૂરી છે.

(1:36 pm IST)