Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મુસ્‍લીમ અગ્રેસર ફતેહ મુહમદભાઇના નાનાભાઇ હાજી અ.રઉફની વફાત

દર વર્ષે ગોંડલમાં ભવ્‍યતાથી ઉર્ષ નૂરી ઉજવતા'તાઃ સુન્ની સમાજના પ્રખર સમર્થકની કાલે રાત્રે ઝિયારત

રાજકોટ, તા., ૪: સૌરાષ્‍ટ્રના જાણીતા સેવાભાવી મુસ્‍લીમ અગ્રેસર જનાબ ફતેહ મુહમદભાઇના નાનાભાઇ હાજી અ.રઉફભાઇ જીકરભાઇ નુરસુમાર ગઇ રાત્રે વફાત પામતા ગોંડલ મેમણ સમાજમાં આઘાતની લાગણી વ્‍યાપી છે.

મર્હુમ હાજી અ.રઉફભાઇ, મસ્‍લકે આ'લા હઝરતના ખાસ સમર્થક હતા અને હંમેશા પોતાના પીરો મુર્શીદ હુઝુર મુફતી એ.આઝમ  હિન્‍દનો દર વર્ષે ઉર્ષ નૂરી, મેમણ જમાત ખાના-ગોંડલ ખાતે ભવ્‍યતાથી ઉજવતા હતા. આ માટે તેઓ હંમેશા તન-મન-ધનથી જહેમત ઉઠાવતા હતા.

આ કાર્યક્રમમાં ભારતભરમાંથી તેઓ ઉલેમાઓ-સાદાતો-શાયરોને આમંત્રીત કરતા હતા અને સૌરાષ્‍ટ્રમાં શાનદાર રીતે ઉર્ષ નૂરી ઉજવતા હતા. પોતે અનેક ઉલેમાઓ, ખાનકાહો  સાદાતો પીરોથી સબંધો ધરાવતા હતા.

થોડા સમય પહેલા તેઓ હજ્જ યાત્રાએ ગયેલ ત્‍યાંથી આવ્‍યા પછી કમળો થઇ જતા અને અસ્‍વસ્‍થતા આવી જતા ટુંકી બિમારીમાં અંતે દમ આપી દેતા નુરસુમાર પરિવારને એક સખી સદગૃહસ્‍થ અને સેવાભાવીની ખોટ પડી છે.

તેઓ ઇમરાનભાઇ નુરસુમાર (સુપ્રિમ ઓટો-ગોંડલ) ના ભાઇ તથા હાજી મો.રઇશ નુરી અને હાજી મોઇન નુરી (રાજકોટ)ના વેવાઇ ઉપરાંત તબરેઝ અને તૈમુરના પિતા થતા હતા. સરળ, નિખાલસ સ્‍વભાવ અને ટનાટન સુન્નીની છાપ ધરાવતા ફિદાએ આ'લા હઝરત મર્હુમ હાજી અ.રઉફ નુરસુમારની દફનવિધી આજે બપોરે ગૈબનશાહ પીરના કબ્રસ્‍તાનમાં થઇ હતી. તેઓના  નિવાસસ્‍થાન દેવપરા થી  નિકળેલ જનાઝામાં મોટી માત્રામાં મુસ્‍લીમ સમાજ જોડાયો હતો.

આશીકે મુફતી-એ-આઝમ, મર્હુમ હાજી  અ.રઉફભાઇ નુરસુમારની સુન્નીયતના કાજે આપેલી સેવા હંમેશા ગોંડલના મુસ્‍લીમ સમાજમાં અવિસ્‍મરણીય રહેશે તેઓની ઝિયારત કાલે તા.પના બુધવારે રાત્રે ઇશાની નમાઝ બાદ મદીના મસ્‍જીદ (દેવપરા) ગોંડલ ખાતે રાખેલ છે.

ગોંડલમાં આવેલી મરકઝ પબ્‍લીક સ્‍કુલના  તેઓ ટ્રસ્‍ટી હોઇ સંસ્‍થાના વેલવીસર તરીકે તેઓની વિદાય અંગે મર્કઝ નોલેજ સીટી-કેરાલાના ડિરેકટર ડો. અબ્‍દુલ હકીમ અઝહરી અને મર્કઝ ગુજરાતના ડીરેકટર મૌલાન બશીર અહેમદ નિઝામીએ દુઃખ વ્‍યકત કરી સુન્ની સમાજને હંમેશા તેઓની ખોટ વર્તાશે તેમ જણાવ્‍યું છે.

(11:49 am IST)