Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પવન ઉર્જાને પાંખો આપનાર તુલસીભાઇ તંતીએ જીવન ઉર્જા સંકેલી

તેમણે રાજકોટમાં કેટલાંક મિત્રોની મદદથી ૧૯૯૫માં પવન ઊર્જાના ઉત્‍પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને સુઝલોન કંપનીની સ્‍થાપના કરી : વિન્‍ડ મેન બનવાના સુઝલોન એનર્જીનો પવન સૌરાષ્ટ્રના ઢાંકમાંથી ફૂકાયો હતો : છેવટ સુધી સૌરાષ્ટ્ર સાથે એમનો જીવંત નાતો રહ્યો હતો : તુલસીભાઇએ ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેત્રી ઐશ્વર્યા રાય સહિત અન્‍યને પણ આ ક્ષેત્રમાં રોકાણ કરવાના લાભ દર્શાવી સલાહ આપી હતી

તેમના પ્રશંસકો અને વિવેચકો પણ એક બાબત પર હંમેશા સહમત થયા છે કે તેણે ક્‍યારેય હાર માની ન હતી

જર્મની, નેધરલેન્‍ડસ, ડેનમાર્કમાં કંપનીના શોધ-વિકાસ કેન્‍દ્રો છે : પવન ઉર્જા ક્ષેત્રે તેમણે દુનિયાભરમાં ડંકો વગાડયો હતો

આપણે એવી ટેક્‍નોલોજી વિકસાવવાની અને સ્‍વીકારવાની જરૂર છે જે આપણને આ સંસાધનોનો ઉપયોગ કરવામાં અને માનવજાત માટે ટકાઉ ભવિષ્‍ય બનાવવામાં મદદ કરે : તુલસીભાઇ

સુઝલોનના સ્‍થાપક તુલસીભાઇ તંતીનું નિધન થયું છે. રાજકોટના પનોતા પુત્ર તુલસીભાઇ તંતીનું નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો છે. તુલસીભાઇ તંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બહુ મોટો મિત્રવર્ગ ધરાવે છે. હાર્ટ એટેક બાદ તેમનું નિધન થતાં ઉદ્યોગિક અને વેપાર જગતમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસીભાઇ તંતીએ અભ્‍યાસ કર્યો હતો. વિન્‍ડ ફાર્મ ક્ષેત્રે જેમને સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ડંકો વગાડયો હતો. તુલસીભાઇ તંતીએ રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી.

૨ ફેબ્રુઆરી, ૧૯૫૮ના રોજ રાજકોટમાં રણછોડભાઈ અને રંભાબેન તંતીના ઘેર તુલસીભાઇ તંતીનો જન્‍મ થયો હતો. તેમનો જન્‍મ રાજકોટ નજીકના રાવકી ગામે થયો હતો. એ નાનપણથી જ ભણવામાં ખૂબ હોંશિયાર હતા. તેમનો પરિવાર ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલો હતો. તુલસીભાઇ તંતીએ રાજકોટની સેન્‍ટ મેરી સ્‍કૂલમાંથી અભ્‍યાસ કર્યો છે. પી. ડી. માલવિયા કોલેજમાંથી કોમર્સ અને પોલિટેકનિક ઈન્‍સ્‍ટિટ્‍યુટમાંથી  ડિપ્‍લોમા ઈન મિકેનિકલ એન્‍જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ૧૯૭૮માં તંતી પારિવારિક બિઝનેસમાં જોડાયા. ૧૯૯૦ના દાયકામાં તંતી ટેક્‍સટાઈલ બિઝનેસમાં કામ કરી રહ્યા હતા, તે સમયે ભારતમાં વીજળીની મોટી સમસ્‍યા હતી. વીજળીની અનિયમિતતાના કારણે ટેક્‍સટાઈલ બિઝનેસના નફાનો મોટો ભાગ તેમાં ખર્ચ થઈ જતો હતો. આ સમસ્‍યાના ઉકેલ માટે તેમણે રાજકોટમાં કેટલાંક મિત્રોની મદદથી ૧૯૯૫માં પવન ઊર્જાના ઉત્‍પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને સુઝલોન કંપનીની સ્‍થાપના કરી. ધીમે ધીમે તેમનો બિઝનેસ જામવા લાગ્‍યો અને ૨૦૦૧માં તેમણે આ પવન ઊર્જા બિઝનેસમાં સંપૂર્ણ ધ્‍યાન આપી શકાય તે હેતુથી ટેક્‍સટાઈલ યુનિટ વેચી દીધું.

તુલસીભાઇ તંતીએ રિન્‍યુએબલ એનર્જીમાં પ્રવેશ કરવા માટે પ્રેરણા સ્ત્રોત તરીકે  રિલાયન્‍સ, ટાટા અને ઈન્‍ફોસિસને ગણાવ્‍યા હતા. તેનું કારણ આપતા તંતીએ એક ઈન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે, રિલાયન્‍સ એટલા માટે કે તે હંમેશા મોટું વિચારે છે અને તેનો ઝડપી અમલ કરે છે. ટાટા હંમેશા સમાજ અને દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે. ઈન્‍ફોસિસ દેશની યુવા પ્રતિભાઓને તક આપે છે અને તેની સંપત્તિમાં તેમને હિસ્‍સેદાર બનાવે છે. હું આ ત્રણેય દિગ્‍ગજ કંપનીઓની વિચારધારા, કાર્યશૈલીને મારી કંપનીમાં લાગુ કરવા માંગુ છું. તુલસીભાઇ તંતીના નેતૃત્‍વમાં સુઝલોન એનર્જીએ યુરોપના બજારમાં ભારે વિકાસ કર્યો. જર્મની, નેધરલેન્‍ડસ, ડેનમાર્કમાં કંપનીના શોધ-વિકાસ કેન્‍દ્રો છે. પવન ઉર્જા ક્ષેત્રે તેમણે દુનિયાભરમાં ડંકો વગાડયો હતો.

૧૯૯૫માં તેની સ્‍થાપના થઈ ત્‍યારથી સુઝલોનની વૃદ્ધિ પાછળનું પ્રેરક બળ, તુલસીભાઇ તંતીનું વિઝન અને વ્‍યૂહાત્‍મક કુશળતાએ સુઝલોનનું પરિવર્તન કર્યું છે અને તેને ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક પાવરહાઉસ બનાવ્‍યું છે. પુનઃપ્રાપ્‍ય ઉર્જા પર વિશ્વ વિખ્‍યાત નિષ્‍ણાત, શ્રી તંતી ઊર્જા સ્‍વતંત્રતા અને સુરક્ષા દ્વારા ટકાઉ વ્‍યવસાયો અને ટકાઉ વિશ્વ બનાવવામાં માનતા હતા. તેઓ કહેતા કે, ‘વિશ્વ પાસે પુનઃપ્રાપ્‍ય સંસાધનો છે જે માનવજાતની ઉર્જાની જરૂરિયાતોને પાંચ ગણી વધારે પૂરી કરી શકે છે. આપણે એવી ટેક્‍નોલોજી વિકસાવવાની અને સ્‍વીકારવાની જરૂર છે જે આપણને આ સંસાધનોનો ઉપયોગ કરવામાં અને માનવજાત માટે ટકાઉ ભવિષ્‍ય બનાવવામાં મદદ કરે.' તુલસીભાઇએ વૈશ્વિક મહત્‍વાકાંક્ષા દર્શાવી, વિદેશમાં કંપનીઓ હસ્‍તગત કરી, ભારતે વૈશ્વિક પ્‍લેટફોર્મ પર કેન્‍દ્રના સ્‍ટેજ પર કબજો મેળવ્‍યો અને તેની ગ્રીન એનર્જી મહત્‍વાકાંક્ષા જાહેર કરી. આવી ઘણી બાબતોથી, તંતીની સફર અને તેમણે ૧૯૯૫માં સ્‍થાપેલી કંપની ભારતના પવન ઊર્જા બજારની વાતને પ્રતિબિંબિત કરે છે.

તુલસીભાઇ તંતીએ વિન્‍ડ ફાર્મ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિદેશમાં ડંકો વગાડયો હતો. જેથી ભારતમાં તેને વિન્‍ડમેન તરીકે ઓળખવામાં આવતા હતા. વિન્‍ડ મેન બનવાના સુઝલોન એનર્જીનો પવન સૌરાષ્ટ્રના ઢાંકમાંથી ફૂકાયો હતો. છેવટ સુધી સૌરાષ્ટ્ર સાથે એમનો જીવંત નાતો રહ્યો હતો. ભણવાની સાથે એ ઇનોવેટીવ કાર્ય કરવામાં માનતા હતા. ઘણીવાર એ સિનેમામાં ઓપરેટર ન હોય તો એ કાર્ય પણ કરતા. તેમણે ટેકસટાઇલ અને વિન્‍ડફાર્મ પોતાની રીતે ઉભા કર્યા છે. એ જમાનામાં એ કોમર્સ ગ્રેજયુએટ અને ઇન્‍જીનીઅર હતા. એની એક વાત મને બહુ ગમતી કે એ ખરાબ સમયમાં પણ કયારેય ભયભીત થતા ન હતા અને કામને છોડતા ન હતા. તુલસીભાઇએ શરુઆતમાં પરિવારના બિઝનેસમાં કામ કરવાની શરૂઆત કરી. ત્‍યાર બાદ એમણે વર્ષ ૧૯૭૪માં રાજકોટમાં આમ્રપાલી સિનેમા બનાવ્‍યું.  પછી તેઓ સુરત ગયા અને ત્‍યાં ટેકસટાઇલ ઉદ્યોગમાં આગળ વધ્‍યા. ઉપલેટા નજીકના ઢાંક ગામેથી ૧૯૯૬થી સુઝલોનની શરૂઆત થઇ અને ત્‍યાર પછી એ ગ્રીન એનર્જીના પ્રણેતા બન્‍યા. ઉદ્યોગપતિની સાથે એક સારા સમાજ સેવક પણ હતા. તેમણે જયાં અભ્‍યાસ કર્યો એ સેન્‍ટ મેરીની નવી સંસ્‍થા સેન્‍ટ પોલ બનતા તેમાં દાન આપ્‍યું, આટકોટમાં કન્‍યા છાત્રાલય હોય કે કોઇપણ સામાજિક સંસ્‍થા એમાં એમણે પોતાનું યોગદાન આપ્‍યું છે. સુઝલોને ૨૭ વર્ષમાં દેશ અને દુનિયાના ૧૭ દેશોમાં ૧૯ ગીગાવોટ ક્ષમતાના વિન્‍ડ ફાર્મ ઊભા કર્યા છે. છતાં તુલસીભાઇ તંતી હંમેશા કહેતા કે વિન્‍ડ ફાર્મનું મેન્‍યુફેકચરીંગ ગુજરાતમાં જ થવું જોઇએ અને તે થયું પણ ખરા. સુઝલોન વિન્‍ડફાર્મના મોટાભાગના પાર્ટ ગુજરાતમાં જ બનતા હતા. તેનો સ્‍વભાવ સરળ હતો, તે દરેક વ્‍યક્‍તિને ઉપયોગી થતા હતા.

 તુલસીભાઇએ ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેત્રી ઐશ્વર્યા રાય સહિત અન્‍યને પણ આ ક્ષેત્રમાં રોકાણ કરવાના લાભ દર્શાવી સલાહ આપી હતી. તે જ સમયે, સુઝલોને દેશમાં મજબૂત પગપેસારો સ્‍થાપ્‍યો, સ્‍થાનિક બજારનો લગભગ ૫૦ ટકા હિસ્‍સો કબજે કર્યો અને વૈશ્વિક સ્‍તરે ટોચના પાંચ વિન્‍ડ ટર્બાઇન ઉત્‍પાદકોમાંના એક તરીકે ઉભરી હતી. તંતીના પ્રશંસકો અને વિવેચકો પણ એક બાબત પર હંમેશા સહમત થયા છે કે તેણે ક્‍યારેય હાર માની ન હતી. તેમના નિધનથી તેમના જીવનની ઉર્જા ટૂંકી થઈ હશે, પરંતુ સુઝલોન અને ભારતીય પવન ઊર્જા ક્ષેત્રની વાર્તા ચાલુ જ રહેશે.

૧ ઓક્‍ટોબરે જ તુલસી તંતી અમદાવાદ આવ્‍યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. ૧,૨૦૦ કરોડના રાઇટ્‍સ ઇસ્‍યુ માટે રોડ શો કર્યો હતો. ત્‍યારબાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેઓ કેન્‍દ્ર સરકારના રિન્‍યુએબલ એનર્જી ટાસ્‍ક ફોર્સના તેઓ અધ્‍યક્ષ હતા અને સરકારને આ દિશામાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા. મૂળ રાજકોટિયન એવા તુલસી તંતીએ બિઝનેસ માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે ૨૦૦૪માં પુના સ્‍થાયી થયા હતા. પરિવારજનોમાં દીકરી નિધિ અને દીકરો પ્રણવ છે. તેમનો પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્‍થાયી થયાં છે.

નરેન્‍દ્રભાઇ મોદીએ શોક વ્‍યક્‍ત કર્યો...

સુઝલોન એનર્જીના સ્‍થાપક, ભારતના ‘વિન્‍ડ મેન' તરીકે જાણીતા તુલસી તંતીનું શનિવારે કાર્ડિયાક અરેસ્‍ટને કારણે ૬૪ વર્ષની વયે નિધન થયું હતું. રવિવારે માહિતી આપતાં કંપનીના એક અધિકારીએ જણાવ્‍યું કે તંતી શનિવારે સાંજે પૂણેથી અમદાવાદ જઈ રહી હતી અને તે દરમિયાન તેના ધબકારા બંધ થઈ ગયા. તેમના પરિવારમાં પુત્રી નિધિ અને પુત્ર પ્રણવ છે. ૧૯૫૮માં ગુજરાતના રાજકોટમાં જન્‍મેલા તંતી સુઝલોન એનર્જીના પ્રમોટરોમાંના એક હતા, જેની સ્‍થાપના તેમણે ૧૯૯૫માં કરી હતી. પીએમ મોદીએ પણ તુલસી તંતીનાં નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તુલસી તંતી અગ્રણી બિઝનેસ લીડર હતા જેમણે ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન આપ્‍યું હતું અને ટકાઉ વિકાસને આગળ ધપાવવા માટે આપણા દેશના પ્રયાસોને મજબૂત બનાવ્‍યા હતા. તેમના અકાળ અવસાનથી હું દુખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્‍યે સંવેદના. શાંતિ....

આ રીતે રાખવામાં આવ્‍યું સુઝલોન નામ..

કંપનીના સુઝલોન નામ રાખવા પાછળની એક રોચક વાત છે. સામાન્‍ય રીતે ગુજરાતીઓ સુઝ-બુઝ શબ્‍દનો અવાર નવાર ઉપયોગ કરતાં હોય છે. આ સુઝ-બુઝ પૈકી ‘સુઝ' અને ‘લોન' એટલે કે બેન્‍ક લોન, આ બંને શબ્‍દ મળીને ‘સુઝલોન' નામ પસંદ કરવામાં આવ્‍યું છે.

તુલસીભાઇ તંતીની મહેનતે

સુઝલોનને અપાવ્‍યું ફોર્બ્‍સમાં સ્‍થાન..

સુઝલોનને વિશ્વભરમાં જાણીતા પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્બ્‍સમાં સ્‍થાન મળ્‍યું છે. ફોર્બ્‍સ મેગેઝીને ૨૦૦૭માં બહાર પાડેલી ભારતના ટોપ-૧૦ ધનવાનોની યાદીમાં તુલસીભાઇ તંતીને ૧૦મો ક્રમ મળ્‍યો હતો. આ ઉપરાંત ૨૦૦૮માં વિશ્વના ધનાઢ્‍ય વ્‍યક્‍તિઓની યાદીમાં ૩૬૮મો નંબર મળ્‍યો હતો. ફોર્બ્‍સની ૨૦૧૩ની યાદી મુજબ ભારતના ધનાઢ્‍યોની યાદીમાં તેમનો ૩૩મો નંબર હતો. જયારે ૨૦૦૫માં ફોર્બ્‍સની સૌથી ધનાઢ્‍ય ભારતીયોની યાદીમાં તાંતી આઠમા સ્‍થાને હતા. ૨૦૦૫-૧૫ના દાયકામાં દેશમાં પવન ઉર્જા ક્ષમતામાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં ઉર્જા-ગઝલિંગ ઉદ્યોગો અને ઉપયોગિતાઓ સરકારી પ્રોત્‍સાહનોથી લાભ મેળવવા માંગતા હતા.

આ અત્‍યાર સુધીનો સૌથી હૃદયદ્રાવક સંદેશાવ્‍યવહાર.. અશ્વની કુમાર

તુલસીભાઇ તંતીની વિદાય થઇ ત્‍યારે વિશ્વભરના ૫,૫૦૦ થી વધુ કર્મચારીઓને મોકલવામાં આવેલ ઈમેલમાં, સુઝલોન એનર્જીના સીઈઓ અશ્વની કુમારે જણાવ્‍યું હતું કે, ‘આ અત્‍યાર સુધીનો સૌથી હૃદયદ્રાવક સંદેશાવ્‍યવહાર છે જે મેં મોકલ્‍યો છે...' તેઓએ વધુમાં કહ્યું કે, ‘વિશ્વ તુલસીભાઈને પવન ઉર્જાના પ્રણેતા અને આબોહવા પરિવર્તન સામેના યોદ્ધા તરીકે યાદ કરશે. અમે તેમને ભાવિ પેઢીઓ માટે વધુ સારી દુનિયા બનાવવાના ચેમ્‍પિયન તરીકે વધુ સારી રીતે જાણીએ છીએ. જો અમારા સીએમડીએ અમને કંઈ શીખવ્‍યું હોય તો તે હતું સ્‍થિતિસ્‍થાપકતા, ઇચ્‍છાશક્‍તિ.'

Õþåë_Ö ÚZëí

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(10:46 am IST)