Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બીઆરટીએસ રૂટ પર બાઇક પોલીસવેન સાથે ધડાકાભેર અથડાતાં ડિપ્‍લોમાના છાત્ર પિયુષનું મોતઃ મિત્ર કુશને ઇજા

તસ્‍વીરમાં બીઆરટીએસ રૂટ પર અથડાયેલા વાહનો પીસીઆર વેન અને બાઇક તથા મોતને ભેટલા બાઇકચાલક પિયુષ ઝરીયાનો ફોટો અને નીચેની તસ્‍વીરોમાં ઘટના સ્‍થળે પીઆઇ આઇ. એન. સાવલીયા સહિતની ટીમ તથા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે. (ફોટોઃ પ્રિન્‍સ બગથરીયા)

રાજકોટ તા. ૩: શહેરના મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાપૂજાધામ સર્કલ નજીક બીઆરટીએસ રૂટ પર મોડી રાતે બારેક વાગ્‍યે પેટ્રોલીંગમાં નીકળેલી માલવીયાનગર પોલીસ સ્‍ટેશનની પીસીઆર બોલેરો વેન સાથે ડબલ સવારીવાળુ બાઇક અથડાતાં બાઇક ચાલક અને પાછળ બેઠેલો મિત્રો ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર પટકાતાં ચાલક બાલાજી હોલ પાસે રહેતાં અને આજીડેમ પાસેથી ગવર્નમેન્‍ટ પોલીટેકનીક કોલેજમાં ડિપ્‍લોમાનો અભ્‍યાસ કરતાં લોધા પરિવારના ૧૭ વર્ષના પુત્રનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. જ્‍યારે પાછળ બેઠેલા આઇટીનો અભ્‍યાસ કરતાં તેના ૧૬ વર્ષના મિત્ર પ્રજાપતિ છાત્રનો ઇજાઓ સાથે બચાવ થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બાલાજી હોલ પાસે વલ્લભ વિદ્યાનગરમાં રહેતો પિયુષ ઝરીયા (ઉ.૧૭) અને મવડી રોડ પર પંચનાથ સોસાયટીમાં રહેતો તેનો મિત્ર કુશ ચાંડેગરા (ઉ.૧૬) બાઇક પર મોડી રાતે ચક્કર મારવા નીકળ્‍યા હતાં અને ૧૫૦ રીંગ રોડ પર મહાપૂજાધામ ચોક સર્કલ પાસે બીઆરટીએસ રૂટ પર ફુલ સ્‍પીડથી બાઇક હંકારીને જતાં સામેથી આવી રહેલી પોલીસની વેન સાથે ધડાકાભેર અથડાતાં  ચાલક પિયુષનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  માલવીયાનગર પોલીસ સ્‍ટેશનની પીસીઆર  બોલેરો વેન જીજે૦૩જીએ-૧૯૭૯ના ડ્રાઇવર ભગવતીપરા મેઇન રોડ મોમાઇ કૃપા ખાતે રહેતાં રાજેશ રણમલભાઇ મઠીયા (આહિર) (ઉ.૩૩)ની ફરિયાદ પરથી હોન્‍ડા નં. જીજે૦૩ઇજી-૬૯૮૩ના ચાલક મૃત્‍યુ પામનાર પિયુષ કરણભાઇ ઝરીયા વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવીએક્‍ટ ૧૭૭, ૧૮૪, જીપીએક્‍ટ ૧૩૧ મુબ પોતાનું હોન્‍ડા બેફીકરાઇથી બેદરકારીથી માનવ જિંદગી જોખમાય એ રીતી બીઆરટીએસ રૂટમાં ચલાવી પોલીસની પીસીઆર વેન સાથે સામેથી ટક્કર મારી અકસ્‍માત સર્જી પોતાનું મોત નિપજાવી તેમજ પાછળ બેઠેલાને ઇજા પહોંચાડી, પીસીઆર વેનમાં નુકસાન કરવા ઉપરાંત બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

રાજેશ મઠીયા છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોલીસ મોટર વાહન વિભાગમાં સાડા ત્રણ વર્ષથી કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર આઉટ સોર્સિંગ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે હું તા. ૨ના સાંજે આઠથી રાતના બાર સુધી અને બાદમાંરાતના બારથી તા. ૩ના સવારના આઠ સુધી માલવીયાનગર પોલીસ સ્‍ટેશન પીસીઆર વેન-૨૦માં ડ્રાઇવર તરીકેની નોકરી પર હતો. સાંજે આઠથી પીસીઆર ઇન્‍ચાર્જ તરીકે મારી સાથે કોન્‍સ. સિધ્‍ધરાજસિંહ સતુભા જાડેજા અને નવરાત્રી બંદોબસ્‍તમાંવધારાના ઇન્‍ચાર્જ તરીકે એએસઅઇ અશ્વિનભાઇ જેઠાભાઇ કાનગડ તથા એસઆરપીમેન નવીનભાઇ ડામોર હતાં.

અમે માલવીયાનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે રાતે બારેક વાગ્‍યા આસપાસ નવરાત્રીના માઇક બંધ કરાવવા અને અનઇચ્‍છનીય બનાવ ન બને તે માટે મહાપૂજાધામ સર્કલથી ઓમનગર સર્કલ તરફ બીઆરટીએસ રૂટમાં પીસીઆર બોલેરો ચલાવીને જતાં હતા. આ વખતે મેડિકેર મલ્‍ટી સ્‍પેશિયાલીટી હોસ્‍પિટલ સામે પહોંચતા અમારી સામેથી બીઆરટીએસ રૂટમાં એક ડબલ સવારીવાળુ બાઇક બેફામ સ્‍પીડથી આવ્‍યું હતું અને મારી પાસેની બોલેરોમાં ડાબી સાઇડમાં ભટકાવતાં તેનો ચાલક ઉછળીને રોડ પર પટકાયો હતો. તેને જમણી આંખ ઉપર અને શરીરે ઇજાઓ થઇ હતી. બાઇકની પાછળ બેઠેલો પણ ઉછળીને પટકાકતાં તેને પણ પગ-શરીરે ઇજાઓ થઇ હતી.

અમારી પીસીઆરના ઇન્‍ચાર્જ સિધ્‍ધરાજસિંહ જાડેજાએ ૧૦૮ બોલાવતાં ઇમેઅટી ડોક્‍ટરે બાઇક ચાલકને મૃત જાહેર કર્યો હતો. તેના ખિસ્‍સા તપાસમાં આધાર કાર્ડ મળ્‍યું હતું. તેના આધારે તે ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાછળ વલ્લભ વિદ્યાનગર-૩માં રહેતો પિયુષ કરણભાઇ ચમનભાઇ ઝરીયા (લોધા) (ઉ.વ.૧૭) હોવાનું ખુલ્‍યું હતું. જ્‍યારે તેની પાછળ બાઇકમાં બેઠેલાનું નામ કુશ સવજીભાઇ ચાંડેગરા (પ્રજાપતિ) (ઉ.વ.૧૬-રહે. મવડી મેઇન રોડ પંચનાથ સોસાયટી-૧) હોવાનું ખુલ્‍યું હતું. કુશને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જેને સવારે તબિબ દ્વારા રજા અપાઇ હતી. અકસ્‍માતને કારણે પોલીસની બોલેરોની એરબેગ પણ ખુલી ગઇ હતી. 

બનાવને પગલે પીઆઇ આઇ. એન. સાવલીયા, એઅસઆઇ ગીતાબેન વાય. પંડયા સહિતના સ્‍ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર પિયુષ બેભાઇમાં મોટો હતો અને આજીડેમ ચોકડીએ આવેલી પોલીટેકનીક કોલેજમાં ડિપ્‍લોમાના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતો હતો. તેના પિતા છુટક કામ કરે છે. જ્‍યારે પિયુષની સાથે ઇજા પામનાર કુશ ચાંડેગરા પણ આજીડેમ  પાસેની કોલેજમાં આઇટીનો અભ્‍યાસ કરે છે. રાતે કુશ અને પિયુષ બંને મિત્રો બાઇક પર આટો મારવા નીકળી ગયા હતાં અને બીઆરટીએસ રૂટ પર પોલીસની વેન સાથે અકસ્‍માત સર્જતા પિયુષનો જીવ ગયો હતો. આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી ઝરીયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:37 pm IST)