Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજકોટમાં નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાતનું ખાતુ ખૂલ્યુ:સ્વિમર આર્યન નહેરા સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો

આર્યન નહેરાએ રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. આર્યન નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રહી ચુકેલા વિજય નહેરાના પુત્ર

નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાતે મેડલ જીત્યો છે,રાજકોટમાં ચાલતી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાત મેડલની આશા રાખી રહ્યુ હતુ અને તે જ સમયે ગુજરાતના ખેલાડી આર્યન નેહરાએ સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નહેરાના પુત્ર છે. આર્યને સ્વિમિંગમાં સિલ્વર મેડલ મેળવતા ગુજરાતને નેશનલ ગેમ્સમાં બીજો સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતે પાંચ ગોલ્ડ અને 6 બ્રોન્ઝ સાથે કુલ 13 મેડલ જીત્યા છે.

ભારતમાં તેની પ્રથમ સિનિયર ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા આર્યન નેહરાએ 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મધ્યપ્રદેશના સ્વિમર અદ્વૈત પેજનાં ફાળે ગયો હતો. આર્યન 16:03.14ના સમય સાથે બીજા સ્થાને રહ્યો જ્યારે અદ્વૈત પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં 15:54.79નો સમય સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. કર્ણાટકનો અનિશ ગૌડા 16:05.94 સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.

પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના પુત્ર, 18 વર્ષીય, રાષ્ટ્રીય રમતોની તૈયારી કરવા માટે ગુવાહાટીમાં સિનિયર નેશનલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો અને આજે સિલ્વર મેડલ સાથે તેણે પોતાની મહેનતને ચાર ચાંદ લગાવ્યા હતા. આ તરફ તેણે પેરુમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેનો અનુભવ તેને ઘરઆંગણે કામ આવ્યો હતો. આર્યન ફ્લોરિડામાં સ્વિમિંગમાં કરિયર બનાવવા વિશેષ તૈયારી કરી રહ્યો છે.

 

(9:54 pm IST)