Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ભીમજીયાણી સસ્તુ ભોજનાલયના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા ચેરીટી કમિ.ને અરજી

રાજકોટ તા.૪ : જેતપુરના ટ્રસ્ટની કરોડોનો મિલ્કતો સગેવગે કરવા ટ્રસ્ટી પ્રતીમાબેનના બોગસ સોગંદનામાઓ રજુ કરી ચેરીટી કમિ. કોર્ટમાંથી રાજીનામુ પાસ કરાવી લેવા અંગે ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરવા અરજી કરાઇ છે.

ગત વર્ષ ર૦૧૩માં સ્વ. શ્રી દેવજીભાઇ ભીમજીયાણીની સુપુત્રી કે જે હાલ બેંગલોર ખાતે સાસરે છે તેને આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવેલ હતી અને આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટ તરીકે શ્રી મયુરભાઇ ભીમજીયાણી ટ્રસ્ટનો બધોકારભાર સંભાળે છે અને હાલ આ ટ્રસ્ટમાં અન્ય બીજા  ટ્રસ્ટીઓ જેમાં શ્રીમતી ગં.સ્વ. ધીરજબેન દેવજીભાઇ ભીમજીયાણી (ટ્રસ્ટી) શ્રી પારૂલબેન મયુરભાઇ ભીમજીયાણી (ટ્રસ્ટી) ડો. વ્રજલાલ શિવલાલ ચંદારાણા (ટ્રસ્ટી), કુસુમબેન વ્રજલાલ ચંદારાણા (ટ્રસ્ટી) અશોકભાઇ આર. રાદડીયા (ટ્રસ્ટી) તરીકે કાર્યરત છે.

વર્ષ ર૦૧૯માં તમામ ટ્રસ્ટીઓએ ગુન્હાહીત કાવતરૂ રચી ટ્રસ્ટની કરોડોની મીલકતો સગેવગે કરવાના મલીન ઇરાદે આ ટ્રસ્ટના ટ્રસ્ટ શ્રીમતી પ્રતિમાબેન ડી. મુલાણીની બોગસ સહીઓ વાળા સોગંદનામાઓ અને અન્ય બોગસ દસ્તાવેજો બનાવી જે દસ્તાવેજોમાં જેતપુરના નોટરી શ્રી આર.પી.પટેલએ સહી સીકકાઓ કરેલ છે તે દસ્તાવેજોને આધાર બનાવી મદદનીશ ચેરીટી કમિશ્નર ઓફિસમાં ટ્રસ્ટી પ્રતિમાબેન ડી. મુલાણીએ સ્વેચ્છાએ રાજીનામુ આપેલ છે તે મતલબનો ફેરફાર રીપોર્ટ નં.ર૩૬-ર૦૧૯ મંજુર કરાવી લીધેલ અને તે અંગેની નોંધ ટ્રસ્ટના પી.ટી.આર.માં કરાવી નાખેલ જે તમામ હકીકત પ્રતીમાબેન મુલાણીના દયાને આવતા પ્રતીમાબેન મુલાણીએ તેમના વકીલ શ્રી સંજય પંડિત મારફત મદદનીશ ચેરીટી કમિશ્નર સમક્ષ આ તમામ ટ્રસ્ટીઓ વિરૂધ્ધ બોગસ દસ્તાવેજો અને સોગંદનામાઓ રજુ કર્યા સબબ આઇ.પી.સી.ની કલમ ૧૯૩, ૧૯૪, ૧૯પ મુજબની કાર્યવાહી કરવા ક્રિ. પ્રો. કોડની કલમ ૩૪૦ મુજબની અરજી દાખલ કરેલ છે જે અરજી મદદનીશ ચેરીટી કમિશ્નરશ્રીએ રજીસ્ટરે લઇ વધુ સુનાવણી આગામી તા.ર૩-૩-ર૦ર૧ના રોજ મુકરર કરેલ છે. આ પ્રકારના ગુન્હામાં જો આરોપ સિધ્ધ થાય તો ૭ વર્ષ સુધીની જેલની સજા જોગવાય છે.

(4:28 pm IST)