Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

નવા ભેળવાયેલા પાંચ ગામોનાં નાગરિકો ૧લી જુલાઇથી મકાન વેરો ભરવા તૈયાર રહે

ઘંટેશ્વર, માધાપર , મુંજકા, મોટા મવા અને મનહરપુરમાં મકાન વેરાની માપણી શરૂ : ૩૨,૦૦૦ મિલ્કતોનો વેરો વસુલવા કવાયત : ૨૦૨૦-૨૧નાં વેરાબીલ સાથે જ ઠપકારી દેવાશે

રાજકોટ તા. ૪ :.. શહેરની હદમાં નવા ભેળવવામાં આવેલ પાંચ ગામોમાં આગામી ૧લી જુલાઇથી મકાન વેરો લાગુ કરી દેવાશે. અને ર૦ર૦ ના ૯ મહીના ઉપરાંત ર૦ર૧ નાં ૧ર મહીના બન્ને વર્ષનાં વેરા બીલ એકી સાથે જ આપી દેવાનું આયોજન મ.ન.પા.નાં તંત્ર વાહકોએ કરી લીધુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરની હદમાં ભેળવાયેલ માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા,  મનહરપુર, આ પાંચેય ગામોની અંદાજે ૩ર૦૦૦ જેટલી મીલ્કતોનો મકાન વેરો વસુલવા તંત્રએ માપણી શરૂ કરી દીધી છે.

અને જે મકાનોની માપણી થઇ છે તે મકાનનો ર૦ર૦નાં જૂલાઇથી ર૦ર૧ નાં માર્ચ સુધીનો ૯ મહીનાનો વેરો તેમજ ર૦ર૧ -રર નાં ૧ર મહીનાનો વેરો એમ બે વર્ષના વેરા બીલ એકી સાથે આપી દેવાનું આયોજન છે.

કેટલાક ગ્રામજનોનો વિરોધ

દરમિયાન મુંજકા સહિત કેટલાક વિસ્તારનાં ગ્રામજનો વેરા માપણીનો વિરોધ કરી રહ્યા હોઇ, વેરા વસુલાત માટે તંત્રને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

(4:21 pm IST)