Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રેડની સાથે ગરીમાનો પણ કચ્ચરઘાણ !

આત્મમંથન કરવા મળેલી સીન્ડીકેટ એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં પણ જવાબદારીની ફેકાફેકી : કુલ નાયક દેશાણીના આક્ષેપથી સન્નાટો હવે ફરી બેઠક મળશે

રાજકોટ તા. ૪ :.. એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેક કમીટીએ નાક વાઢીને બી-ગ્રેડ આપતા યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયુ છે. બે જુથમાં વહેંચાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે ગ્રેડની સાથે ગરીમાનો પણ કરચારઘાણ નીકળ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ર વર્ષ ર૦૧૪ માં પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલીયાના એક વર્ષ અને પૂર્વ કુલપતિ  પ્રતાપસિંહ ચૌહાણના ૩ વર્ષનો કાર્યકાળ તેમજ કાર્યકારી કુલપતિ નીલાંબરીબેન દવેના ૧ વર્ષના કાર્યભારનું મુલ્યાંકન કરવા આવેલી યુજીસીની નેક કમીટી એ બી-ગ્રેડ ફાળવ્યો છે. ર૦૧૯ થી દરમિયાન સંશોધનો - છાત્રોની પ્રગતિ હાજરી, વિકાસ, ભૌતિક સુવિધા સહિતના મુદે અત્યંત નબળી કામગીરી થઇ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીને બી ગ્રેડ મળતા આત્મમંથન કરવા મળેલી સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં સતામંડળના સભ્યો દ્વારા જવાબદારીની ફેકાફેંકી કરવામાં આવી હતી.

કુલનાયક વિજય દેશાણીએ નબળા ગ્રેડ અને આઇકયુએસી કામગીરી બદલ દોષનો ટોપલો કુલપતિ નીતીન પેથાણી ઉપર ઢોળતા સન્નાટો વ્યાપી ગયો હતો. કુલપતિ પેથાણી અને સીન્ડીકેટ સભ્યો પણ કુલનાયકના વલણથી ચોંકી ઉઠયા હતા. કુલપતી પેથાણીએ તેના હોદાની ગરીમાને ધ્યાને રાખીને દેશાણીના આક્ષેપોને નકારી કાઢીને એક ખરા કેળવણીકાર તરીકેનો પરીચય કરાવ્યો હતો.

સીન્ડીકેટ એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં કલાધર આર્ય અને ભરત રામાનુજ વચ્ચે પણ બઘડાટી બોલી ગઇ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગ્રેડની સાથે ગરીમાનું પણ કચ્ચરઘાણ નીકળતા આવનારા દિવસોમાં નવા-જુનીના પડઘમ વાગી રહયા છે. સતામંડળના સભ્યો હાલ મુક સભ્ય બનીને તમાસો જોઇ રહયા છે.

આઇકયુએસીને વીખેરી નાખીને નિષ્ણાંત તજજ્ઞોને સ્થાન આપવા ચક્રો ગતીમાન થયા છે.

(4:19 pm IST)