Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રાજકોટ જીલ્લામાં અને બહારના શહેરોમાં તમામ એસટી બસો રાબેતા મુજબઃ ડેપો ઉપર પોલીસ બંદોબસ્ત

રાજકોટ કલેકટર દ્વારા અગમચેતીરૂપે પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદારો મૂકયા...: રાજકોટ-ભાવનગર રૂટની ડાયવર્ટ કરાયેલ બસો સવારથી રાબેતા મુજબ દોડવા માંડીઃ જેઠવાનો નિર્દેશ

રાજકોટ તા. ૪ :.. રાજકોટના ધોરાજીના ભૂખી ચોકડીએ એસટી બસને આગ લગાડાતા ચોંકી ઉઠેલા એસટી તંત્ર પોલીસ તંત્ર-વહીવટી તંત્રે રાતોરાત પગલા ભર્યા હતાં.

રાજકોટ એસ. ટી. તંત્રે રાજકોટ-ભાવનગર રૂટની એસટી બસોને ડાયવર્ટ કરી ગોંડલ રોડ ચોકડી બાજુથી દોડાવી હતી, થોરાળા વિસ્તાર તરફથી નહી જવા સુચના અપાઇ હતી.

દરમિયાન આજે વહેલી સવારથી રાજકોટ જીલ્લાની અને બહારના શહેરો તરફ જતી કે ત્યાંથી આવતી તમામ બસો રાબેતા મુજબ દોડી રહ્યાનું અને કોઇ ઘટના બની નહી હોવાનું ડીવીઝનલ નિયામક  શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તેમણે ઉમેર્યુ હતું કે ગત રાત્રે ડાયવર્ટ કરાયેલ બસો પણ હવે નિર્ધારીત રૂટ મુજબ દોડી રહી છે.

શ્રી જેઠવાએ ઉમેર્યુ હતું કે તમામ ડેપો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અને જોખમ જેવુ જણાય તો નજીકના પોલીસ સ્ટેશને પહોંચી જવા ડ્રાઇવર-કંડકટરોને સુચના અપાઇ છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે બસ સળગાવવાની ઘટના અંગે રીપોર્ટ મંગાવ્યો છે,તેમજ અગમચેતીના પગલારૂપે શહેર-જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં નાયબ મામલતદારો મુકી દેવાયા છે, તે તમામને એકઝી. મેજી. ના પાવર અપાયા છે.

આ ઉપરાંત જોખમ જણાય તે હાઇવે ઉપર કે ગ્રામ્ય માર્ગમાં બસો નહી લઇ જવા પણ એસટીને સુચના અપાઇ છે.

(11:28 am IST)