Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

લાલપરીમાં વિશાલ કોળીએ ધરાર લગ્ન કરવા કહી યુવતિને ઢસડી ધમકી દીધી

પોલીસે વિશાલ અને તેના ભાઇ સુનિલની ધરપકડ કરીઃ મદદ કરનાર બેનવી ભરત સહિતની શોધખોળ : પોલીસ આવી ત્યાં ભાગી ગયોઃ કલાક પછી ભાઇ, બનેવી સહિતનાને લઇ તલવાર-ધોકા સાથે આવી ધમકી દીધી

રાજકોટ તા. ૩: લાલપરી મફતીયાપરામાં રહેતી ૧૮ વર્ષની યુવતિ સાથે પડોશમાં જ રહેતાં કોળી યુવાનને લગ્ન કરવા હોઇ પણ આ યુવતિએ ના પાડતાં ખાર રાખી તેણીને ગળાના ભાગેથી ડ્રેસ પકડી ઢસડી છેડતી કરી તેમજ મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. કોળી શખ્સ સાથે આ કૃત્યમાં તેનો ભાઇ અને બનેવી પણ સામેલ હોવાનું ખુલતાં ત્રણેય સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી લેવામાં આવી છે.

બી-ડિવીઝનના પી.એસ.આઇ. પી.બી. જેબલીયા અને હંસરાજભાઇ ઝાપડીયાએ ૧૮ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી તેના પડોશી વિશાલ જગદીશભાઇ ડાભી (કોળી), તેનો ભાઇ સુનિલ જગદીશભાઇ ડાભી તથા બનેવી ભરત (રહે. ગંજીવાડા) તથા બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૫૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

 યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ગઇકાલે ત્રણેક વાગ્યે મારા ઘર પાસે ઉભી હતી અને ફોન પર મારા સગા સાથે વાત કરી રહી હતી ત્યારે વિશાલ ડાભી બાઇક લઇને આવેલ અને મેં પહેરેલ ડ્રેસના ગળાના ભાગેથી પકડીને ખેંચીને મને ઢસડી હતી અને છેડતી કરી હતી. મેં રાડારાડ કરતાં મારા બા તથા ભાભી સહિતના આવી ગયા હતાં. જેથી વિશાલ ભાગી ગયો હતો. અમે પોલીસને જાણ કરતાં ગાડી આવી હતી. પણ ત્યારે વિશાલ મળ્યો નહોતો.

એકાદ કલાક બાદ તે તેના ભાઇ સુનિલ અને બનેવી ભરત તથા બીજા બે શખ્સો સાથે આવ્યો હતો અને તલવાર-ધોકા બતાવી મને તથા મારા ઘરનાને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી.  પોલીસે આ ફરિયાદ પરથી વિશાલ અને સુનિલની ધરપકડ કરી આકરી પુછતાછ કરી હતી.

(12:39 pm IST)