Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સતત બીજા દિવસે રાજ્‍યભરના સસ્‍તા અનાજના દુકાનદારોની જડબેસલાક હડતાલ : પૂરવઠા તંત્ર દ્વારા નોટીસોની ચેતવણી

૭૦ ટકા દુકાનદારોએ માલ ઉપાડયો નથી... પૈસા ભર્યા નથી... મફત દેવાનું થતું અનાજનું પણ વિતરણ બંધ : રાજકોટ શહેર - જિલ્લાના ૭૦૦ સહિત ૧૭ હજાર દુકાનદારો દ્વારા વિતરણ ઠપ્‍પ : હજારો લોકોને ધરમધક્કા : પૂરવઠા મંત્રીએ મંત્રણા માટે બોલાવ્‍યા : સમાધાન થવાની શક્‍યતા

રાજકોટ તા. ૩ : રાજ્‍યભરના સસ્‍તા અનાજના દુકાનદારો ગઇકાલથી કમીશન, માલમાં ઘટ, પોષણક્ષમ વળતર સહિતના એક ડઝન મુદ્દે હડતાલ ઉપર ઉતરી ગયા છે, રાજકોટ શહેર - જિલ્લામાં ૭૦૦ સહિત રાજ્‍યભરના ૧૭ હજાર દુકાનદારો હડતાલ ઉપર ઉતરી જતા અને માલ નહી ઉપાડી - પૈસા નહી ભરી, માલનું વિતરણ ઠપ્‍પ કરી દેતા હજારો ગરીબ કાર્ડ હોલ્‍ડરોને ધરમધક્કા થયા છે, ભારે દેકારો બોલી ગયો છે,

રાજકોટમાં દુકાનદાર એસો.ના આગેવાનો હિતુભા જાડેજા, મહેશ રાઠોડ વિગેરેના માર્ગદર્શન હેઠળ દુકાનદારોએ જડબેસલાક હડતાલ પાડી છે.

આગેવાનોએ જણાવેલ કે, પૂરવઠા મંત્રી આજે મંત્રણા માટે બોલાવ્‍યા છે, આ પહેલા ૨૦ હજાર કમીશન અંગે સરકાર એગ્રી થઇ હતી, પરંતુ માલમાં આવતી ઘટ અંગે સમાધાન ન થતા હડતાલ પાડવી પડી છે, આજે મંત્રીશ્રી નરેશભાઇ પટેલે બોલાવ્‍યા હોય સમાધાન થવાની શક્‍યતા છે.

દરમિયાન રાજકોટ પુરવઠાના ઝોનલ ઓફિસરો દ્વારા દુકાનદારોને જથ્‍થો ઉપાડી લ્‍યો, પૈસા ભરી દયો તેવું દબાણ શરૂ થયાનું બહાર આવ્‍યું છે, દુકાનદારોને ફોન કરી કારણદર્શક નોટીસોની ચેતવણી અપાઇ રહી છે, ૭૦ ટકા દુકાનદારોએ પૈસા ભર્યા નથી, માલ ઉપાડયો નથી, જેમણે માલ ઉપાડયો તેમણે વિતરણ ઠપ્‍પ કરી દીધું છે, મફત દેવાનું થતું અનાજનું પણ વિતરણ બંધ થઇ ગયું છે, ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં હાલ ભારે દેકારો છે.

(11:35 am IST)