Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજકોટથી નાથદ્વારા પૂનમ ભરવા જતા યાત્રાળુઓ માટે એસ.ટી.ની સ્‍લીપીંગ બસો દોડાવવા માંગ

પહેલા ખાનગી બસો દોડતી તે બંધ થઇ ગઇ : વિરપુર અને દ્વારકા માટે પણ આવી વ્‍યવસ્‍થા થઇ શકે : એસ.ટી. તંત્ર એ.સી. સ્‍લીપીંગ કોચ દોડાવે તે જરૂરી

રાજકોટ તા. ૩ : નાથદ્વારા પુનમ ભરવા જતા યાત્રાળુઓ માટે એસ.ટી. દ્વારા એ.સી.-સ્‍લીપીંગ કોચ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.ઉલ્લેખનીય છે કે અત્‍યાર સુધી દર પુનમે રાજકોટથી નાથદ્વારા પ્રાઇવેટ સ્‍લીપીંગ કોચ જતા હતા. જેમાં યાત્રીકો સવારે નાથદ્વારામાં મંગળા આરતીનો લાભ લઇ શકતા. આખો દિવસ ત્‍યાં પસાર કરી રાત્રે ફરી બસમાં બેસી બીજા દિવસે રાજકોટ આવી જતા. આવી જ રીતે જુનાગઢ, જામનગરથી પણ બસો નાથદ્વારા સુધી દોડતી હતી. પરંતુ હાલ આ પ્રાઇવેટ બસો બંધ થઇ જતા આવા પૂનમ ભરવા જતા યાત્રાળુઓની સુવિધા છીનવાઇ ગઇ છે. ત્‍યારે એસ.ટી. દ્વારા જો આ સમય ઉપર એ.સી. - સ્‍લીપીંગ કોચ દોડાવવામાં આવે તો નાથદ્વારા પુનમ ભરવા જતા યાત્રાળુઓને રાહત થશે. એવી જ રીતે વિરપુર જલારામ બાપાના દર્શને કે દ્વારકાધીશના દર્શને પૂનમ ભરવા જતા લોકો માટે પણ બસ વ્‍યવસ્‍થા એસ.ટી. નિગમે ગોઠવવી જોઇએ તેવી યાત્રાળુઓમાં માંગણી ઉઠી છે.

(11:26 am IST)