Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રણછોડનગરમાં ત્રણ દિવસ પહેલા ૭ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો: લુંટ, મારામારી, ચોરીમાં સામેલ કિશન ઉર્ફ ભદો અને બે સગીર પકડાયા: નામચીન લખનની શોધ

ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી. બસીયાની સૂચના મુજબ પીઆઇ વાય.બી.જાડેજા, પીઆઇ જે.વી.ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન.ડી.ડામોરની ટીમની કામગીરી: હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા જયદવેસિંહ પરમાર, ધર્મેશ ડાંગરની બાતમી

રાજકોટ: શહેરના સામા કાંઠે રણછોડનગરમાં  ત્રણેક દિવસ પહેલા રણછોડનગર ખાતે આવેલ કોમ્પલેક્ષમાં સાત દુકાનના તાળા તોડી ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી બે સગીર સહિત ત્રણને પકડી રૂ. ૧,૭૩,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રીઢા તસ્કરનુ નામ ખુલતા શોધખોળ થઈ રહી છે. 

ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિશન ઉર્ફે ભદો કરમશીભાઇ સુરેલા (ઉ.વ. ૧૮ રહે. ચુનારાવાડ શેરી નં. ૩) તથા બે સગીરને ચુનારાવાડમાંથી પકડી લીધા છે. જ્યારે લખન બચુભાઇ માલાણી (સલાટ) રહે. ચુનારાવાડ શેરી નં. ૧/૧૪નું નામ ખુલ્યું છે. આ શખસો પાસેથી પીતળની ટીલી તથા પીતળનુ અલગ અલગ મટીરીયલ ચાંદીનો ભુકો ચાંદીની વીટી નંગ ૧૩, ગુન્હામાં ઉપયોગ કરેલ સી.એન.જી. રીક્ષા નં. જી.જે.૨૭.વી. ૧૧૩૮ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આરોપીઓનો ગુન્હીત ઇતીહાસ.: પકડાયેલાઓમાં એક બાળકિશોર અગાઉ આંગડીયા લુંટ તથા સાયકલ ચોરીના ગુન્હામાં રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન તથા મોટર સાયકલ ચોરીના ગુન્હામાં રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનમાં સંડોવાયેલ છે તેમજ અન્ય બાળકિશોર રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે સાયકલ ચોરીમાં સંડોવાયેલ છે. તેમજ આરોપી કિશન ઉર્ફે ભદો કરમશીભાઇ સુરેલા અગાઉ રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુન્હામાં પકડાયેલ છે. ગુન્હો કરવાની એમ.ઓ. તથા પ્લાનીંગ: પકડવાનો બાકી છે તે આરોપી લખન બચુભાઇ માલાણી અગાઉ જે જગ્યાએ ચોરી કરવાની હોય તે જગ્યાની રેકી કરી અને તેના કહેવા મુજબ અન્ય આરોપી તેમજ બાળ કિશોર ભેગા મળી પોતાની ઓળખ ન થાય તે માટે રાત્રીના સમયે જયાં અવર જવર ન હોય તેવા કોમર્સીયલ એપાર્ટમેન્ટમાં લોખંડના સળીયા વડે સટરના તાળા તોડી તેમજ સટર ઉંચકી ચોરી કરવાની એમ.ઓ, ધરાવે છે.

શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, ખાસ પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમશ્રી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ શ્રી ભરત બી. બસીયાની સૂચના મુજબ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ સબ ઇન્સ્પેકટર એન.ડી.ડામોરની ટીમના હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર તથા હરદેવસિંહ રાઠોડ ધર્મેશભાઇ ડાંગરને મળેલી બાતમી આધારે આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળ, પોલીસ સબ ઇન્સ્પેકટર એન.ડી.ડામોર, હેડકોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, જયદવેસિંહ પરમાર, હરદેવસિંહ રાઠોડ, ધર્મેશભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. રણજીતસિંહ જાડેજા તથા નિતેષભાઇ બારૈયાએ કરી છે.

(10:34 am IST)