Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજકોટમાં ધાડપાડુ ગેંગ સાથે એસઓજીની જાંબાઝ ટીમની અથડામણઃ પીએસઆઇ અને એએસઆઇની હત્‍યાનો પ્રયાસઃ બે લૂંટારા ફાયરીંગમાં ઘવાયા

અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટીમાં રાતે પોણા ત્રણે પટેલ-પરસાણા પરિવારના બંગલામાં દાહોદ-એમપીની ૬ શખ્‍સોની ટોળકી કાવત્રુ ઘડી ધાડના ઇરાદે ઘુસી એ સાથે જ એસઓજીની ટીમ બાતમી પરથી પહોંચી ગઇ ને સર્જાયું ધમાસાણઃ ૪ પકડાયા, ૦૨ ફરાર : રાજેશભાઇ પરસાણા અને તેમના બે ભાઇઓ મળી ૧૨ લોકો સંયુક્‍ત પરિવારમાં રહે છેઃ ઘરધણીને ખબર પણ નહોતી કે બંગલાના ફળીયામાં લૂંટારૂ પહોંચ્‍યા છેઃ બંગલા બહાર ધબાધબી બોલી જતાં બધા જાગી ગયાઃ પીએસઆઇ ખેરની સર્વિસ રિવોલ્‍વર ઝૂંટવવા પ્રયાસ, એએસઆઇ સામે લૂંટારાએ પિસ્‍તોલ તાંકીઃ ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના અધિકારીઓનો કાફલો પહોંચ્‍યોઃ કાવત્રુ, ધાડ-હત્‍યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ, આર્મ્‍સ એક્‍ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહીઃ લૂટારાઓ પાસેથી એક પિસ્‍તોલ, ગણેશીયો, ડિસમીસ મળ્‍યા : ધાડપાડુ ગેંગ સાથે એસઓજીની જાંબાઝ ટીમની અથડામણઃ પીએસઆઇ અને એએસઆઇની હત્‍યાનો પ્રયાસ : ધાડપાડુઓના ધાણીફુટ પથ્‍થરમારામાં સોસાયટીના રહેવાસીઓના ઘણા વાહનોમાં પણ નુકસાન થયું : ત્રણ ભાગ્‍યા તેનો પીછો કરી એકને હેડકોન્‍સ. કિસનભાઇ આહિર અને દિવ્‍યરાજસિંહે દબોચ્‍યો : એક લૂંટારાએ એએસઆઇ વાંક સામે પિસ્‍તોલ તાંકી કહ્યું-‘જો અહિયા આયા તો આલી દઇશ'

લૂંટારૂ ટોળકી અને પોલીસ વચ્‍ચે ધમાસાણ : શહેરના અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટીમાં રાતે પોણા ત્રણેક વાગ્‍યે પરસાણા-પટેલ પરિવારના બંગલોમાં ધાડના ઇરાદે ઘુસેલી ટોળકી પોતાના પ્‍લાનમાં સફળ થાય એ પહેલા ચોક્કસ બાતમીને આધારે પહોંચી ગયેલી એસઓજીની ટીમે છ ધાડપાડુઓને દબોચી લીધા હતાં. જો કે આ ટોળકીએ એસઓજીની ટીમ સાથે ઝપાઝપી ચાલુ કરતાં અને પીએસઆઇની ગરદન પકડી લઇ હત્‍યાનો પ્રયાસ કરતાં પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ થતાં બે લૂટારા ઘાયલ થઇ ગયા હતાં. બીજા ચારને પણ પકડી લેવાયા હતાં. મધરાતે અહિ ફિલ્‍મી દ્રશ્‍યો સર્જાયા હતા. તસ્‍વીરમાં જ્‍યાં ધાડપાડુ ત્રાટક્‍યા એ રિધ્‍ધી સિધ્‍ધી બંગલો, લૂંટારા ફળીયામાં જે ટેબલ પરથી બાલ્‍કનીમાં ઘુસ્‍યા'તા એ ટેબલ, લૂંટારાઓએ ઘા કરેલા પથ્‍થરો, નીચેની તસ્‍વીરમાં ફાયરીંગ થતાં લૂંટારૂ ઘવાતાં ઉડેલુ લોહી, પરસાણા પરિવારના લોકો તથા ઘટના સ્‍થળે ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાથે પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એસ. વી. ડાંગર, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ સહિતના અને અન્‍ય તસ્‍વીરોમાં ઘટના સ્‍થળે પડેલુ આરોપીનું ચપ્‍પલ, લોહીનુ ખાબોચીયુ, સિવિલ હોસ્‍પિટલ ખાતે એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી ટ્રાફિક વી.આર. મલ્‍હોત્રા, પીઆઇ કે. એ. વાળા અને સ્‍ટાફ તથા ઘાયલ થયેલા પીએસઆઇ ડી. બી. ખેર અને એક લૂંટારૂ સારવાર હેઠળ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
 રાજકોટ તા. ૬: શહેરના અમિન માર્ગ પર આવેલી ચિત્રકુટધામ સોસાયટીમાં મોડી રાતે પોણા ત્રણેક વાગ્‍યે દાહોદ-એમપીની પેન્‍ટ-બનીયાનધારી છ શખ્‍સોની ધાડપાડુ ટોળકી પરસાણા-પટેલ પરિવારના ‘રિધ્‍ધી સિધ્‍ધી' નામના બંગલોમાં ત્રાટકતાં તે વખતે જ નાઇટ પેટ્રોલીંગમાં રહેલી શહેર એસઓજીના પીએસઆઇ ડી. બી. ખેર અને ટીમ ત્‍યાં પહોંચી બંગલોના ફળીયામાં ઘુસેલા ધાડપાડુઓને કોર્ડન કરી લેતાં જ પથ્‍થરમારો શરૂ થયો હતો. એ પછી એક પછી એક છએય વંડી ટપી બહાર આવી ગયા હતાં અને પોલીસ પર પથ્‍થરમારો ચાલુ કર્યો હતો. જ્‍યારે બે શખ્‍સોએ પીએસઆઇ પર તૂટી પડી તેમની ગરદન દબોચી લઇ હત્‍યાનો પ્રયાસ કરતાં જીવ સટોસટની બાજી ખેલાઇ હતી. પીએસઆઇની સર્વિસ રિવોલ્‍વર ખુંચવી લેવા પ્રયાસ થતાં અને એક લૂંટારૂએ તેમની સામે તથા બચાવવા આવેલા એએસઆઇ સામે પિસ્‍તોલ તાંકતા એએસઆઇએ ધડાધડ ત્રણ ફાયર કરી જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં બે લૂંટારા ઘવાયા હતાં.
એસઓજીની ટીમે  ચાર લૂંટારાઓને દબોચી લીધા હતાં. જ્‍યારે બે ભાગી ગયા હતાં. જાંબાઝ એસઓજીની ટીમના ઘરધણીએ ભરપેટ વખાણ કરી તેમની સરખામણી ભગવાન સાથે કરી હતી.
સનસનાટીભરી સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે શહેરના અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટી-૨ પ્‍લોટ નં. ૧૭-બી ‘રિધ્‍ધી સિધ્‍ધી' નામના રાજેશભાઇ ઠાકરશીભાઇ પરસાણા (પટેલ) (ઉ.વ.૬૨)ના બંગલોમાં રાત્રીના પોણા ત્રણેક વાગ્‍યે છ જેટલા ચડ્ડી-પોતડી-બનીયાન પહેરેલા ધાડપાડુ વંડી ઠેંકીને ફળીયામાં ઘુસતાં આ વખતે જ ત્‍યાં નાઇટ પેટ્રોલીંગમાં રહેલા એસઓજીના પીએસઆઇ ડી. બી. ખેર અને ટીમ પહોંચતા કોર્ડન કરી લીધો હતો અને અને ફળીયામાં ચાર તથા બે લૂંટારા બંગલોની ગેલેરીમાં દેખાતાં તેને સરન્‍ડર કરવા ચેતવણી આપી હતી. પોતીયા-પેન્‍ટ-ગંજી પહેરેલા છ જેટલા લૂંટારૂ આ બંગલોના ફળીયામાં વંડી ઠેંકીને ઘુસી ગયા હતાં. એ  પૈકી બે લૂંટારા ફળીયામાં પડેલા મોટા ટેબલ પર ચડી પહેલા માળની ગેલેરી સુધી પહોંચી ગયાનું જણાયું હતું. આ ટોળકીને એસઓજીની ટીમે પડકારતાં જ બધાએ પોતાની પાસેના પથ્‍થરમારો ચાલુ કર્યો હતો.
એ પછી આ છએય વંડી ઠેંકી બંગલો બહાર આવી ગયા હતાં અને પોલીસ પર પથ્‍થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં  બે લૂંટારાઓએ પીએસઆઇ ડી. બી. (ધર્મેશભાઇ ભરતભાઇ) ખેર (ઉ.વ.૩૧)ની સાથે ઝપાઝપી ચાલુ કરી પથ્‍થરથી તેમને હાથમાં ઇજા પહોંચાડી હતી અને તેમની ગરદન દબાવી દઇ હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. દેકારો થતાં બંગલોના રહેવાસી પરસાણા પરિવારના સભ્‍યો જાગી ગયા હતાં અને બાલ્‍કનીમાંથી જોતાં પોતાના ફળીયામાં પોલીસ અને લૂંટારા વચ્‍ચે ધમાસાણ ચાલી રહ્યાની ખબર પડી હતી. લૂંટારાએ પીએસઆઇ ખેરની સર્વિસ રિવોલ્‍વર ખુંચવી લેવા પ્રયાસ કરતાં અને તેમની સામે તેમજ બચાવવા આવેલા એએસઅઇાની સામે એક લૂંટારાએ પિસ્‍તોલ તાંકતા જ એએસઆઇ આર. ડી. વાંકે પીએસઆઇ ખેરને અને પોતાને બચાવવા પોતાની સર્વિસ રિવોલ્‍વરમાંથી ફાયરીંગ કર્યા હતાં.  
ઘાયલ થયેલા આ બંને લૂંટારા અને પીએસઆઇ ડી. બી. ખેરને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ માલવીયાનગર પોલીસમાં નોંધ કરાવી હતી. લૂંટારાઓમાં એકનું નામ કલો ઉર્ફકલુ જીતાભાઇ ગોંઢીયા (ઉ.વ.૩૦-રહે. દાહોદ, ગોધરા) અને બીજો અજાણ્‍યો (ઉ.વ.૩૦) હોવાનું જણાયું હતું. જેમાં કલાને બેઠકના ભાગે અને અજાણ્‍યાને પડખામાં ફાયરીંગથી ઇજા પહોંચી હોઇ ઓપરેશન માટે લઇ જવાયા હતાં. પીએસઆઇ ડી. બી. ખેરને હાથ, ગરદન પર ઇજા પહોંચી હોઇ ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, પીએસઆઇ પરમાર, ડીસીબીના એએસઆઇ બી. જે. જાડેજા, કનકસિંહ, મહિપાલસિંહ, ચેતનસિંહ ગોહિલ, ઘનુભા ચોૈહાણ, ભરતભાઇ વનાણી, શૈલેષભાઇ ભીસડીયા સહિતનો કાફલો તેમજ એસીપી ટ્રાફિક વી.આર. મલ્‍હોત્રા સહિતનો કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો. પ્ર.નગર પીઆઇ કે. એ. વાળા સહિતની ટીમ હોસ્‍પિટલ ખાતે પહોંચી હતી.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે એસઓજીના એએસઆઇ રવિભાઇ દિલીપભાઇ (આર. ડી.) વાંકની ફરિયાદ પરથી દિનેશ વિછયાભાઇ ગોડીયા (આદિવાસી) (ઉ.૩૨-રહે. કતવારા અગાવાડા ગામ તા. જી. દાહોદ), ચકરા મેઘાભાઇ આદિવાસી (રહે. અઘાવાડા ગામ તા. જી. દાહોદ), મલન દિતાભાઇ  ગોડીયા (ઉ.૩૦-રહે. અઘાવાડા તા. જી. દાહોદ), કાળો કરણસિંહ હઠીલા (રહે. કુશલપુરા તા. રાણાપુર જી. જાંબુવા એમપી), દિલીપ વિરછીયાભાઇ હઠીલા (રહે. જાંબુવા એમપી) અને હિમસંગ (રહે. ખરચ તા. દાહોદ) વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૪૫૦, ૩૯૮, ૩૩૨, ૩૩૭, ૩૨૪, ૩૨૩, ૧૨૦ (બી), ૪૨૭, ૫૦૬ (૨) તથા આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧) (૧-બી) મુજબ કાવત્રુ ઘડી ધાડ પાડવાના ઇરાદે ફાયર આર્મ્‍સ ધારણ કરી શરીરે ચીકાસ પડતો પદાર્થ ચોપડી મકાનમાં ગેરકાયદે પ્રવેસી કાવત્રાને અંજામ આપતી વખતે પોલીસ આવી જતાં તેમના પર પથ્‍થરમારો કરી તેમજ પીએસઆઇ ખેરનું ગળુ દબાવી ગણેશીયાથી ઇજા કરી જીવલેણ હુમલો કરી તેમજ આસપાસના વાહનોને નુકસાન કરી એએસઆઇ આર. ડી. વાક સામે હથીયાર તાંકી તેમને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
એએસઆઇ આર. ડી. વાંકે એફઆઇઆરમાં જણાવ્‍યું છે કે-હું એસઓજી શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવુ છું અને મારી નોકરી ફિલ્‍ડ વિસ્‍તારમાં છે. તા. ૨ના રાતે નવ વાગ્‍યે હું તથા પીએસઆઇ ડી. બી. ખેર, સાથે ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, અજયભાઇ ચોૈહાણ, ઇન્‍દ્રજીતસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, ફિરોઝભાઇ રાઠોડ, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર તથા દિવ્‍યરાજસિંહ ઝાલા એમ બધા નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે રાતે અઢીથી પોણા ત્રણ દરમિયાન છ બુકાનીધારી શંકાસ્‍પદ શખ્‍સો ચિત્રકુટધામ સોસાયટી-૨ના ખુણા પર આવેલા મકાનની પ્રથ માળની ગેરલી તથા મકાનના વરંડાની અંદર હિલચાલ કરતાં જોવા મળતાં તુરત જ પીએસઆઇ ખેરની સુચના મુજબ ટીમના માણસોએ તે મકાને કોર્ડન કરી લીધું હતું.
પીએસઆઇ ખેર ગેઇટ પાસે પહોંચ્‍યા હતાં અને અંદર ઘુસેલા માણસોને પોલીસની ઓળખ આપી પડકાર્યા હતાં. પરંતુ આ શખ્‍સોએ ઓચીંતા જ પથ્‍થમારો ચાલુ કર્યો હતો અને બધા ઘરના ફળીયામાંથી બહાર આવી ભાગવા માંડયા હતાં. તે વખતે પીએસઆઇ ખેર તેને પકડવા જતાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. એ પૈકી એક શખ્‍સને પીએસઆઇ ખેરે મજબુતીથી પકડી લેતાં તેને છોડાવવા તેનો સાગ્રીત આવ્‍યો હતો અને તેણે પીએસઆઇ ખેરના હાથ પર ગણેશીયાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ બીજા શખ્‍સે તેમનું ગળુ દાબી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન એક લૂંટારાએ પોતાની પાસેની બંદુક કાઢી પીએસઆઇ ખેર સામે તાંકી હતી અને સાગ્રીતને છોડી દે નહિ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બીજી તરફ બીજા શખ્‍સોએ પોલીસ ઉપર પથ્‍થરમારો ચાલુ રાખ્‍યો હતો. આ દરમિયાન પીએસઆઇ ખેરે તમામ ટીમને પોતાની તરફ આવવા મોટેથી અવા જ કરતાં અમે બધા તેમની નજીક ગયા હતાં.
જે શખ્‍સના હાથમાં બંદુક હતી તેનું નાળચુ તેણે મારી (આર. ડી. વાંક) તરફ કરી ‘જો અહિયા આયા તો આલી દઇશ' તેમ ધમકી આપી હતી. આથી પીએસઆઇ ખેર અને અમારા જીવ પર જોખમ જણાતાં મેં મારી સર્વિસ રિવોલ્‍વરમાંથી પીએસઆઇ ખેરને મારવાનો પ્રયાસ કરનારા શખ્‍સોની દિશામાં બે રાઉન્‍ડ ફાયર કરતાં બે શખ્‍સો ઇજાગ્રસ્‍ત થયા હતાં. જેને અમારી ટીમે તુરત દબોચી લીધા હતાં. આ દરમિયાન ધાડપાડુઓ પૈકીના ત્રણ રોડ તરફ ભાગતાં તેનો પીછો કરાયો હતો. હેડકોન્‍સ. કિશનભાઇ આહિર, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ તેની પાછળ દોડયા હતાં. આ શખ્‍સોએ પોતાના શરીર પર ચીકણો પદાર્થ લગાડયો હોઇ તેને પકડવા જતાં હાથ લપસી જતાં હતાં. જે શખ્‍સ પાસે હથીયાર (બંદૂક) હતું તે સ્‍થળ પર જ પડી ગયો હતો. કિશનભાઇ અને દિવ્‍યરાજસિંહે એક શખ્‍સને પકડી લીધો હતો. બીજા બે હથીયારધારી શખ્‍સો ભાગી ગયા હતાં. પીએસઆઇ ખેરને હાથના ભાગે તથા પેટ અને કમરના ભાગે ઇજા થઇ હતી. ધાડપાડુ ગેંગના પથ્‍થરમારામાં સોસાયટીમાં પડેલા વાહનોમાં પણ નુકસાન થયું હતું. આ બનાવની જાણ એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રાએ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં કરી મદદ મોકલવા જણાવ્‍યું હતું. પીએસઆઇ ખેરનું ગળુ દબાવનારા શખ્‍સનું નામ પુછતાં તેણે પોતાનું નામ દિનેશ વિછયાભાઇ ગોડીયા જણાવેલ, જયારે જેના હાથમાં બંદૂક હતી તેનું નામ ચકરા મેઘાભાઇ હોવાનું દિનેશે કહ્યું હતું. તેમજ જેના હાથમાં ગણેશીયો હતો તેનું નામ કલા દિત્તાભાઇ ગોડીયા હોવાનું જણાવાયું હતુ. જ્‍યારે ભાગતી વખતે પકડાયેલા શખ્‍સનું નામ કાળો કરણસિંહ હઠીયા હોવાનું કહેવાયું હતુ. જ્‍યારે ભાગી ગયેલા બે શખ્‍સોમાં એક દિલીપ (રહે. જાંબુવા) તથા બીજો હીમસંગ (રહે. ખરચ દાહોદ) હોવાનું જણાવાયું હતું. પીએસઆઇ ખેર તથા ઘાયલ થયેલા બે આરોપીને હોસ્‍પિટલે લઇ જવાયા હતાં. તેમ આર. ડી. વાંકે જણાવતાં પીઆઇ કે. એન. ભુકણ, ડીસીબી રાઇટર ભરતભાઇ વનાણી, રાઇટર શૈલેષભાઇ ખીહડીયા સહિતે ગુનો દાખલ કર્યો હતો.
 ઝડપાયેલાઓની વિશેષ પુછતાછ માટે  વિધીસર ધરપકડ બાદ આગળની કાર્યવાહી થશે. ઘરધણી રાજેશભાઇ પરસાણાએ કહ્યું હતું કે અમારા માટે પોલીસ ભગવાની બનીને આવી હતી. પૈસા મહત્‍વના નથી પણ જો પોલીસ ન હોત તો કદાચ અમારા ઘરના એકાદ બે જણાની કદાચ આ લૂંટારૂઓ લોથ ઢાળી દે તેવો ભય હતો. આ ઘટનાએ શહેરભરમાં સનસનાટી મચાવી દીધી હતી. ઉચ્‍ચ અધિકારીઓએ જીવના જોખમે ધાડપાડુઓને દબોચી લેનારી સમગ્ર એસઓજી ટીમને અભિનંદન પાઠવ્‍યા હતાં.

પીએસઆઇ ખેરનો અને પોતાનો જીવ બચાવવા એએસઆઇ આર. ડી. વાંકે ત્રણ રાઉન્‍ડ ફાયર કર્યા
ધાડપાડુએ એએસઆઇ વાંક સામે પિસ્‍તોલ તાંકી હતી, પણ ભડાકો કરવાની તક ન મળીઃ ગણેશીયો, ડિસમીસ પણ કબ્‍જે

 ધાડપાડુ ટોળકી કાવત્રુ ઘડી પુરતી તૈયારી સાથે આવી હતી. ધાડપાડુ પાસેથી એક પિસ્‍તોલ ઉપરાંત ગણેશીયો અને ડિસમીસ મળ્‍યા છે. પથ્‍થરો પણ આ ટોળકી સાથે લાવી હતી. જો કે પોતાની પાસેની પિસ્‍તોલનો ઉપયોગ કરવાની તક એસઓજીની ટીમે તેને આપી નહોતી. એમપી અને દાહોદની લૂંટારૂ ટોળકી પુરતી તૈયારી સાથે આવી હતી. જો કે આ ટોળકી બંગલોમાં ઘુસી પોતાનો ઇરાદો પાર પાડે એ પહેલા એસઓજીની ટીમ પહોંચી ગઇ હતી અને તમામને દબોચી લીધા હતાં. એ પહેલા બે લૂંટારૂઓએ પીએસઆઇ ડી. બી. ખેરને દબોચી તેમની ગરદન પકડી લેતાં અને ઝપાઝપી કરી તેમને ગણેશીયાથીઇજા કરી તેમની સર્વિસ રિવોલ્‍વર ઝૂંટવી લેવા પ્રયાસ કરતાં જ એએસઆઇ આર. ડી. વાંકે મોરચો સંભાળી લીધો હતો અને પીએસઆઇ ખેરને બચાવવા આવતાં લૂંટારાએ તેમની તરફ પિસ્‍તોલ તાંકી મારી નાખવાનો પ્રયાસ કરતાં આર. ડી. વાંકે પોતાની સર્વિસ રિવોલ્‍વરમાંથી ત્રણ રાઉન્‍ડ ફાયર કર્યા હતાં. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બે ફાયરીંગથી બે લૂંટારા ઘાયલ થયા હતાં. પોલીસે આ બે તથા અન્‍ય બે આરોપીને દબોચી લીધા હતાં. જ્‍યારે બે આરોપી ભાગી ગયા હતાં. ઝડપાયેલા આરોપીઓની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. ફાયરીંગમાં એક આરોપી ગંભીર હાલતમાં છે.

લૂંટારૂ ટોળકીએ શરીરે પર તેલ જેવું ચીકણું પ્રવાહી ચોંપડયું હતું
 દાહોદ-ગોધરા તરફના આ લૂંટારૂની ટોળકી મોટે ભાગે તહેવાર દરમિયાન ત્રાટકતી હોય છે. કોઇ જાગી જાય તો હુમલો કરવા માટે આ લોકો મોટે ભાગે પથ્‍થરનો ઉપયોગ કરતાં હોય છે. ઝપાઝપીમાં પકડાઇ ન જાય એ માટે શરીરે તેલ જેવુ ચીકણું પ્રવાહી લગાવીને આવતાં હોય છે. જો કે આટલી તૈયારી હોવા છતાં એસઓજીની જાંબાઝ ટીમ સામે આ ધાડપાડુઓની કારી ફાવી નહોતી અને ચાર લૂંટારા દબોચાઇ ગયા હતાં.

ધાડપાડુઓએ ફળીયામાં પહોંચીને સોૈ પહેલા બે સીસીટીવી કેમેરા ઢાંકી દીધા
 છ ધાડપાડુ રિધ્‍ધી સિધ્‍ધી બંગલોની ત્રણેક ફુટ ઉંચી દિવાલ ઠેંકીને ફળીયામાં પહોંચ્‍યા હતાં. એ સાથે જ તેમણે ફળીયાના બે સીસીટીવી કેમેરા હતાં તેને લુંગી કે બીજા કોઇ કપડાથી ઢાંકી દીધા હતાં. એ પછી બે લૂંટારા ટેબલ પર ચઢી પહેલા માળની બાલ્‍કની સુધી પહોંચ્‍યા હતાં. અહિથી દરવાજો તોડીને કે પછી બીજો કોઇ રસ્‍તો અપનાવી રૂમમાં ઘુસે એ પહેલા જ એસઓજીની ટીમ આવી ગઇ હતી અને તેની સાથેની અથડામણમાં બે લૂંટારા ઘાયલ થયા હતાં અને આ બે સહિત બીજા બે પકડાઇ ગયા હતાં. જ્‍યારે બે ભાગી ગયા હતાં.

લૂંટારા અણીદાર પથ્‍થરોની થેલીઓ ભરીને આવ્‍યા હતાં
 છ ધાડપાડુ અણીદાર નાના પથ્‍થરોની થેલીઓ ભરીને આવ્‍યા હતાં. આ પથ્‍થરોથી જ બધાએ એસઓજીની ટીમ પર હુમલો કર્યો હતો. તેમજ ઝપાઝપી બાદ પીએસઆઇની ગરદન પકડી લઇ તેમની હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પીએસઆઇ ખેરએ સર્વિસ રિવોલ્‍વરમાંથી ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કર્યા હતાં. જેમાં બે લૂંટારા ઘાયલ થઇ ગયા હતાં. પીએસઆઇને પણ હાથમાં લૂંટારૂઓની ઝપાઝપી અને પથ્‍થરમારાને કારણે ઇજા પહોંચી હતી. ત્રણેયને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

આઠ મહિના પહેલા પણ રિધ્‍ધી સિધ્‍ધી  બંગલોમાં એક ચોર ઘુસ્‍યો હતો
બંગલો માલિક રાજેશભાઇ પરસાણાએ જણાવ્‍યું હતું કે આઠેક મહિના પહેલા પણ અમારા ઘરમાં મોડી રાતે ઉપરના માળેથી એક શંકાસ્‍પદ ચોર આવ્‍યો હતો. તે વખતે અમારા ઘરના લોકો જાગી જતાં લાઇટો ચાલુ કરી હાકલા પડકારા કરતાં ભાગી ગયો હતો. ત્‍યારે કોઇ ફરિયાદ નોંધાવી નહોતી.

એસઓજીને ચોક્કસ બાતમી મળી અને ટોળકી દબોચાઇઃ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ
 ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે શહેર પોલીસની અલગ અલગ ટીમો મિલ્‍કત સંબંધી ગુનાઓ અટકાવવા અને શકમંદોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળતાં ધાડપાડુઓ બંગલોમાં ઘુસ્‍યા એ સાથે જ પીએસઆઇ ડી. બી. ખેર અને ટીમ ત્‍યાં પહોંચી હતી. પરંતુ લૂંટારાઓએ હુમલો કરતાં આ ટીમે સામનો કરી તમામને સકંજામાં લઇ લીધા હતાં. આ ધાડપાડુ ગેંગ હથીયારો સાથે આવી હતી. ધાડનો ઇરાદો હતો. પરંતુ એસઓજીની ટીમ સાથે ઝપાઝપી કરી હતી અને હથીયારો વડે હુમલો કર્યો હતો. જેમાં જવાબી કાર્યવાહીમાં બે ધાડપાડુ ઇજાગ્રસ્‍ત થયા હતાં.

 

પોતાનો અને પીએસઆઇ ખેરનો જીવ બચાવવા ફાયરિંગ કરનાર એએસઆઈ આર.ડી. વાંક

(3:52 pm IST)