Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

પોરબંદરના મંડેરમાં ૬૫ વર્ષના પતિ સાથે ચડભડ થતાં ૭૦ વર્ષના ભનીબેન સળગ્‍યાઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૩: દંપતિઓ વચ્‍ચે કોઇને કોઇ વાતે ચડભડ થતી રહેતી હોય છે. અમુક ઉમર બાદ આ બધુ બંધ થઇ જતું હોય છે. પરંતુ પોરબંદરના મંડેર ગામે ૭૦ વર્ષના વૃધ્‍ધાને પોતાનાથી પાંચ વર્ષના નાના ૬૫ વર્ષના પતિ સાથે ચડભડ થતાં અગ્નિસ્‍નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દીધો હતો.

મંડેર ગામે રહેતાં ભનીબેન બચુભાઇ મોકરીયા (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધાએ તા. ૨૯/૫ના રોજ ઘરના રૂમમાં શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કરી લેતાં પોરબંદર અને જામનગર સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભનીબેનના પતિ બચુભાઇએ જણાવ્‍યું હતું કે હું ખેત મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. મારે બે દિકરા છે પણ તે અલગ રહે છે. હું અને પત્‍નિ ભનીબેન સાથે રહેતાં હતાં. અમારે પતિ-પત્‍નિને કામ સહિતની જીણી જીણી વાતે માથાકુટ થતી હતી. ૨૯મીએ પણ ઝઘડો થયો હતો. આ કારણે તેણીએ અગ્નિસ્‍નાન કર્યુ હતું. ઠારવા જતાં હું પણ દાઝી ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે માધવપુર પોલીસને જાણ કરી હતી.

(12:20 pm IST)