Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

હત્યાની કોશિષ-પાસામાં સામેલ હાર્દિકસિંહે પડોશી ૧૯ વર્ષના દેવેનને ધોકાવી ૫.૨૫ લાખ લૂંટી લીધા

સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર શાક માર્કેટ પાસે સોમવારે બનેલી ઘટનામાં ગુનો નોંધાયો : મોબાઇલની દૂકાનમાં નોકરી કરતાં હાર્દિકના શેઠ અંકિતભાઇ પારેખની આ રકમ હતીઃ તે ગોવા હોઇ ઉઘરાણીના આવેલા પૈસા હાર્દિકે એકટીવામાં રાખ્યા'તા ડેકી ખોલતાં હાર્દિકસિંહ જોઇ ગયો ને લૂંટ કરી : યુનિવર્સિટી પોલીસે હાર્દિકસિંહ, રામ કારાવદરા અને અજાણ્યા સ્વીફટ કાર લઇને આવેલા શખ્સ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩: સાધુ વાસવાણી રોડ પર મુરલીધર ચોક પાસે વિનાયક કોમ્પલેક્ષમાં આવેલી સ્માઇલ મોબાઇલ નામની દૂકાનમાં નોકરી કરતાં સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી સામે કૈલાસ પાર્ક-૯માં રહેતાં દેવેન રાજેશભાઇ જોટાણીયા (પ્રજાપતિ) (ઉ.વ.૧૯)ને ચાર દિવસ પહેલા તે શેઠ અંકિતભાઇ નિલેશભાઇ પારેખની ઉઘરાણીના આવેલા ૬ લાખ એકટીવાની ડેકીમાં રાખી તેમાંથી ૭૫ હજાર શેઠના કહેવા મુજબ સાધુ વાસવાણી રોડ પર શેઠના મિત્રને દેવા ગયો ત્યારે ત્યાં તેનો પડોશી હાર્દિકસિંહ ઉભો હોઇ તે ડેકીમાં પૈસા જોઇ જતાં તેને ધમકાવી ચાવી પડાવી લઇ માર મારી એકટીવામાં બેસાડી ગુરૂજીનગરની શાક માર્કેટ પાસે લઇ જઇ બીજા બે શખ્સોને બોલાવી માર મારી રૂ. સવા પાંચ લાખ લૂંટી લેતાં આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે. હાર્દિકસિંહ અગાઉ હત્યાની કોશિષમાં સંડોવાઇ ચુકયો છે અને પાસામાં જઇ આવ્યો છે. તેના સહિત ત્રણ આરોપીની શોધખોળ થઇ રહી છે.

પોલીસે દેવેનની ફરિયાદ પરથી તેના જ પડોશમાં રહેતાં તેના પરિચિત હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા, રામ કારાવદરા અને જીજે૦૩ઇએલ-૩૨૩૪ નંબરની સ્વીફટ કાર લઇને આવેલા અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૯૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. દેવેને પોલીસને જણાવ્યું છે કે તે એક વર્ષથી અંકિતભાઇ પારેખની સ્માઇલ મોબાઇલ પ્રા.લિ. કે જે સાધુ વાસવાણી રોડ પર આવેલી છે તેમાં નોકરી કરે છે. તેના પિતાને યુનિવર્સિટી રોડ પર સોડાની લારી છે. તેનો મોટો ભાઇ અમદાવાદ નોકરી કરે છે.

૨૭/૨ના રોજ તેના શેઠ અંકિતભાઇ ગોવા ગયા હોઇ દૂકાને પોતે અને શેઠના પિતા નિલેષભાઇ બેઠા હતાં. સવારે દસ વાગ્યે દૂકાન ખોલી બપોરે એક વાગ્યે જમવા માટે બંધ કરવામાં આવતી હતી. સાંજે ચાર વાગ્યે ફરી દૂકાન ખોલી રાતે નવ વાગ્યે બંધ કરવામાં આવતી હતી. ૧/૩ના બપોરે પોતે જમવા ઘરે ગયો હતો ત્યારે પોણા ત્રણેક વાગ્યે શેઠ અંકિતભાઇએ ગોવાથી ફોન કરી પોતાના મિત્ર દિલીપભાઇ કે જે ગંગોત્રી પાર્ક મેઇન રોડ શિલ્પન ઓનેકસ પાસે છે ત્યાંથી છ લાખ રૂપિયા લઇ આવવા કહેતાં પોતે ભારત કોટનવાળા અબ્દુલભાઇનું એકટીવા જીજે૦૩એલકે-૫૫૧૦ લઇને ગયો હતો અને રૂ. છ લાખ લાવ્યો હતો. આ રકમ એકટીવાની ડેકીમાં જ રાખી હતી અને શેઠને ફોન કરતાં તેણે દુકાને રૂપિયા રાખી દેવાનું કહ્યું હતું.

એ પછી દેવેન દૂકાને જતો હતો ત્યાં શેઠનો ફરી ફોન આવેલો અને સાધુવાસવાણી રોડ મોમ્સ હોટેલ પાસે ડિલકસ પાને નિકુંજભાઇ ઉભા હોઇ તેને રૂ. ૭૫ હજાર આપી દેવાનું કહેતાં દેવેન બપોરે ત્રણેક વાગ્યે ત્યાં જતાં નિકુંજભાઇ ઉભા હોઇ તેને એકટીવાની ડેકી ખોલી ૬ લાખમાંથી ૭૫ હજાર દીધા હતાં. આ વખતે દેવનનો પડોશી હાર્દિકસિંહ પણ ઉભો હોઇ તે ડેકીમાં રૂપિયા જોઇ જતાં તેમાંથી ૫ હજાર પોતાને આપવાનું કહેતાં દેવેને રકમ શેઠની છે ન આપી શકાય તેમ કહી શેઠ સાથે વાત કરાવતાં શેઠ અંકિતભાઇએ તેને જવા દેવા કહ્યું હતું.

પરંતુ હાર્દિકસિંહે દેવેનને જવા ન દઇ એકટીવાની ચાવી કાઢી લઇ બાદમાં પાછળ બેસી જા નહિતર માર ખાવો પડશે તેમ કહી ગુરૂજીનગર રોડની શાક માર્કેટ પાસેની શેરીમાં લઇ ગયો હતો. ત્યાં તેણે ફોન કરતાં કોઇ રામ કારાવદરા અને એક સ્વીફટ કાર લઇને અજાણ્યો શખ્સ આવ્યો હતો. આ ત્રણેયએ મળી ઢીકાપાટુનો માર મારી ઝાપટો મારી પૈસા નહિ આપ તો પતાવી દેવો પડશે તેવી ધમકી આપી હતી અને ડેકીમાંથી ૫,૨૫,૦૦૦ લૂંટી લીધા હતાં અને કારમાં બેસી ભાગ્યા હતાં. દેવેને તેનો પીછો કર્યો હતો, આગળ ટ્રાફિકમાં તેની કાર ઉભી રહેતાં હાર્દિકસિંહ અને રામે કહેલ કે તારા શેઠને કહી દેજે રૂપિયા નથી દેવા, થાય એ કરી લ્યે. તેમ કહી કાર ભગાવી મુકી હતી.

એ પછી દેવેને શેઠને ફોનથી વાત કરી હતી અને પોતે દૂકાને ગયો હતો. શેઠના મિત્ર ઉમેશભાઇ દૂકાને આવતાં સમગ્ર ઘટનાની વાત તેને કહી હતી. એ પછી ઉમેશભાઇ અને દેવેન હાર્દિકસિંહના ઘરે ગયા હતાં. પરંતુ ઘર બંધ જોવા મળ્યું હતું.  હાર્દિકનો ફોન પર સંપર્ક કરતાં પોતે રૂપિયા પાછા આપી દેશે તેવું કહેતો હતો. પરંતુ ગત સાંજ સુધી તેણે પૈસા ન આપતાં અંતે પોલીસ સુધી વાત પહોંચી હતી. યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. વોરાએ ગુનો નોંધ્યો છે. પીએસઆઇ એ. બી. જાડેજા અને ડી. સ્ટાફની ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(4:38 pm IST)