Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પ્રહલાદ પ્લોટમાં ક્રાઇમ બ્રાંચનો ઘરમાં દરોડોઃ વરલી રમાડતાં પિતા-પુત્ર ઝડપાયા

૧૪૮૨૦ રોકડા, ૧૭ મોબાઇલ, ૧૯ ચિઠ્ઠીઓ કબ્જેઃ પુત્ર પાસેથી દારૂ મળતાં અલગથી ગુનોઃ પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૩: પ્રહલાદ પ્લોટ-૨૭માં રહેતાં મહેન્દ્ર ઉર્ફ મનુભાઇ હરખચંદ ખેતાણી (ઉ.વ.૭૨) અને તેનો પુત્ર નૈમિષ (ઉ.વ.૩૪) ઘરમાં વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડતાં હોવાની બાતમી એએસઆઇ જે. વી. નિમાવત, રાજદિપસિંહ ગોહિલ અને હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી બંનેને પકડી લઇ ૧૯ ચિઠ્ઠીઓ, બે બોલપેન, રોકડા રૂ. ૧૪૨૮૦ તથા અલગ-અલગ કંપનીના આધાર પુરાવા વગરના ૧૯૨૦૦ના ૧૭ મોબાઇલ ફોન મળી આવતાં તે શકપડતી મિલ્કત તરીકે કબ્જે લીધા હતાં. નૈમિષના ખાનામાંથી હન્ડ્રેડ પાઇપર્સ દારૂ આશરે ૨૦૦ એમએલ મળતાં તે પણ કબ્જે કરી તે અંગે અલગથી ગુનો નોંધાયો હતો.

પોલીસના કહેવા મુજબ વૃધ્ધ મનુભાઇ અગાઉ એ-ડિવીઝન પોલીસમાં બે વખત જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે. હાલમાં પિતા-પુત્ર બંને વરલીનો જૂગાર રમતાં પકડાયા છે. મોબાઇલ ફોન પોતાને રિપેર કરતાં આવડતાં હોઇ રિપેરીંગના હોવાનું નૈમિષે કહ્યું હોઇ પોલીસ તે અંગે ખરાઇ કરી રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જે. પી. નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(4:36 pm IST)