Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

હાથી મસાલા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત

દરરોજ ૨૫ હજાર લીટર પાણી શુધ્ધ કરાય છે : સંપૂર્ણ ઓટોમેટિક પ્લાન્ટમાં શુધ્ધ થતું પાણી વૃક્ષોને પાવા વિનામૂલ્યે અપાય છે

રાજકોટઃ ખેતી પ્રધાન દેશમાં ભુગર્ભ જળ વ્યવસ્થાપનની જરૂરિયાતને ધ્યાને લઈને અગાઉથી જ કાયદા બનાવાયા છે પરંતુ તેના અમલ પ્રત્યે ઉદાસીનતા સેવાતી રહી છે. આજે ઔદ્યોગિક ક્રાંતિના વિકાસ વચ્ચે પાણીનો જથ્થો મર્યાદિત હોય તેને જાળવવો જરૂરી છે ત્યારે વર્ષોથી મસાલા ક્ષેત્રે અગ્રેસર એવી ''હાથી મસાલા'' એ એસ.ટી.પી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપી પાણી બચાવી જળ શુદ્ધિકરણ તરફ એક પ્રસંશનીય પગલું ભર્યું છે.

હાથી મસાલા કંપની દ્વારા ફેકટરી ખાતે જ વર્ષ ૨૦૧૯ માં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જેમાં ચાર મોટા ટાંકામાં ફેકટરીની સેપ્ટીક ટેન્કમાંથી નિકળતા વપરાશ થયેલા પાણીને તેમાં લાવવામાં આવે છે. આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ ઓટોમિટિક છે. જેમાં ૨૪ કલાક દરમિયાન એટલેકે રોજનું ૨૫૦૦૦ લીટર પાણી પ્રોસેસ કરી શુધ્ધ કરવામાં આવે છે. નોંધનિય બાબત એ છે કે, કંપની આ શુધ્ધ થયેલું પાણી વિવિધ ટ્રસ્ટ અને સંસ્થાઓને વિનામુલ્યે આપે છે. જેનો ઉપયોગ વૃક્ષોને પાણી પાવામાં તેમજ બાગ-બગીચાઓના છોડને પાણી પાવામાં કરાય છે. આ પ્લાન્ટ થકી શુધ્ધ થતા પાણીને પાંચ લાખ વૃક્ષોને વિનામુલ્યે આપવાનો હાથી મસાલાનો સંકલ્પ છે.

ઓછા વરસાદના કારણે પાણીની તંગી સર્જાય ત્યારે ગટરના શુધ્ધ થયેલા પાણીથી પર્યાવરણની જાળવણી કરવાનું ઉમદા કાર્ય હાથી મસાલા દ્વારા કરાયું છે. આ સુએજ પ્લાન્ટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અને સંપૂર્ણ મંજુરી સાથે સ્થાપિત કરાયો છે. જેનો મૂળભુત હેતુ ગંદા વપરાશ થયેલા પાણીને વેડફી ન નાંખી તેને શુધ્ધ કરી પર્યાવરણના જતનમાં વાપરવાનો છે.

(4:04 pm IST)