Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

બજેટ સર્વગ્રાહી અને વિકાસલક્ષી

વિકાસ યાત્રાને આગળ વધારનારૂ બજેટઃ રાજુભાઈ

રાજકોટ, તા.૩: ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી શ્રી નિતિનભાઇ પટેલે રજૂ કરેલું બજેટ સર્વગ્રાહી અને વિકાસલક્ષી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરાવેલી રાજ્યની વિકાસયાત્રાને એનાથી વધારે વેગ મળશે. સમાજના ગરીબ, મધ્યમ વર્ગને પણ એમાં આવરી લેવાયો છે. ગુજરાતમાં આમ પણ મતદારોએ ભાજપને જ હવે તો જિલ્લા,તાલુકા પંચાયતો અને પાલિકાઓની બાગડોર સોંપી છે ત્યારે આ બજેટ સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર સાકાર કરવામાં મહત્વનું બની રહેશે.

રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું કે આ વખતે બજેટમાં રાજ્યની મહત્વની એવી સૌની યોજનાના ત્રીજા તબકકા માટે રૂ. ૧૦૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નલ સે જલ યોજના હવે અંતિમ તબક્કામાં છે. ૧૩ ટકા ઘરને જ એનો લાભ મળવાનો બાકી રહ્યો છે. કૃષિ સિંચાઇ યોજના માટે આ બજેટમાં રૂ. ૧૨૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું છે કે ૩ લાખ પરિવારને એલપીજી-પીએનજી ગેસના કનેકશન આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યમાં ગરીબ પરિવારોને જન્માષ્ટમી અને દીવાળીના તહેવારમાં એક લીટર પામતેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે.કુંવરબાઇનું મામેરૃં યોજનામાં અપાતી રકમ રૂ. ૧૦ હજારને બદલે રૂ. ૧૨ હજાર કરવામાં આવી છે. વિદ્યાર્થી સારી રીતે ભણી શકે એ માટે થઇને અંતરિયાળ વિસ્તારમાં મોબાઇલ ટાવર નાંખવામાં આવશે. એવું કહીને નાણાંમંત્રીએ સરકારની વિદ્યાર્થીઓ માટેની નિષ્ઠાના દર્શન કરાવ્યાં છે. આરોગ્યક્ષેત્ર માટે મોટી જાહેરાત એ છે કે રાજ્યમાં ખાસ રસીકરણ સેલ બનાવવામાં આવનાર છે.

(4:03 pm IST)